BRTS બસ બળીને ખાખ:અમદાવાદના મણિનગરમાં BRTS બસમાં આગ લાગતાં અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદ2 મહિનો પહેલા

અમદાવાદના મણિનગર વિસ્તારમાં રેલવે સ્ટેશનની સામે પાર્ક કરેલી બીઆરટીએસ બસમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. જોકે, સદનસીબે બીઆરટીએસ બસ પાર્ક કરેલી અને ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આગના પગલે દોડધામ મચી ગઈ હતી.

બસ ખાલી હોવાથી જાનહાનિ થઈ નથી
ફાયર બ્રિગેડનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સાંજે મણિનગર રેલવે સ્ટેશન પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર સીએનજી બીઆરટીએસ બસ ઊભી હતી. પાર્ક કરેલી આ બસમાં અચાનક જ કોઈ કારણોસર આગ લાગી હતી. એન્જિનના ભાગે આગ લાગી હોવાથી ધીમે ધીમે આગ આગળ ફેલાઈ રહી હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી. બસ ખાલી હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

25 પેસેન્જર્સ ભડથું થતાં બચ્યા
આ અગાઉ અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પર એકાએક BRTS બસમાં આગ લાગી હતી. એન્જિનમાંથી ધુમાડો નીકળતાં જ બસ-ડ્રાઇવર દ્વારા પેસેન્જરોને બહાર કાઢવામાં આવ્યા હતા. BRTS બસ સ્ટેન્ડ પરથી પણ લોકોને દૂર કરવામાં આવ્યા હતા. ગણતરીની મિનિટોમાં બસમાં આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ લાગી ત્યારે 25 જેટલા પેસેન્જર બીઆરટીએસ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ બસ RTOથી મણિનગર જઈ રહી હતી.

ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી
મેમનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બીઆરટીએસ બસ બંધ પડી ગઈ હતી અને એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેથી ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બસના દરવાજા ખોલી તમામ પેસેન્જરને બહાર નીકળવા માટે કહ્યું હતું. બસમાંથી પેસેન્જર બહાર નીકળ્યા હતા અને વધુ ધુમાડો ફેલાતા અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેથી બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી પણ લોકોને સ્ટાફ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જોતજોતામાં બસમાં આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી
બીઆરટીએસ બસના આગળના ભાગમાં આગ લાગી હતી. આગને કારણે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પણ આગની ઝપેટમાં આવ્યું હતું, જોકે સમયસર ફાયર બ્રિગેડ પહોંચી જતાં બીઆરટીએસ બસ સ્ટેન્ડને વધુ નુકસાન થયું નથી. સવારના નોકરીનો સમય હોવાથી લોકો બીઆરટીએસનો વધુ ઉપયોગ કરતા હોય છે અને એ સમય દરમિયાન આ ઘટના બની હતી, જોકે ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બસના પેસેન્જરને નીચે ઉતારી લીધા હતા. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

સુરતમાં પણ સિટી બસમાં ભયાવહ આગ ફાટી નીકળી
ઉલ્લેખનીય છે કે, સુરતના ગોડાદરાથી ચોકબજાર જતી બસમાં સોમવારે અચાનક ગોડાદરાના શનિમંદિર પાસે ભયાવહ આગ ફાટી નીકળી હતી. જેથી આસપાસ અફરાતફરી મચી હતી. જોકે, આગ લાગી તે અગાઉ જ ડ્રાઈવરે સમય સૂચકતા દાખવીને 7 મુસાફરોને સલામત રીતે ઉતારી દેવામાં સફળતા મેળવી હતી. આ પ્રકારે સિટી બસમાં આગ લાગવી નવાઈની વાત નથી. સતત આગ લાગી રહી છે. જેના કારણે મુસાફરોના જીવ સતત જોખમમાં રહે છે. શહેરની અંદર છેલ્લા એક વર્ષમાં સિટી બસ અને બીઆરટીએસ બસમાં સતત આગ લાગવાની ઘટના બની રહી છે. સિટી બસ અને બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટનાને રોકવા માટે હાયર લેવલ કમિટી બનાવવામાં આવી છે. ત્યારે દિવ્ય ભાસ્કરે બસના ચાલક નંદકિશોર સાથે મુસાફરોને આગ લાગવા સમયે કયા પ્રકારની સ્થિતિ ઊભી થઈ હતી અને તેણે ત્વરિત લીધેલા નિર્ણય અંગે વિસ્તૃત વાતચીત કરી હતી.

ગણતરીની મિનિટોમાં જ ઘટના બની
સિટી બસના ડ્રાઇવર નંદકિશોરે જણાવ્યું કે, ગોડાદરા વિસ્તારમાંથી સવારે 8:00 વાગે હું સિટી બસ લઈને નીકળું છું. રાજ એમ્પાયર પાસેથી ગાડી શરૂ કરી અને હજુ તો બેથી ત્રણ જ સોસાયટી આગળ ગયો અને મુસાફરોને લેતા આગળ વધી રહ્યો હતો. ત્યારે બસમાં એકાએક વાયર સળગવાની દુર્ગંધ આવવા લાગી હતી. શરૂઆતમાં મેં જોયું તો વધુ ગંભીરતા ન લાગી. પરંતુ વાયરની દુર્ગંધ વધતાંની સાથે જ મેં તાત્કાલિક બસને ટ્રાફિકમાંથી બહાર કાઢી સાઇડ ઉપર પાર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારમાં ટ્રાફિક વધુ હોવાથી તાત્કાલિક નિર્ણય લીધો કે, જ્યાં આગળ થોડી ખૂલી જગ્યા દેખાય ત્યાં ગાડીને પાર્ક કરી દઉં. વાયર સળગવાની સાથે 50 મીટરના અંતરમાં ઝડપથી બસ ઊભી રાખવા માટે એવી જગ્યા શોધી કે, જેની આસપાસ અન્ય કોઈ લોકો કે વાહન ના હોય.

બસના પેસેન્જરને તાત્કાલિક બહાર કાઢ્યા
ખુલ્લી જગ્યા દેખાતાંની સાથે જ બસને સાઈડ ઉપર ઊભી રાખી બસમાં મુસાફરો બેઠા હતા તેમને બસમાં જ ઊતરી જવા માટે મેં વિનંતી કરી હતી. મુસાફરોને પણ અંદાજ આવી ગયો હતો કે, બસમાં કંઈક સળગી રહ્યું છે. હજી તો પેસેન્જર ઊતર્યા અને હું પોતે ઊતરીને આગળની તરફ જોવા ગયો ત્યાં મને આગ દેખાવા માંડી હતી. ફાયરના સાધનથી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આખી બોટલ ખાલી થઈ ગઈ પણ આગ બુઝાઈ નહીં. તેથી હું પણ પોતે બસથી દૂર ઊભો રહીને ફાયર વિભાગને કોલ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...