હવે CM માટે જ્ઞાતિનાં સમીકરણો શરૂ:મોહનસિંહ રાઠવા બાદ વધુ એક કોંગ્રેસી ધારાસભ્ય ભગા બારડ પણ પક્ષપલટાની લાઈનમાં; અલ્પેશની માગ, મુખ્યમંત્રી તો ઠાકોર સમાજના જ બને

અમદાવાદ18 દિવસ પહેલા
  • ચલણી નોટો પર લક્ષ્મીજી-ગણેશજીના ફોટાને રાજકીય ડિમાન્ડ ગણાવાઈ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારનો માહોલ હવે જામી રહ્યો છે. અત્યાર સુધી તો ઉમેદવારો માટે જ જ્ઞાતિનાં સમીકરણો લાગતાં હતાં, પરંતુ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે તો પોતાના સમાજ માટે મુખ્યમંત્રીપદની જ ઈચ્છા જાહેર કરી છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે મોરબી હોનારત અંગે અમદાવાદમાં કહ્યું હતું કે આ દુર્ઘટના અંગે સરકારે માફી માગી નથી, હું આશા રાખું છું કે હાઈકોર્ટ મુદ્દો ઉઠાવે. તો જૂનાગઢ ખાતે પ્રચારમાં કેજરીવાલ બોલ્યા, મફત આપવાનો જાદુ માત્ર મારી પાસે છે. જ્યારે કેજરીવાલે અગાઉ ચલણી નોટો પર લક્ષ્મીજી અને ગણેશજીનો ફોટો મૂકવાની વાત કરી હતી. તેમના આ નિવેદન પર પૂર્વ IPS ડી.જી. વણઝારાએ કહ્યું કે ચલણી નોટો પર લક્ષ્મીજી કે ગણેશજીનો ફોટો મૂકવો એ માત્ર રાજકીય ડિમાન્ડ છે. કોંગ્રેસના સિનિયર નેતાએ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. મોહનસિંહ રાઠવા બાદ વધુ એક કોંગ્રેસી ધારાસભ્ય ભગા બારડ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પક્ષપલટો કરે તેવી સંભવાનાઓ છે. બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ થાય છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા. જોકે દિવ્ય ભાસ્કરે ભગાભાઈ સાથે વાતચીત કરી હતી તેમણે જણાવ્યું હતું કે, હું મારી ઓફિસમાં જ બેઠો છું. હું ભાજપમાં જવાનો નથી. પાંચ-સાત મહિનાથી આવી મારી વાત ચાલે છે, હું કોંગ્રેસ જ છું.

મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારનો માહોલ હવે જામી રહ્યો છે ત્યારે ચૂંટણી પહેલાં કોંગેસને મોટો ઝટકો લાગ્યો છે. 50 વર્ષથી કોંગ્રેસમાં કામ કરતા સિનિયર નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના સિનિયર નેતા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા છે. મોહનસિંહ રાઠવા અત્યાર સુધી 11 વખત ચૂંટણી લડ્યા છે. જેમાંથી 10 વખત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આગાઉ છોટા ઉદેપુરના ધારાસભ્ય અને રાજ્યના સૌથી સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી હતી. સાથે સાથે યુવાનોને તક આપવાની પણ વાત કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હું 1972થી સતત 11 ટર્મ સુધી ચૂંટણી લડ્યો. જેમાંથી 10 વખત જીત્યો છું. જેતપુર પાવી, બોડેલી અને છોટાઉદેપુર તાલુકાના મતદારો મને ગુજરાતની વિધાનસભામાં સૌથી વધારે વખત જિતાડીને લાવ્યા છે. હવે મારી 79 વર્ષની ઉંમર થઈ છે.

આજે પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી
આજે પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી

મારી લાગણી છે કે મુખ્યમંત્રી ઠાકોર સમાજનો બને: અલ્પેશ ઠાકોર
કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોરની પાલનપુરમાં સભા યોજાઈ હતી. જેમાં તેમણે મોટું નિવેદન કરતાં કહ્યું હતું કે, પક્ષ નક્કી કરશે એ બેઠક પરથી ચૂંટણી લડીશ. ગુજરાતમાં ભાજપ 150 કરતાં વધુ બેઠકો મેળવશે. મારી અને સમાજની લાગણી છે કે મુખ્યમંત્રી ઠાકોર સમાજનો બને. અલ્પેશ ઠાકોરે તાજેતરમાં જ ગાંધીનગરની દક્ષિણ બેઠક પરથી ભાજપમાં દાવેદારી કરી હતી. જેનો ભાજપના કાર્યકરોએ જ વિરોધ કર્યો હતો.અલ્પેશ ઠાકોર અને રોહિતજી ઠાકોરે ટિકિટ માંગતા ભાજપના કાર્યકરોમાં રોષ છવાયો હતો. કાર્યકરોએ આયાતી ઉમેદવાર ન મૂકવા માંગ ઉઠાવી હતી. એટલું જ નહિ આયાતી ઉમેદવાર આવશે તો સહકાર ન આપવાનું પણ રોકડું પરખાવી દીધું હતું.

પાટીદારોની ચૂંટણીલક્ષી બેઠક શુભેચ્છા બેઠક બની ગઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં તમામ સમાજના અગ્રણીઓ પોતાના સમાજને પક્ષમાં ટિકિટ મળે તેના માટે થઈ વિવિધ રાજકીય પક્ષો પાસે માંગણી કરતા હોય છે. ત્યારે વર્લ્ડ પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ પાટીદાર સમાજ દ્વારા પણ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે માંગણી કરવામાં આવી છે. તેના માટે એક ઈમર્જન્સી બેઠકનું અમદાવાદ ખાતે આયોજન કરાયું હતું. પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર પોતાના લેઉવા અને કડવા બંને સમાજના લોકોને ટિકિટ મળે તેની ચર્ચા માટે આજે અગ્રણી પાટીદાર સંસ્થાઓની એક બેઠક અમદાવાદના સોલા ખાતે ઉમિયા કેમ્પસમાં રાખવામાં આવી હતી. જોકે એક દિવસ પહેલાં કરેલી જાહેરાત બાદ આજે સવારે પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાના પ્રમુખોએ યુ-ટર્ન લઇ અને માત્ર EWSનો જે નિર્ણય આવ્યો છે તેની શુભેચ્છાઓ માટે થઈને આ બેઠક બોલાવવામાં આવી હતી તેમ જણાવ્યું હતું.

વજુભાઈએ તેમના પીએ તેજસ ભટ્ટી માટે ટિકિટ માગી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં જ સમીકરણો બદલાઈ ગયાં છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પહેલાં આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને હવે તેમના પીએ તેજસ ભટ્ટી માટે ટિકિટની માગ કરી રહ્યા છે. આ માટે તેઓ ભાજપની પાર્લમેન્ટરી બોર્ડ સુધી પહોંચ્યા છે. બીજી તરફ વિજય રૂપાણીએ યુ ટર્ન મારતાં તેમના બદલે નીતિન ભારદ્વાજને ટિકિટ મળે એવી રજૂઆત કરી છે. એ ઉપરાંત આ બેઠક પર રાજકોટ શહેર ભાજપ-પ્રમુખ કમલેશ મીરાણી પણ ટિકિટની માગ કરી રહ્યા છે. નેતાઓનું ભારે લોબિંગ શરૂ થયું છે. રાજકોટનાં ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, કશ્યપ શુક્લ, એડવોકેટ અનિલ દેસાઇએ પણ આ બેઠક પર દાવેદારી કરી છે.

ચૂંટણી પૂર્વે જેતપુર-જામકંડોરણા કોંગ્રેસમાં ભંગાણ, યુથ પ્રમુખનું રાજીનામું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે મતદાન પહેલાં જ રાજકોટના જેતપુર-જામકંડોરણા વિધાનસભામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે અને યુથ પ્રમુખે રાજીનામું આપતા રાજકીય ખળભળાટ શરૂ થયો છે. રાજકોટ: જિલ્લાની 74 જેતપુર-જામકંડોરણા વિધાનસભાના યુથ પ્રમુખ અને કોંગ્રેસના યુવા આગેવાન અને સક્રિય કાર્યકર્તા તેમજ ખાંટ રાજપૂત સમાજના યુવા અગ્રણી નીતિન મકવાણાએ પોતાના પદેથી રાજીનામું આપતા રાજકીય ખળભળાટ શરૂ થયો છે જેમાં ચૂંટણી જાહેર થયા બાદ મતદાન પહેલાં જ રાજકોટની જેતપુર વિધાનસભામાં કોંગ્રેસના યુથ પ્રમુખે રાજીનામું આપતા રાજકીય ગરમા-ગરમી શરૂ થઇ છે.

વજુભાઈએ તેમના પીએ માટે ટિકિટ માગી.
વજુભાઈએ તેમના પીએ માટે ટિકિટ માગી.

પી. ચિદમ્બરમે કહ્યું, મોરબી દુર્ઘટનાની જવાબદારી કોઈએ નથી લીધી
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ કરી હતી, જેમાં તેમણે મોરબી દુર્ઘટનાને લઈને સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે આ ઘટનામાં કોઈ અધિકારી કે સરકારે માફી માગી નથી. હું આશા રાખું છું કે હાઈકોર્ટ મુદ્દાને ઉઠાવે. આ ઘટનાની જવાબદારી પણ કોઈએ લીધી નથી. ગુજરાતમાં સરેરાશ વેતનદર દેશમાં સૌથી નીચો છે. મારી ગુજરાતની જનતાને અપીલ છે કે 'સરકાર બદલવા માટે મત આપો. અહીં અશિક્ષિત યુવાનો અને ઓછું ભણેલા યુવાનો બેરોજગાર છે. તેમણે અર્થતંત્રની વાત કરતાં કહ્યું હતું કે દેશમાં મંદી નહીં આવે, પણ વિકાસ ધીમો પડશે. બહારથી આવનારાં રોકાણો ઘટશે. રૂપિયાના અવમૂલ્યનને કારણે વપરાશ ઘટશે. માત્ર પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ આ મુદ્દે દેશને બચાવી શકશે. હવે સરકાર આમાં શું કરે છે એ જોવાનું છે.

સુરત પૂર્વમાં કોંગ્રેસના દાવેદારો વધતા કોકડું ગૂંચવાયું
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે સુરત પૂર્વની વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના દાવેદારોની સંખ્યા વધતાં કોકડું ગૂંચવાયું છે. મુસ્લિમ અને અન્ય લઘુમતી સમાજના મતદારો મોટી સંખ્યામાં હોવાથી પૂર્વ શહેર કોંગ્રેસ-પ્રમુખ સહિત એવા દાવેદારો પણ રેસમાં છે, જે આ વોર્ડમાં રહેતા નથી. આ કારણસર હાલમાં કોંગ્રેસ ટિકિટ મુદ્દે અવઢવમાં જણાઈ રહી છે. જ્યારે કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ભાજપના એકપણ ઉમેદવારની જાહેરાત થઈ નથી. ત્યારે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ 'અગ્રેસર ગુજરાત' કાર્યક્રમ અંતર્ગત પ્રેસવાર્તા કરશે.

કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે અમદાવાદમા પ્રેસ-કોન્ફરન્સને સંબોધી હતી.
કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે અમદાવાદમા પ્રેસ-કોન્ફરન્સને સંબોધી હતી.

ભાજપમાં રાજકોટ પશ્ચિમ બેઠક પર ખેંચતાણ
દાયકાઓથી ભાજપનો ગઢ ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠક અગાઉ વજુભાઈ વાળાનો અને હવે વિજય રૂપાણીનો મતવિસ્તાર હોઇ અને રૂપાણી પોતે ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરતાં તેમની સામે વજુભાઈના અંગત મદદનીશનું નામ મુકાતા ભારે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. વજુભાઈના અંગત મદદનીશ તેજસ ભટ્ટીનું આ બેઠક પર દાવેદાર તરીકે નામ મૂકવામાં આવ્યું છે. વજુભાઈ પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં પણ જઈને આવ્યા છે. આમ, બંને મોટાં માથાં પોતાને નહીં તો પોતાનાને ટિકિટ મળે એવા પ્રયત્નોમાં લાગી ગયા છે.

મોરબીના જયેશ કાલરિયાની કોંગ્રેસમાં ઘરવાપસી
‌મોરબીના જયેશ કાલરિયાએ આજે ઘરવાપસી કરી છે. મોરબી ટંકારના કોંગ્રેસ ધારાસભ્યના નજીકના સાથી જયેશ કાલરિયાએ ફરીવાર કોંગ્રેસનો પંજો પકડ્યો છે. જયેશભાઈ મોરબીના પૂર્વ તાલુકા પ્રમુખ હતા અને મોરબીની જે દુર્ઘટના બની તેને લઈને તે વ્યથિત બન્યા છે. જવાબદાર આરોપીઓને સરકાર પકડતી નથી, યોગ્ય તપાસને લઈને તેવો કોંગ્રેસે આક્ષેપ પણ કર્યાે છે..ઝૂલતા મોરબી પુલમાં ભાજપની બેદરકારીથી લોકોએ જીવ ગુમાવ્યો છે. મોરબીવાસીઓ નારાજ હોવાનું જયેશ કાલરિયાએ જણાવ્યું હતું. કચ્છના બે, એક જેઠવા દેવેન્દ્રસિંહ જે વિરોધ પક્ષના નેતા અને ભાજપ જિલ્લા પક્ષના સભ્ય હતા, બીજા જાડેજા રણુભા જે પૂર્વ પ્રમુખ લોકજન શક્તિ પાર્ટી અને પૂર્વ સરપંચ લોટિયા ગામના હતા.પાટીદાર આગેવાનોએ ટિકિટ માંગણી અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પાટીદાર સમાજે હજુ કોઇ ટિકિટની માગણી કરી નથી.

પરિવર્તનયાત્રામાં કોંગ્રેસના નેતાઓની જીભ લપસી
કોંગ્રેસની પરિવર્તન સંકલ્પયાત્રામાં સિદ્ધાર્થ પટેલની જીભ લપસી હતી. જાહેર મંચ પરથી બોલ્યા, અબકી બાર ભાજપ સરકાર. કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલના જાહેર મંચ પરના આ નિવેદનને લઈ સૌ સ્તબ્ધ થયા હતા. વલસાડના ધરમપુર પહોંચેલી કોંગ્રેસની પરિવર્તનયાત્રામાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો ભાજપ પ્રેમ જોવા મળ્યો હતો. કોંગ્રેસની પરિવર્તનયાત્રામાં ધરમપુર ખાતે સંકલ્પ લઈ ભાજપને 5 સીટ જીતશેનું નિવેદન આપ્યું હતું. જોકે તરત જ દિનેશ પટેલે નિવેદન બદલી કોંગ્રેસ જીતશે કહ્યું હતું.

સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ દિલ્હી પહોંચ્યા
ભાજપના ઉમેદવારોની યાદીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે ઉમેદવારોનાં નામ પર અંતિમ મહોર હવે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ લગાવશે. આ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દિલ્હી પહોંચી ગયા છે. ઉમેદવારોનાં નામને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ-પ્રમુખ સીઆર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ટિકિટ વહેંચણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ તમામ 182 બેઠકના ઉમેદવારોનાં નામની ફાઈનલ યાદી તૈયાર કરાશે. દરેક બેઠકદીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોનાં નામની પેનલની યાદી મોકલવામાં આવી હતી.

બિહારના નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ ગુજરાતમાં પ્રચાર કરવા આવશે ( ફાઈલ ફોટો)
બિહારના નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ ગુજરાતમાં પ્રચાર કરવા આવશે ( ફાઈલ ફોટો)

પાટીદાર સંસ્થાઓના દિગ્ગ્જોની આજે બેઠક
વિધાનસભા ચૂંટણી પહેલાં સંગઠિત ગણાતા પાટીદાર સમાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્ત્વની બેઠક યોજાવાની છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં પાટીદાર સંસ્થાઓની આજે મહત્ત્વની બેઠક મળવાની છે. અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે 3 દિગ્ગજ સંસ્થાની બેઠક થશે, જેમાં ઉમિયાધામ ઊંઝા, ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ સિદસર – આ ત્રણેય સંસ્થાના પ્રમુખ અને મંત્રી સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે. ઉમિયાધામ ઊંઝાના પ્રમુખ બાબુ જમના પટેલ ઉપસ્થિતિ રહેશે તો સૌરાષ્ટ્રથી ઉમિયાધામના જેરામ પટેલ અને ખોડલધામના નરેશ પટેલ આવતીકાલે બપોરે 12 વાગ્યે આ ઉમિયા કેમ્પસ સોલા ખાતે આ બેઠક મળશે, ઊંઝાના ઉપપ્રમુખ રમેશ દૂધવાળા અને સી. કે. પટેલ પણ હાજર રહેશે.

વડોદરા શહેર પ્રમુખ બદલાયા
વડોદરા શહેર કોંગ્રેસ-પ્રમુખ ઋત્વિજ જોશીને અકોટા વિધાનસભા ક્ષેત્રની બેઠક ફાળવતાં હવે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ભીખાભાઈ રબારીની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ વડોદરા વિધાનસભાની પાંચ બેઠક પૈકી ચાર બેઠક પર ઉમેદવારનાં નામની જાહેરાત કરી છે, જેમાં વડોદરા શહેર કોંગ્રેસ-પ્રમુખ ઋત્વિજ જોષીને અકોટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જાહેર થતાં ચૂંટણી પૂરી થાય સુધી ભીખાભાઈ રબારીને પ્રદેશ સમિતિની સૂચનાથી ચૂંટણીલક્ષી શહેર સમિતિના કાર્યકરી પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

કોંગ્રેસમાંથી રાહુલ અને પ્રિયંકા ગાંધી હજી સુધી પ્રચાર માટે ગુજરાત નથી આવ્યાં ( ફાઈલ ફોટો)
કોંગ્રેસમાંથી રાહુલ અને પ્રિયંકા ગાંધી હજી સુધી પ્રચાર માટે ગુજરાત નથી આવ્યાં ( ફાઈલ ફોટો)

નુક્કડ નાટકથી ઉઠાવશે ભાજપ સામે સવાલ
ગુજરાતના નાગરિકોને જાગૃત કરવા હવે કોંગ્રેસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કોંગ્રેસે વિધાનસભા દીઠ જાહેર જગ્યાઓ પર નુક્કડ નાટકો શરૂ કર્યાં છે. જેના માધ્યમથી મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર મતદાતાઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના શાસનમાં થયેલાં કામોને પણ નુક્કડ નાટક થકી પ્રજા સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નુક્કડ નાટકમાં LPG સિલિન્ડરના ભાવ, તેલ તેમજ પેટ્રોલ-ડીઝલ સહિતની ચીજવસ્તુઓના જૂના ભાવ અને હાલના ભાવની સરખામણી કરી ભાજપના શાસનની નિષ્ફળતા ઉજાગર કરવામાં આવી રહી છે.

પૂર્વ IPS "પ્રજા વિજય પક્ષ" સ્થાપશે
રાજ્યના પૂર્વ IPS ડી.જી. વણઝારાએ જાહેરાત કરી છે કે, તેઓ નવી રાજકીય પાર્ટી "પ્રજા વિજય પક્ષ" સ્થાપશે. આજે તેની સત્તાવાર જાહેરાત કરશે. સોહરાબુદ્દીન અને ઇશરત જહાં એન્કાઉન્ટર કેસથી ચર્ચામાં આવેલા પૂર્વ આઇપીએસ અધિકારી ડી.જી. વણઝારાએ આજે ટ્વિટ કરતા કહ્યું કે, "ગુજરાતમાંથી ભય અને ભ્રષ્ટાચારના સામ્રાજ્યનો અંત કરી નિર્ભય પ્રજારાજની સ્થાપના કરવા માટે નવા રાજકીય વિકલ્પ તરીકે "પ્રજા વિજય પક્ષ" ની વિધિવત્ ઘોષણા આજે અમદાવાદ મુકામે કરવામાં આવશે." તેમના આ ટ્વિટથી નવી ચર્ચા જાગી છે.

પૂર્વ IPS ડી.જી. વણઝારા નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરશે ( ફાઈલ ફોટો)
પૂર્વ IPS ડી.જી. વણઝારા નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરશે ( ફાઈલ ફોટો)

ઉમરેઠ બેઠક પર કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થશે?
ઉમરેઠ સીટ પર 2012માં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન થયું હતું. આ સીટ NCP જીતી હતી. પરંતુ 2017માં NCP કોંગ્રેસનું ગઠબંધન તૂટયું હતું. પરિણામે બંને પક્ષોએ અલગ અલગ લડવાનો નિર્ણય કર્યો હતો. જેને લઇ ઉમરેઠ સીટ પર ભાજપ, NCP અને કોંગ્રેસનો ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. આ જંગમાં બીજેપીના ઉમેદવારની માત્ર 1800 મતથી જીત થઈ હતી. તો કોંગ્રેસ બીજા નંબરે રહી હતી. એટલે જ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ઉમરેઠની સીટ કોંગ્રેસને ફાળવવામાં આવે તે માટે પૂરજોરથી માગણી કરી રહ્યા છે. 2017 ની ચૂંટણીમાં સાવ નજીવા અંતરથી કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ હતી. એટલે જ આ ગઠબંધન ન થાય તે માટે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ભારે પ્રયાસ કરી રહ્યા છે.

નીતીશ કુમાર પ્રચાર માટે ગુજરાત આવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટો વળાંક આવ્યો છે. કેજરીવાલ બાદ ગુજરાતમાં નીતીશકુમારની એન્ટ્રી થશે. હવે બીટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થયું છે. બીટીપીના કાર્યાલય ખાતે છોટુભાઈ વસાવાની હાજરીમાં બીટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતાદળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઇ છે. જેડીયુ અને બીટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો છોટુભાઈ વસાવાએ કર્યો છે. તેમણે કહ્યું હતું કે જેડીયુની મદદથી અમે ચૂંટણી લડીશું.

અન્ય સમાચારો પણ છે...