તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોડકદેવ પોલીસ સ્ટેશન ક્યારે બનશે!:5મી વાર પણ શરૂ થતાં પહેલાં જ તૂટી ગયું; પોલીસ સ્ટેશન બનાવવા વેપારીઓ પાસેથી 40 લાખ ઉઘરાવાયા હતા

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક
સિંધુ ભવન રોડ પર મ્યુનિ.ના પાર્કિંગ પ્લોટનો એક ખૂણો બોડકદેવ પોલીસ સ્ટેશન માટે ફાળવાયો હતો. - Divya Bhaskar
સિંધુ ભવન રોડ પર મ્યુનિ.ના પાર્કિંગ પ્લોટનો એક ખૂણો બોડકદેવ પોલીસ સ્ટેશન માટે ફાળવાયો હતો.

બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવા પોલીસે 5 વર્ષમાં વેપારીઓ પાસેથી 40 લાખ ઉઘરાવ્યા હતા તેમ છતાં હજુ સુધી પોલીસ સ્ટેશન શરૂ કરાયંુ નથી. 5મી વખત જગ્યા બદલીને પોલીસ સ્ટેશન રાજપથ ક્લબ પાછળના મ્યુનિ.ના પ્લોટના ડોમમાં બનાવાયું હતું, પરંતુ પોલીસ સ્ટેશનને અડીને જ મ્યુનિ.એ પાણીની અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકીઓ બનાવી દેતાં પોલીસ સ્ટેશન ઢંકાઈ ગયું છે.

બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવા ગૃહ વિભાગે 5 વર્ષ પહેલાં મંજૂરી આપી દીધી હતી, પરંતુ પોલીસ સ્ટેશન બનાવવા માટે જગ્યા આપી નથી તેમ જ બાંધકામ માટે પૈસા આપ્યા ન હતા. જ્યારે લોકો પાસેથી પૈસા ઉઘરાવીને બોડકદેવ પોલીસ સ્ટેશન શરૂ કરી દેવાની જવાબદારી પોલીસને જ સોંપાઈ હતી, જેથી પોલીસે બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવા માટે વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કરી દીધંુ હતું. પહેલા સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પહેલા માળે બોડકદેવ પોલીસ સ્ટેશન શરૂ કરવાનું નક્કી કરાયું હતંુ, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પહેલા માળે બોડકદેવ પોલીસ સ્ટેશન શરૂ કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ તેમાં પણ સફળતા ન મળી. ત્યાર બાદ થલતેજ ગ્રામ પંચાયતની પાણીની ટાંકી પાસે બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવાનું નક્કી કરાયું, પરંતુ ત્યાં પણ શરૂ કરી ન શકાયું.

ત્યાર બાદ સિંધુ ભવન રોડ પર મ્યુનિ.ના પાર્કિંગ પ્લોટનો એક ખૂણો બોડકદેવ પોલીસ સ્ટેશન માટે ફાળવાયો હતો, જેથી ત્યાં રૂ. 25થી 30 લાખના ખર્ચે ડોમમાં બોડકદેવ પોલીસ સ્ટેશન તૈયાર કરી દેવાયું હતું, પરંતુ મ્યુનિ.એ તે પ્લોટ ખાલી કરી દેવા દબાણ કરીને રાજપથ ક્લબની પાછળ 3 હજાર ચો.મી.નો એક પ્લોટ આપ્યો હતો, જેથી પાર્કિંગ પ્લોટમાં તૈયાર કરાયેલો ડોમ તેમજ કેબિનો ઉઠાવીને રાજપથ ક્લબ પાસેના પ્લોટમાં ઊભા કરાયા હતા. ત્યાર બાદ મ્યુનિ.એ પોલીસ સ્ટેશનની આસપાસની ખુલ્લી જગ્યામાં વિશાળ ઓવરહેડ, અંડર ગ્રાઉન્ડ ટાંકી બનાવવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે પોલીસ સ્ટેશન ઢંકાઈ ગયંુ છે. જ્યારે તાઉતે વાવાઝોડામાં ડોમના કેટલાક પતરાં ઊડી ગયાં છે તેમ જ કેબિનો પણ તૂટી ગઈ હોવાથી હાલમાં બોડકદેવ પોલીસ સ્ટેશન ખંડેર હાલતમાં પડ્યું છે.

પોલીસ હાઉસિંગ આખા ગુજરાતમાં પોલીસ સ્ટેશનો બનાવે છે
રાજ્યભરમાં છેલ્લાં 10 વર્ષમાં નવા બની રહેલા તમામ પોલીસ સ્ટેશન પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવી આપવામાં આવે છે. હજુ તો એક અઠવાડિયા પહેલાં જ નવા બનેલા ચાંદખેડા પોલીસ સ્ટેશનનું ઉદ્દઘાટન ગૃહ મંત્રીએ કર્યું હતું, પરંતુ 5 વર્ષ પછી પણ બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવા માટે સરકાર જમીન આપતી નથી કે પોલીસ હાઉસિંગ કોર્પોરેશન બાંધકામ કરી આપતું નથી.

આનંદનગર પોલીસ સ્ટેશન પણ કોમર્શિયલ બિલ્ડિંગમાં ચાલે છે
સેટેલાઇટ પોલીસ સ્ટેશનનું વિભાજન કરીને 5 વર્ષ પહેલાં આનંદનગર પોલીસ સ્ટેશનની રચના કરવામાં આવી હતી. જોકે 5 વર્ષ પછી પણ આનંદનગર પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ બનાવાયું નથી. આથી શરૂઆતમાં 4 વર્ષ સુધી પોલીસ ચોકીમાં જ ચાલતંુ આનંદનગર પોલીસ સ્ટેશન છેલ્લાં 1 વર્ષથી એસજી હાઈવે પર હોટેલ ક્રાઉન પ્લાઝાની બાજુમાં આવેલા ઇસ્કોન એલિગન્સ બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...