તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છૂટછાટને મિશ્ર પ્રતિસાદ:BRTS-AMTSને પહેલાં દિવસે માંડ 10 ટકા પેસેન્જર મળ્યા, સ્કૂલોના ઓનલાઈન શિક્ષણમાં 80 ટકા હાજરી

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના પહેલા AMTS-BRTSમાં રોજ સરેરાશ 7.75 લાખ લોકો મુસાફરી કરતા હતા

કોરોનાની બીજી લહેરની અસર ઓછી થતાં શહેરમાં ધીરે ધીરે જનજીવન પૂર્વવત થઈ રહ્યું છે. લગભગ 82 દિવસ પછી એએમટીએસ અને બીઆરટીએસની સેવા ચાલુ થઈ હતી. કોરોના પહેલા સામાન્ય દિવસમાં બંને બસ સેવામાં રોજના સરેરાશ 7.75 લાખ લોકો મુસાફરી કરતા હતા. જ્યારે સોમવારે એએમટીએસ-બીઆરટીએસને મળીને 72 હજાર પેસેન્જર મળ્યા હતા. જે સામાન્ય દિવસોના પેસેન્જરની સંખ્યાના માંડ 10 ટકા છે. આ ઉપરાંત સોમવારથી સ્કૂલો અને કોલેજોમાં પણ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. સ્કૂલો હજુ ઓફલાઈન ચાલુ થઈ નથી. પ્રથમ દિવસે સ્કૂલોના ઓનલાઈન શિક્ષણમાં પણ લગભગ 80 ટકા હાજરી જોવા મળી હતી. વિવિધ અદાલતો પણ 14 મહિનાના લાંબા ગાળા પછી ફરી એકવાર શરૂ થઈ ગઈ છે.

AMTSમાં 44 હજાર, BRTSમાં 28 હજાર પેસેન્જરે મુસાફરી કરી
શહેરમાં 82 દિવસ બંધ રહ્યા બાદ સોમવારથી એએમટીએસ અને બીઆરટીએસની બસો તેની 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ થઇ છે. બીઆરટીએસને 28 હજાર જ્યારે એએમટીએસને 44731 પેસેન્જર મળ્યા હતા. કોરોના સંક્રમણ વધતાં જ શહેરમાં માર્ચમાં જ બીઆરટીએસ અને એએમટીએસની સેવાઓ ફરીથી બંધ કરી દેવાઈ હતી. જેથી મુસાફરોમાં કોરોના સંક્રમણ ન ફેલાય. જોકે હવે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવતાં ફરીથી બીઆરટીએસ અને એએમટીએસની બસો 50 ટકા ક્ષમતા સાથે તેમજ તેમાં 50 ટકા મુસાફરોને બેસાડવાની શરત સાથે શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે બીઆરટીએસની 125થી વધારે બસો દોડી હતી અને બીઆરટીએસને 3.57 લાખની આવક થઈ હતી. જ્યારે એએમટીએસની 300થી વધુ બસ દોડી હતી અને 3.45 લાખની આવક થઈ હતી.

વાલીઓએ સ્કૂલોને પૂછ્યું, સરકારે આ વર્ષે પણ 25% ફી માફી આપી છે?
નવા સત્રમાં શરૂ થયેલી સ્કૂલોના પહેલા દિવસે ઓનલાઇન ક્લાસમાં 80 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. મોટાભાગની સ્કૂલોએ પહેલા દિવસે માત્ર હાજરી અને કોર્સની માહિતી આપી હતી. નવા શૈક્ષણિક વર્ષના પહેલા દિવસે મોટી સંખ્યામાં ઓનલાઇન હાજરીને કારણે સંચાલકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. સંચાલકોને હવે લાગી રહ્યું છે કે ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થીની સંખ્યા જળવાઇ રહેશે.
ઘણી સ્કૂલોએ પહેલા દિવસે વાલીઓને પણ ઓનલાઇન ક્લાસમાં જોડ્યા હતા. તેઓને આવનારા વર્ષનો કોર્સ અને શિક્ષકોની માહિતી આપી હતી. પરંતુ અમુક વાલીઓએ સંચાલકોને સરકારે 25 ટકા ફી માફી આપી છે કે નહીં તે પણ જણાવવા કહ્યું હતું. આ વર્ષથી પ્રિ-પ્રાઇમરી વિભાગમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ગયા વર્ષ કરતા વધી છે. કારણ કે ગયા વર્ષે ઘણી સ્કૂલોના પ્રિ પ્રાઇમરી સેક્શનમાં 20 જેટલા વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો હતો. ઓછી સંખ્યાને કારણે ઘણા શિક્ષકોને છૂટા કર્યા હતા.

14 મહિને શરૂ થયેલી કોર્ટોમાં પહેલાં દિવસે 60થી 70 કેસનું બોર્ડ બન્યું
હાઈકોર્ટના આદેશ બાદ સોમવારે 14 મહિના પછી કાર્યરત થયેલી નીચલી અદાલતોમાં મોટી સંખ્યામાં વકીલો અને પક્ષકારો ઉમટી પડ્યા હતા. જે લોકોના નામનો પોકાર પડે એજ વકીલ અને પક્ષકારોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડ લાઈનનું પાલન કરાવી કોર્ટ રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શહેરની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ, સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટ અને ફેમિલી કોર્ટમાં સવારે 10.30 વાગ્યાથી વકીલો અને પક્ષકારો આવવાના શરૂ થયાં હતાં. 14 મહિનાથી ખાલી ખમ ભાસતા વકીલોના ટેબલ પર ક્લાયન્ટોની હાજરી નજરે પડતી હતી. બાર એસોસિઅેશનના ઉપપ્રમુખ ભરત શાહે જણાવ્યું કે, મેટ્રો કોર્ટમાં તમામ ગાઈડ લાઈન પાલન કરાયું હતું. પ્રથમ દિવસે તમામ કોર્ટમાં અંદાજે 60થી 70 કેસનું બોર્ડ બન્યું હતું. તેમજ મુદ્દામાલ અરજી, જામીન અરજી અને રિમાન્ડ અરજી જેવા અરજન્ટ કામો હાથ ધરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...