ફાયરિંગ કેસમાં ઘટસ્ફોટ:અમદાવાદમાં ભાઈએ બહેનની હત્યા કરાઈ હોવાની શંકા રાખી ફોઈના મર્ડર માટે 5 લાખની સોપારી આપી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી પાડ્યા - Divya Bhaskar
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી પાડ્યા
  • જુહાપુરાની મહિલા પર ફાયરિંગ થયું તે બચી ગઇ, સોપારી આપનાર, શૂટર અને હેલ્પરની ધરપકડ
  • ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી વેજલપુર પોલીસને હવાલે કર્યા

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતી આધેડ મહિલા પર ગત 30મી મે મહિનાની રાત્રે ફાયરિંગ કરનાર, સોપારી આપનાર સહિત 3 શખસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી પિસ્ટલ અને કારતૂસ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કૌટુંબિક ભત્રીજાને તેની બહેનની હત્યા કરી હોવાની શંકા હોવાના કારણે હત્યા માટે પ્લાન બનાવ્યો હતો. પાંચ લાખમાં ફોઇ મુનીરાબાનુંને મારવાની સોપારી આપી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી વેજલપુર પોલીસને આરોપી સોંપી દીધા હતા.

30 મેએ મહિલા પર ફાયરિંગ થયું હતું
જુહાપુરામાં રહેતી મુનીરાબાનું ગત 30 મેના રોજ રાત્રે લગ્નમાં ગઇ હતી. બાદમાં મુનીરાબાનું લગ્નમાં હાજરી પૂર્ણ કરી પરત ઘરે આવવા લોખંડાવાલા પાર્ટી પ્લોટથી નીકળી હતી. દરમિયાનમાં જુહાપુરા કાદરી પાર્ટી પ્લોટ 85 રોડ પાસે તે પહોંચ્યા હતા. આ સમયે એક્સેસ પર આવેલા બે શખસોએ 2થી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં મુનીરાબાનુંને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનેમાં હત્યાની કોશીષ હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

મુનીરાબાનું પર ફાયરિંગ થયું હતું
મુનીરાબાનું પર ફાયરિંગ થયું હતું

બાતમીના આધારે આરોપીને પકડી પડાયા
આ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી પી ચુડાસમાએ જણાવ્યું હતુ કે, જુહાપુરામાં થયેલી ફાયરિંગની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ 3 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ક્રાઇમને બાતમી મળી હતી કે, સરખેજ ધોળકા રોડ પર એક એક્સેસ પર બે શખસો ઉભા છે તે આ હત્યામાં સંકળાયેલા છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે અસ્ફાક રજાકભાઇ મુલ્તાની(રહે. સરખેજ) અને શોહિલ ઐયુબ દિવાન(રહે. વિરમગામ)ની ધરપકડ કરી હતી. તેની પુછપરછમાં બહાર આવ્યું હતું કે, આ બંને શખસોને શોહિલખાન નસીબખાન મલેક(ઉ.26, રહે.વિરમગામ)એ હત્યા કરવા માટેની સોપારી આપી હતી. અસ્ફાક સ્વિગીમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે અને શોહિલ દિવાન ટ્રાવેલ્સમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. બંનેને પૈસાની જરૂર હોવાથી આ સોપારી લીધી હતી.

શોહિલની બહેનના અપમૃત્યુની અદાવત ચાલતી હતી
શોહિલખાન મલેકની પુછપરછમાં બહાર આવ્યું હતું કે, મુનીરાબાનું તેની પોતાની ફોઇ થાય છે, તેના કારણે 2017માં શોહિલ મલેકની બહેને આપઘાત કરી લીધો હતો. જોકે તે આપઘાત ન હતો પરંતુ ફોઇએ કરેલી હત્યા હતી. જોકે તેની પાસે કોઇ મેડિકલ પૂરાવા અને અન્ય માહિતી મળી ન હતી. પરંતુ તે પહેલાં જ પીએમ કરાવ્યા વગર લાશની દફનવિધિ કરી દેવાઈ હતી. જેથી કોઇ કાયદેસરની કાર્યવાહી થઇ ન હતી. તેની અદાવત ચાલી રહી હતી, તેથી આ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પિસ્ટલ, 5 કારતૂસ, મોબાઇલ, એક્સેસ સહિત કુલ 76 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...