• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Brief: Congress Leader's Attempt At Self immolation On Cow Issue In Jamnagar, NITI Aayog Governing Council Meeting Chaired By PM Modi

જગદીપ ધનખડ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે:જામનગરમાં કોંગી નેતાનો ગાય મુદ્દે આત્મવિલોપનનો પ્રયાસ, PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક

2 મહિનો પહેલા

નમસ્કાર,
આજે રવિવાર, તારીખ 7 ઓગસ્ટ, શ્રાવણ સુદ દશમ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે PM નરેન્દ્ર મોદી નીતિ આયોગની સાતમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે
2) આપ સુપ્રીમો અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે છોટાઉદેપુરના બોડેલીમાં વિશાળ જનસંમેલનમાં ભાગ લેશે
3) આજે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
4) નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીમાં
5) મહેસાણાના લાડોલની તન્વીનો આઝાદી સેટ બનાવવામાં ફાળો, આજે શ્રી હરિકોટાથી સેટેલાઈટનું લોંચિંગ
6) અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી હાજરીમાં આજથી તિરંગા યાત્રા શરૂ થશે, 14 ઓગસ્ટ સુધી તમામ 48 વોર્ડમાં ફરશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) જગદીપ ધનખડ બનશે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ; 725 પૈકી 528 મત મળ્યા, માર્ગરેટ અલ્વાને 182 મત મળ્યા
જગદીપ ધનખડ દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ હશે. NDAના ઉમેદવાર જગદીપ ધનખડને 528 મત મળ્યા છે, જ્યારે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને 182 મત મળ્યા છે. જ્યારે 15 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા છે. NDA તરફથી જગદીપ ધનખડ તથા વિપક્ષ તરફથી માર્ગરેટ અલ્વા ઉમેદવાર હતા. TMCએ તેના 36 સાંસદોને મતદાનથી દૂર રહેવા માટે કહ્યું હતું, જોકે TMC સાંસદ શિશિર અધિકારી તથા દિવ્યેન્દ્ર અધિકારીએ મમતાના નિર્ણય સામે મતદાન કર્યું હતુ.
વાંચો સમાચાર વિગતવાર
2) જામનગરમાં જ્યાં મુખ્યમંત્રી હાજર હતા ત્યાં બહાર પોલીસની હાજરીમાં જ શહેર કોંગ્રેસ-પ્રમુખે કેરોસિન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
રાજ્યભરમાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે આજે જામનગર કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેક્ટરની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન શહેર કોંગ્રેસ-પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. દિગુભા જાડેજા પોતાના શરીર કેરોસિન પણ છાંટી દીધું હતું. જોકે આત્મવિલોપન કરે એ પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. આ દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભારે હોબાળો મચતાં લોકોનાં ટોળાં એકઠા થયાં હતાં.
વાંચો સમાચાર વિગતવાર
3) રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબાની જામનગરમાં કોંગ્રેસની ટિકિટ માટે દાવેદારી, રિવાબાને ભાજપ ટિકિટ આપે એવાં એંધાણ
જામનગરમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. નયનાબા જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ હતા. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરને રાજીનામું આપી દીધું છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ ટેલિફોનિક વાતચીતમાં નયનાબાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી હું જામનગરમાં વિધાનસભાની ચૂંટણી લડીશ, આ માટે મેં દાવેદારી પણ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જાડેજાની પત્ની રિવાબાએ પણ કહ્યું હતું કે, ભાજપ ચૂંટણી વખતે મારી પર ભરોસો કરશે તો હું તૈયાર છું. આ સ્થિતિમાં ખરી ઈમોશનલ કસોટી રવિન્દ્ર જાડેજાની થશે કે ચૂંટણીમાં કોને સપોર્ટ કરવો, બહેનને કે પત્નીને?
વાંચો સમાચાર વિગતવાર
4) ખેડાના માતરમાં મહેસુલ મંત્રી અચાનક મામલતદાર કચેરી પહોંચી 1730 કેસો‌ ચકાસ્યા, 628 કેસો શંકાસ્પદ ગણાવ્યા
રાજ્યમાં બોગસ ખેડૂત ખાતેદારોનુ કૌભાંડ બે માસ પહેલા ખેડા જિલ્લાના માતર પંથકમાંથી ઉજાગર થતા હડકંપ મચી જવા પામ્યો હતો. આ કૌભાંડમા જે તે સમયના જિલ્લાના અધિક કલેકટર એસ.કે. લાગા સામે પણ આક્ષેપો થયા હતા અને તેના દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ત્યારે આજે અંદાજિત 2 માસના સમય પછી મહેસૂલ મંત્રી અચાનક ખેડા જિલ્લાના માતર મામલતદાર કચેરીએ આવી પહોંચ્યા હતા. જેમાં મંત્રીએ જણાવ્યું કે, આ કૌભાંડમાં સંડોવાયેલા આધિકારીઓને પણ છોડીશું નહીં. તેમણે કહ્યું કેસ કુલ 1730 કેસો‌ ચકાસ્યા છે જેમાંથી 628 કેસો ભારે શંકાસ્પદ જણાયા છે.
વાંચો સમાચાર વિગતવાર
5) નરેશ પટેલે ખોડલધામમાં રાજનીતિની પાઠશાળા શરૂ કરી, કહ્યું: 'સીટના ફિગરમાં મારે નથી પડવું, હકદાર હોઈ તેને હક મળવો જોઈએ'
રાજકોટમાં ખોડલધામની સંસ્થા સરદાર પટેલ ભવનમાં રાજનીતિના ક્લાસ શરૂ કરાયા છે. આ સમયે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ઉદ્દઘાટન બાદ પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. જેમાં વિધાનસભાની ચુંટણી અંગે ટિકિટને લઈ નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે, 'હું કોઈ સીટ ના ફિગરમાં પડવા નથી માંગતો પણ હકદાર હોઈ તેને તેનો હક મળવો જોઈએ.
વાંચો સમાચાર વિગતવાર
6) અમદાવાદના બાપુનગરમાં સેક્સનું કોલ સેન્ટર પકડાયું, હાઈ પ્રોફાઈલ મહિલાઓ સાથે મજા કરવાના નામે લોકો પાસે પૈસા પડાવતા 7ની ધરપકડ
વેબસાઈટમાં યુવાઓને હાઈ પ્રોફાઈલ મહિલાઓ સાથે વાતો કરવા તેમજ મજા માણવા માટે અનેક લોકોને નંબર આપી ફસાવતા આખે આખા કોલ સેન્ટરને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યું છે. બાપુનગરમાં એક મહિલા સહિત સાત લોકો આ રીતે અલગ-અલગ વેબસાઈટ પર નંબરો મૂકીને લોકો સાથે વાતો કરતા. તેમજ તેમને અલગ અલગ હાઈ પ્રોફાઈલ મહિલાઓ સાથે સેક્સ કરવા માટે ગૂગલ પે તેમજ અન્ય ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાવવા માટે જણાવતાં અને તેમના પૈસા પડાવી લેતા હતા.
વાંચો સમાચાર વિગતવાર
7) અમદાવાદના વેજલપુરની કોહવાયેલી લાશની મિસ્ટ્રી સોલ્વ, સેન્ટ્રલ IBના ઇન્સ્પેક્ટરે પત્નીની હત્યાની સોપારી આપી હતી
અમદાવાદના વેજલપુરમાં આવેલા શ્રીનંદનગરમાં એક મહિલાની કોહવાયેલી લાશ મળી હતી. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી હતી, પણ પોલીસને હવે એવી માહિતી હાથમાં લાગી છે કે, આ મહિલાને બીજા કોઈ નહીં પણ તેના પતિએ જ મારી નાખવા માટે સોપારી આપી હતી અને તેની હત્યા કરાયા બાદ તેની લાશ ઘરમાં મૂકી દીધી હતી. તેમાં પણ સેન્ટ્રલ આઈબીના પીઆઈએ હત્યા કરાવી હોવાનું એક સીસીટીવી ફૂટેજના કારણે બહાર આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર
8) અમેરિકામાં લોસ એન્જલસમાં સ્પીડમાં આવતી કાર 6 કાર સાથે અથડાઈ, પ્રેગનન્ટ મહિલા સહિત 5 લોકોનું મૃત્યુ
અમેરિકામાં લોસ એન્જલસમાં ભીષણ અકસ્માતમાં થયો હતો. તેમાં 5 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના વિન્ડસર હિલ વિસ્તારમાં થઈ હતી. એક ઝડપી આવી રહેલી કાર ટ્રાફિક સિંગ્નલ તોડીને 6 કાર સાથે અથડાઈ હતી. ઘટના ગુરુવારની છે. આ વીડિયો શનિવારની સાંજનો છે.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) કોમનવેલ્થ ગેમ્સનો નવમા દિવસે રેસલર રવિ દહિયા ફાઈનલમાં પહોંચ્યા, પ્રિયંકા-અવિનાશે જીત્યો સિલ્વર; સિંધુ પણ સેમિફાઈનલમાં
2) બિહારના પટનામાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 4 લોકોના મોત થયા
3) સુપ્રિમ કોર્ટે કહ્યું- અવિવાહિત મહિલાઓને અબોર્શનનો અધિકાર ન આપવો તે તેમની સ્વતંત્રતાનું ઉલ્લંઘન, આ અંગે વિચાર કરવામાં આવે
4) વડોદરામાં ચાલુ વરસાદે પાણી ભરેલા ખાડામાં કોન્ટ્રાક્ટરે ડામરથી પેચવર્ક કરી નાખ્યું, અધિકારીઓની ચાલાકી પકડાઈ ગઈ
5) સુરતમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર મહિલાઓ ઘાતક હથિયારો લઇ તૂટી પડી, SRPના જવાનને ઈજા
6) ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી સરસ્વતી નદી ગાંડીતૂર, માધવરાય મંદિરમાં 10 ફૂટ સુધીનાં પાણી ભરાયાં
7) બરવાળા લઠ્ઠાકાંડમાં AMOS કંપનીના માલિક સહિત 5 લોકોએ કરેલી આગોતરા જામીનની સુનાવણી 10 ઓગસ્ટે

આજનો ઈતિહાસ
વર્ષ 1941માં આજના દિવસે નોબેલ પુરસ્કાર વિજેતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનું મોત થયું હતું

આજનો સુવિચાર
સાચો આનંદ ત્યાગમાં છે. તેના વિના ના તો ઈશ્વર મળી શકે છે, ના તો સુખની અનુભૂતિ થઈ શકે છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...