અંગદાન મહાદાન:મહીસાગરના બ્રેઇનડેડ ગિરિશચંદ્રએ જીવનની અંતિમ ક્ષણોમાં ‘ચિઠ્ઠી લખીને’ અંગદાનની અંતિમ ઇચ્છા દર્શાવી, ધારાસભ્યએ શ્રદ્ધાંજલિ પાઠવી

અમદાવાદ4 મહિનો પહેલા
પોતાના જીવનની અંતિમ ઈચ્છા ગિરિશચંદ્ર જોષીએ કાગળમાં લખી
  • અંગદાન દેવશક્તિને ઉજાગર કરે છે: મેહુલભાઇ જોષી (અંગદાતાના પુત્ર)
  • લુણાવાડાના બ્રેઇનડેડ ગિરિશચંદ્રના અંગદાનથી મળેલા લીવરથી પીડિતનું જીવન બદલાયુ
  • અંગદાતાઓના દાનની સુવાસ સમાજમાં ફેલાઇ રહી છે : સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

ચાર વર્ષથી કિડનીની ગંભીર બિમારીથી પીડાઇ રહેલા મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ડેભારી ગામના ગિરિશચંદ્ર નિયમિતપણે ડાયાલિસીસની સારવાર હેઠળ હતા. 12મી નવેમ્બરના રોજ તેમને બ્રેઇન હેમરેજ થતા લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા. 15મી નવેમ્બરના રોજ તેમની સર્જરી કરવામાં આવી જેથી સ્થિતિમાં થોડો સુધાર આવ્યો. 19મી નવેમ્બરમાં રોજ ગિરિશચંદ્રને ભાન આવતા તેમણે પોતાના દીકરા મેહુલભાઇ પાસે એક કાગળ અને પેન માંગી અને ચબરખીમાં લખ્યું : “અંગદાન કરશો..મારા શરીરમાં કિડની સિવાય હાથ -પગ સહિતના તમામ અંગો સારા છે..બધા અંગો સાજા અને પાવરફુલ છે...અને નીચે સહી કરી”(ચબરખીના અંશો) દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ સેવકે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

કિડીની સમસ્યા સાથે જીવન-મોત વચ્ચે ઝઝૂમતા હતા
ખરેખર ગિરિશચંદ્ર એવું કહેવા માંગતા હતા કે, જો હું બ્રેઇનડેડ થઇ જાવ તું મારા શરીરના અંગોનું દાન કરશો. છેલ્લા 4 વર્ષથી કિડનીની અતિગંભીર સમસ્યાના કારણે તેઓ ઘણી તકલીફમાંથી પસાર થયા હતા અને એટલે જ તેમને અંગદાન કેટલું મહત્વનું છે તે ખબર હતી.જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા ગિરિશચંદ્રએ જીવનની અંતિમક્ષણોમાં પોતાની અંતિમ ઇચ્છામાં અંગદાનનું સત્કાર્ય કરવા કહ્યું.

ગિરિશચંદ્ર જોષીનું સિવિલમાં અંગદાન કરાયું હતું
ગિરિશચંદ્ર જોષીનું સિવિલમાં અંગદાન કરાયું હતું

47 દિવસની સારવાર પછી બ્રેઈનડેડ જાહેર કરાયા
સિવિલ હોસ્પિલમાં 1લી ડિસેમ્બરના રોજ સારવાર અર્થે ગિરિશચંદ્રને દાખલ કરવામાં આવ્યા. 47 દિવસની સારવારના અંતે તેઓને 7મી જાન્યુઆરીના રોજ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. બ્રેઇનડેડ થતા ગિરિશચંદ્ર જોષીના પુત્ર મેહુલભાઇ જોષી કે જેઓ ભારતીય નૌ સેનામાં સેવારત છે તેઓએ સિવિલ હોસ્પિટલની ટીમને અંગદાન માટે સામેથી કહ્યું.

લીવરને રીટ્રાઈવ કરીને પ્રત્યારોપણ માટે મોકલાયું
સિવિલ હોસ્પિટલની SOTTO(સ્ટેટ ઓર્ગન ટિસ્યૂ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ની ટીમ દ્વારા અંગદાન માટે ગિરિશચંદ્ર જોષીના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા.જેમાંથી તેમના શરીરની પરિસ્થિતી જોતા લીવરનું દાન મળવુ શક્ય હતુ. જેથી ટીમ દ્વારા તેમના બ્રેઇનડેડ શરીરમાંથી લીવરને રીટ્રાઇવ કરીને કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલવામાં આવ્યું.

ધારાસભ્ય જીગ્નેશ સેવકે શ્રદ્ધાંજલિ અર્પી
ધારાસભ્ય જીગ્નેશ સેવકે શ્રદ્ધાંજલિ અર્પી

ઋષિ દધિચીએ દેવો માટે અંગદાન કરેલું
અંગદાન સફળ થયા બાદ સ્વ. ગિરિશચંદ્રના પુત્ર મેહુલભાઇ સાથે સંવાદ કર્યો ત્યારે તેમના વિચારોમાં તેમના પિતાના સંસ્કાર અને સિંચનની પ્રતિતી થઇ તેમણે કહ્યું કે, ભારતીય ઇતિહાસમાં ઋષિ દધિચીએ મનુષ્ય અવતારમાં દેવોના રક્ષણાર્થે પોતાના અંગોનું દાન કર્યું હતું તેમ નોંધાયેલું છે. મનુષ્ય જ્યારે જીવનની અંતિમ ક્ષણોમાં હોય છે ત્યારે તે સત્યની સમીપે જતો હોય છે. મૃત્યુ એ જીવનનું ખરુ સત્ય છે જેને લોકોએ સ્વીકારવું જોઇએ. સત્યને પામનાર વ્યક્તિ દેવ બની જાય છે. આ પરિસ્થિતિમાં વ્યકિત દ્વારા મળેલા દાનને દેવદાન ગણવામાં આવે છે. અંગદાન એ દેવદાન છે. દેવદાન મંત્ર શક્તિ થી ઉજાગર થતુ હોય છે ત્યારે અંગદાન પોતે જ દેવશક્તિને ઉજાગર કરે છે.મારા પિતાના અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીના જીવનમાં બદલાવ આવ્યો તેનાથી મોટા ગર્વ લાગણી અમારા સમગ્ર પરિવારજનો માટે અન્ય કોઇ ન હોઇ શકે.

સિવિલમાં 30મું અંગદાન
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલના 30માં અંગદાનની આ ઘટના એક અનોખી ઘટના હતી. જ્યારે હોસ્પિટલના તબીબો રાઉન્ડ ધ ક્લોક મહેનત કરીને લોકોમાં અંગદાનની જાગૃતિ ફેલાવવા માટે કામગીરી કરી રહ્યા છે, ત્યારે ગિરિશચંદ્ર જોષીના કરેલા અંગદાનના સત્કાર્યની સુવાસ સમાજના દરેક વર્ગ, સમગ્ર રાજ્યમાં સેવાકાર્યનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ અંકિત કરશે.

ધારાસભ્યએ શ્રદ્ધાંજલિ અર્પી
સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડો કમલેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સર્વ અંગદાન કરવામાં આવ્યું જેમાંથી લીવરનું તાત્કાલીક ધોરણે રીસીપ્યન્ટ મળવાથી લિવરનું દાન થયું છે અને શિક્ષકનો ઉદેશ્ય સાર્થક થયો છે. પરિવાર ગામ અને સમગ્ર જિલ્લામાં શિક્ષક ગિરિશ જોષી પર ગૌરવ અનુભવી રહ્યા ત્યારે લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશ સેવક ગિરિશભાઈના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારને પણ સાંત્વના પાઠવી હતી. પિતાના અકાળે નિધન થતાં જોષી પરિવાર પર આભ તૂટી પડયું, પણ મન પર પથ્થર રાખી અમારું સ્વજન ગુમાવ્યું, પણ તેનાં અંગ કોઈ અન્યનું જીવન સુધારી શકે તેનાથી વિશેષ સારી બાબત કઈ હોઈ શકે એવી ભાવના સાથે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો.
(તસવીર: વિપુલ જોષી, વિરપુર)

અન્ય સમાચારો પણ છે...