ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે રાજ્યમાં અલગ અલગ રાજકીય પાર્ટીની રાજકીય ગતિવિધિઓ શરૂ થઇ ચૂકી હોય તેમ લાગી રહ્યું છે. BTPના ધારાસભ્ય મહેશ વસાવા અને ઉપાધ્યક્ષ પરેશ વસાવાએ ગઇકાલે દિલ્હી ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળી મુલાકાત કરી હતી. બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાની અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાતથી અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. આગામી ચૂંટણીમાં આપ અને બીટીપી બન્ને એક થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. ત્યારે ચૂંટણી પૂર્વે કેજરીવાલની નજર ગુજરાતમાં વસતા આદિવાસી મતદારો પર હોવાનું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, મહેશ વસાવાએ દિલ્હીની સરકારી સ્કૂલની મુલાકાત પણ લીધી હતી.
ગુજરાત બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા અને ઉપાધ્યક્ષ પરેશ વસાવાએ ગઇકાલે દિલ્હી ખાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત કરી હતી અને આગામી ચૂંટણીમાં આપ અને બીટીપી સાથે મળી ભાજપ સામે મોરચો માંડશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
કેજરીવાલ સાથે એક કલાક બેઠક ચાલી
સૂત્રોના જણાવ્યા મુજબ અરવિંદ કેજરીવાલ સાથે એક કલાક સુધી બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા અને ઉપાધ્યક્ષ પરેશ વસાવાની બેઠક ચાલી હતી. આ બેઠકમાં ગુજરાત આપના નેતા ઈશુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા. અરવિંદ કેજરીવાલ સાથે બેઠકમાં ગુજરાતમાં બીટીપી અને આપ સાથે મળી ભાજપ સામે મોરચો માંડશે તે વાત સ્પષ્ટ થઇ હતી. બીજી બાજુ બીટીપી આપ સાથે ગઠબંધન કરશે અથવા તો મર્જ થશે તે વાત ચોક્કસ હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
આદિવાસીઓનો સાથ લઈ લડશે ચૂંટણી
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ હવે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી દ્વારા એક બાદ એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં રહેતા આદિવાસી મતદારો પર આમ આદમી પાર્ટીની નજર જોવા મળી રહી છે અને આગામી ચૂંટણીમાં ગુજરાતમાં વસતા આદિવાસી સમાજના મતદારોને સાથે રાખી આમ આદમી પાર્ટી ભાજપ સામે મોરચો માંડશે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.
2017માં આદિવાસી બેલ્ટમાં કોને કેટલી બેઠક મળી
ગુજરાતમાં આદિવાસી સમુદાયની વસતિ 15 ટકા જેટલી છે અને વિધાનસભાની લગભગ 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, સુરત, ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જનજાતિની વસતિ પ્રભાવશાળી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા અને પંચમહાલ જ્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા મુખ્ય છે. વર્ષ 2017માં 27 બેઠક પૈકી 15 બેઠકો પર કોંગ્રેસને સફળતા મળી હતી. ભાજપને 9 જ્યારે BTPને 1 તેમજ મોરવાહડફની બેઠક પર અપક્ષને જીત મળી હતી.
1990થી શું રહી છે સ્થિતિ
આદિવાસી પ્રભુત્વવાળી બેઠકોની વાત કરીએ તો, 1990માં જનતા દળ પાસે 26 અનામત બેઠકોમાંથી સૌથી વધુ 11 બેઠકો હતી. ભાજપે 6, કોંગ્રેસે 7 અને અપક્ષોએ 2 બેઠકો જીતી હતી. રામ મંદિર આંદોલન પછી 1995ની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 14 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 8 બેઠકો મળી હતી. ઝઘડિયા બેઠક પર છોટુભાઈ વસાવાનો વિજય થયો હતો.2012 માં, કોંગ્રેસે 15 બેઠકો પર કબજો કર્યો, જ્યારે ભાજપને 10 બેઠકો મળી. ઝઘડિયા બેઠક પર ફરી એકવાર છોટુભાઈ વસાવા જીત્યા હતા. સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી છે અને વિધાનસભાની બેઠકો પણ છે. વિધાનસભાની 26 બેઠકોમાંથી 17 બેઠકો અહીંથી આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.