આહનાનું આંદોલન:અમદાવાદની 400થી વધુ હોસ્પિટલ અને નર્સિંગ હોમના ડોક્ટરો રસ્તા પર ઉતર્યા, ઈમર્જન્સી સિવાયની સેવા બે દિવસ બંધ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
વલ્લભ સદન-આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી યોજી - Divya Bhaskar
વલ્લભ સદન-આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી યોજી

અમદાવાદ શહેરમાં ફોર્મ સી અને બીયુ પરમિશન મામલે અમદાવાદની 400થી વધુ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ સંચાલકો આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. આજે અને આવતીકાલે અમદાવાદની તમામ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ, ઓ.પી.ડી. સેવાઓ અને પ્લાન કરેલી સર્જરીની કાર્યવાહી બંધ રહેશે. અમદાવાદમાં વલ્લભ સદન-આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી યોજી ધરણા પર બેઠા છે.

આજે ડોક્ટરોની રેલી અને ધરણા
અમદાવાદની ખાનગી હોસ્પિટલના સંચાલકો અને તબીબોએ વલ્લભ સદન-આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી યોજી ધરણા પર બેઠા છે. ધરણા પ્રદર્શન ખાતે રામધૂન બોલાવી પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે. ડોક્ટરોના વિરોધ પ્રદર્શનનના કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે, આંદોલનકારી હોસ્પિટલ સંચાલકોનો તર્ક છે કે, તેઓ ભલે વિરોધ નોંધાવી રહ્યા હોય પરંતુ બ્લડ ડોનેશન કાર્યક્રમ થકી પોતાની સમાજ પ્રત્યેની ફરજ અદા પણ કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં પણ તેમની માંગણીઓનો ઉકેલ ન આવતાં અંતે વિરોધ નોંધાવવાની ફરજ પડી છે.

વિશાળ રેલી યોજ્યા બાદ ડોક્ટરો ધરણા પર બેઠા
વિશાળ રેલી યોજ્યા બાદ ડોક્ટરો ધરણા પર બેઠા

AMCએ બીયુ પરમિશનની માગ શરૂ કરી છે
1949થી 2021 સુધી, તમામ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ્સ બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ 1949 હેઠળ હૉસ્પિટલોની નોંધણી માટે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા છે. અત્યાર સુધી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ કોઈ પણ પ્રકારની સમસ્યા વિના નોંધણી કરવામાં આવી છે. પરંતુ ઑક્ટોબર 2021થી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અધિનિયમ હેઠળ નોંધણી માટે વેલિડ બિલ્ડિંગ યુઝ (બીયુ) પરવાનગીની માંગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે તેઓ વિરોધ નોંધાવી રહ્યાં છે. ઑક્ટોબર 2021 સુધી નર્સિંગ હોમ અને હૉસ્પિટલોના રજિસ્ટ્રેશન માટે ક્યારેય બીયુ પરવાનગીની જરૂર નહોતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેતે હોસ્પિટલની યોગ્યતા સહિત સ્ટાફની વિગતોની ચકાસણી કર્યા બાદ નોંધણી પ્રમાણપત્ર જારી કરતું હતું, જેને સામાન્ય રીતે ફોર્મ 'સી' તરીકે ઓળખવામાં આવે છે.

હેલ્થકેર સેવાઓ માટે બીયુ ફરજિયાત બનાવાઈ છે
હોસ્પિટલ સંચાલકોની એ પણ દલીલ છે કે ફોર્મ C પરવાનગી માત્ર મૉર્ડન મેડિસિન સાથે કામ કરતી હેલ્થકેર સુવિધાઓને જ લાગુ પડે છે. રેસ્ટોરાં જેવી અન્ય સેવાઓ પ્રદાન કરવા માટે અલગ નોંધણીની કોઈ આવશ્યકતા નથી અને તેઓને તેમના બીયુ સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના કામ કરવાની મંજૂરી આપે છે ત્યારે આ પ્રકારની જરૂરિયાત માત્ર હેલ્થકેર સેવાઓ માટે જ કેમ ફરજિયાત બનાવવામાં આવી છે? આમ થવાથી હોસ્પિટલ સંચાલકો સાથે ભેદભાવ થતો હોવાનું દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

આહનાનું કહેવું છે કે માંગણીઓનો ઉકેલ ન આવતાં વિરોધ નોંધાવવાની ફરજ પડી
આહનાનું કહેવું છે કે માંગણીઓનો ઉકેલ ન આવતાં વિરોધ નોંધાવવાની ફરજ પડી

આહના દ્વારા આવતીકાલે રક્તદાન શિબિર
AHNA દ્વારા 14મી મે, 2022ના વાગ્યે વલ્લભ સદન, આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી અને ધરણાનું આયોજન કર્યું છે, જેમાં ડૉકટરો, હોસ્પિટલોના કર્મચારીઓ, દર્દીઓ, સંબંધીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાશે. 15મી મે, 2022ના રોજ વલ્લભ સદન, આશ્રમ રોડ ખાતે સવારે 9 થી 12 દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દ્વારા અમે અમે સત્તાધીશોને સંદેશો પાઠવવા ઈચ્છીએ છીએ કે આટલા અવરોધો છતાં અમે અમારું ઉમદા કાર્ય ચાલુ રાખીએ છીએ. સત્તાધીશોને અનેકવાર આ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવા છતાં સળગતી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.

ઈમર્જન્સી હેલ્થકેર સેવાઓ યથાવત રહેશે
આહનાએ જણાવ્યું હતું કે, તારીખ 14 અને 15મીના રોજ હોસ્પિટલો દ્વારા ઇમર્જન્સી હેલ્થકેર સેવાઓ ચાલુ રહેશે. 'મેડિકલ બંધ' થી સામાન્ય લોકોને ઉભી થતી અસુવિધા માટે ખેદ અનુભવીએ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરશે.

અન્ય સમાચારો પણ છે...