અંગદાન મહાદાન:અમદાવાદ સિવિલમાં બ્રેઈન ડેડ મનીષાબેન લિવર દાનથી જરૂરિયાતમંદ દર્દીના જીવનમાં સ્મિત રેલાયું

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલમાં પરિવારજનો સાથે મનીષાબહેનની તસવીર - Divya Bhaskar
હોસ્પિટલમાં પરિવારજનો સાથે મનીષાબહેનની તસવીર
  • જુના વાડજના મનીષાબેન 11 જાન્યુઆરીએ માથામાં દુઃખાવાની ફરિયાદથી સિવિલમાં દાખલ થયા હતા

મકરસંક્રાંતિના પવિત્ર પર્વે દાનનો મહિમા મહત્વનો છે. ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં પણ ઉતરાયણના દિવસે વિવિધ પ્રકારના દાનનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉતરાયણના દિવસે અંગદાનની વધુ એક ઘટના બની. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા મનિષાબેન બ્રેઈન ડેડ થતાં તેમના પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો. સિવિલ હોસ્પિટલની સ્ટેટ ઓર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO)ની ટીમને મનીષાબહેનના લિવરનું દાન મેળવવામાં સફળતા મળી.

મૂળ અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મનીષાબહેન ગેડીયા 11 જાન્યુઆરીના રોજ માથાના અસહ્ય દુખાવા અને શારીરિક નબળાઈની ફરિયાદ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. અહીંના તબીબોએ મનીષા બહેનની સારવાર કરીને જીવ બચાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ અંતે તેઓ બ્રેઇન ડેડ જાહેર કરાયા. બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા મનિષાબેનના પરિવારજનોને અંગદાન માટે વિગતવાર સમજણ આપવામાં આવ્યા બાદ તેમના પરિવારજનોએ અંગોનું દાન કરી માનવસેવાની મિસાલ સર્જનારો નિર્ણય લીધો.

સિવિલ સુપ્રીન્ટેન્ડેટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, "રિટ્રાઇવલ સેન્ટર શરૂ થયાના ખૂબ જ ટૂંકા ગાળામાં સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ દ્વારા અંગદાનની પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. વધુમા વધુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતી આવે અને આ અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યોરોપણ થાય અને તેમના જીવનની ગુણવત્તા, કાર્યક્ષમતામાં વધારો થાય તે દિશામાં અમારી સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ પ્રયત્નશીલ છે." અમદાવાદ સિવિલમાં છેલ્લાં 1 વર્ષમાં SOTTO અંતર્ગત 32 વ્યક્તિના અંગદાનમાં સફળતા મળી છે, જેના થકી 99 અંગોનું પ્રત્યારોપણ થયું છે અને 84 પીડિતોનું જીવન બદલાયું છે.

અન્ય સમાચારો પણ છે...