પાણીના પુરવઠા પર અસર:અમદાવાદના જાસપુર વોટર પ્લાન્ટ પાસે નર્મદા કેનાલમાં ભંગાણ, પશ્ચિમ વિસ્તારને પાણી ઓછું મળશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે આવેલ ધોળકા બ્રાન્ચની નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાયું છે. જેના કારણે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારને પુરા પાડતા પાણીના જથ્થાને અસર થવા પામી છે. આગામી બે દિવસ સુધી નર્મદાની મુખ્ય કેનાલ માંથી જે રીતે પાણીનો જથ્થો ઉપલબ્ધ હશે તે રીતે પાણી શહેરમાં પૂરું પાડવામાં આવશે. કેનાલમાં ભંગાણ સર્જાતાં શહેરના પશ્ચિમ વિસ્તારના પાણી પુરવઠાને અસર થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ઓપરેશન વિભાગના જણાવ્યા મુજબ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય કેનાલનું રીપેરીંગ કામ પુર્ણ કર્યા બાદ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. પાણીનું લેવલ વધતાં આજે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પાસે આવેલી ધોળકા બ્રાન્ચ કેનાલમાં ભંગાણ થયું છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા ધોળકા બ્રાન્ચ કેનાલની રીપેરીંગની કામગીરીના ભાગરૂપે કેનાલમાં પાણીનું લેવલ ઓછું કરવામાં આવ્યું છે. રીપેરીંગ માટે ઓછું પાણી જાસપુર વોટર ટ્રીટમેન્ટ ખાતે પહોંચી રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસ સુધી ઉપલબ્ધ જથ્થા મુજબ દૈનિક પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવશે. કેનાલના રીપેરીંગની કામગીરી ઝડપથી પુર્ણ થાય તે માટે યુધ્ધનાં ધોરણે કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...