દુષ્કર્મ:અમદાવાદની યુવતીને પ્રેમીએ પહેલા લગ્નની લાલચ અને પછી વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવતી જન્મ દિવસની ઉજવણી દરમિયાન યુવકના પરિચયમાં આવી હતી

શહેરમાં યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને યુવકે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવકે પહેલા લગ્નની લાલચ આપી યુવતી સાથે બળજબરી કરી અને આ બાદ સંબંધ દરમિયાનનો વીડિયો ઉતારી યુવતીને બ્લેકમેઈલ કરીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું. બાદમાં તે લગ્ન કરવાથી ફરી જતા આ મામલે હવે યુવતીએ આરોપી યુવક વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પૂજા (નામ બદલ્યું છે) 14મી જુલાઈ 2021ના રોજ પોતાના જન્મદિવસે હિમાંશુ પટેલ નામના યુવકને મળી હતી. આ બાદ બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ અને મિત્રો બની ગયા. એક દિવસે હિમાંશુએ પૂજાને સાયન્સ સીટી રોડ પર મળવા બોલાવી હતી. નજીકમાં આવેલી પોતાની હોટલમાં ઈન્ટીરીયરનું કામ કરાવાના બહાને પૂજાને ત્યાં લઈ ગયો હતો. બાદમાં હિમાંશુએ તેને રૂમમાં બેસાડી દરવાજો અંદરથી બંધ કરીને જબરજસ્તી તેની સાથે સંબંધ બાંધ્યો હતો. આ બાદ પૂજાએ કોઈને જાણ કરી નહીં અને ઘરે જતી રહી.

થોડા દિવસ બાદ હિમાંશુએ પૂજાને ફરીથી મળવા બોલાવી. આ બાદ તેણે પૂજાને પ્રપોઝ કર્યું અને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ બાદ હિમાંશુએ ઘણીવાર પૂજાને મળવા બોલાવી અને સાયન્સ સિટી રોડ પર આવેલી પોતાની ઓફિસમાં લઈ જઈને અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. જોકે હિમાંશુએ લગ્નની ઈચ્છા દર્શાવી હોવાથી તેણે ઘરે આ અંગે કોઈની વાત કરી નહોતી. આ બાદ 3 નવેમ્બર 2021ના રોજ હિમાંશુએ ફરી પૂજાને તેની ઓફિસમાં બોલાવી અને જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેણે આ માટે ના પાડતા હિમાંશુ બોલ્યો, 'મારી પાસે તારો વીડિયો છે, તું મને ના પાડીશ તો હું તારા વીડિયો વાઈરલ કરી દઈશ.'

આ વાતથી અચાનક ગભરાઈ ગયેલી પૂજાએ ઘરે કોઈને જાણ કરી નહીં. જેથી તેનો લાભ ઉઠાવીને હિમાંશુ હવે તેને બ્લેક મેઈલ કરીને ઓફિસ બોલાવી તેની સાથે સંબંધ બાંધતો. 3 એપ્રિલના રોજ પૂજા લગ્નની વાત કરવા માટે હિમાંશુની ઓફિસે મળવા જતા તે લગ્નની વાતથી ફરી ગયો અને પૂજાનો ફોન લઈને તમામ ચેટ ડિલીટ કરી દીધા. તથા આ બધુ ભૂલી જવાનું કહ્યું, નહીંતર તે વીડિયો વાઈરલ કરી દેશે.

આટલું બધું થયા બાદ પણ હિમાંશુ સતત પૂજાને તેના વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપતો હતો. જેથી તેણે એક દિવસ પોતાના સમાજના ભાઈને વાત કરી. ત્યાર બાદ તેણે આ અંગે પોતાના માતા-પિતાને જાણ કરી હતી. આ બાદ આખરે પૂજાએ હિમાંશુ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...