સાસરિયાઓનો ત્રાસ:અમદાવાદમાં જેઠે યુવતીને બાથ ભીડી કહ્યું-મને તારા વગર મન નથી લાગતું, સાસરિયાઓ ભૂત વળગ્યાનું કહી તાંત્રિકવિધિ કરાવતા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પતિ રોજ દારૂ પીને તેને બિભત્સ ગાળો બોલતો અને માર મારતો

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પતિ સહિત સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ તેનો પતિ દારૂ પીને માર મારતો હતો. જ્યારે યુવતીનો જેઠ તેને બાથ ભરી તારા વગર મન નથી લાગતું કહી હેરાન કરતો હતો. આ પ્રકારની હરકતોને લઈ યુવતી ઝઘડો કરે તો સાસરિયાઓ તેને ભૂત વળગ્યું છે કહીને તાંત્રિક વિધિ કરાવતા હતા. આખરે યુવતીએ સાસરિયાઓથી કંટાળીને આ બાબતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

‘તે દીકરીને જન્મ આપતા અમારા ઘરનો સત્યનાશ કરી નાંખ્યો’
શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતી 31 વર્ષીય યુવતીના વર્ષ 2014માં પંજાબ ખાતે રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ આ યુવતી સાસરે રહેવા ગઇ હતી અને વર્ષ 2015માં તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. જેથી તેના પતિ અને સાસરિયાઓનું વર્તન બદલાઈ ગયું હતું. દીકરીને જન્મ આપ્યા બાદ આ યુવતીને તેનો પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી કહેતા કે અમારે સંતાનમાં દીકરો જોઈતો હતો અને તે દીકરીને જન્મ આપતા અમારા ઘરનો સત્યનાશ કરી નાખ્યો છે. આવા મહેણાં મારી આ યુવતીને સાસરિયાઓ અપમાનિત કરતા હતા, અને તેનો પતિ રોજ દારૂ પીને તેને બિભત્સ ગાળો બોલતો અને વિરોધ કરે તો તેને માર પણ મારતો હતો.

‘ઘરમાં કોઈને કહીશ તો છૂટાછેડા કરાવી દઈશ’
યુવતી લગ્ન કરી સાસરિયામાં રહેવા ગઈ ત્યારથી તેનો જેઠ તેની ઉપર નજર બગાડતો હતો. યુવતી તેના જેઠને પિતા સમાન હોવાનું કહેતી ત્યારે તેનો જેઠ કહેતો કે તારા વગર મને મન લાગતું નથી તેમ કહી મરજી વિરુદ્ધ આ યુવતીને પકડી રાખી શારીરિક અડપલાં કરતો હતો. યુવતીને તેનો જેઠ ધમકી આપતો હતો કે ઘરમાં કોઈને જાણ કરીશ તો તારા પતિ સાથે છૂટાછેડા કરાવી દઈશ. છતાં આ યુવતીએ તેના પતિ સાસુ-સસરા અને જેઠાણી અને આ બાબતે વાત કરતા તેનો જ વાંક ગુનો કાઢી તેને કાળમુખી બની ને ઘરમાં આવી છે તેમ કહી અપમાન કર્યું હતું.

પિતાએ દીકરીના સાસરિયાઓને ધંધો પણ સેટ કરી આપ્યો હતો
યુવતીના સાસરિયાઓ નાની નાની વાતમાં ઝગડો કરી તેને ત્રાસ આપી ભૂત વળગ્યું છે તેવું કહી તાંત્રિક વિધિ કરાવતા હતા અને માતા-પિતાને જણાવશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી તેને રાખતા હતા. આ યુવતીના પતિ અને સાસરિયાઓનો ચપ્પલ બનાવવાનો વેપાર વ્યવસ્થિત ચાલતો ન હોવાથી યુવતીના પિતાએ ભાડેથી જગ્યા અપાવી વેપાર શરૂ કરાવી આપ્યો હતો. જેઠ શારીરિક અડપલા કરી તેનો જ વાંક કાઢી સાસરિયાઓ ભૂત વળગ્યું હોવાનું કહી તેને તાંત્રિક વિધિ કરાવતા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.