તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24 કલાકમાં 3 હત્યા અને 1 આત્મહત્યા:અમદાવાદમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી, ફિયાન્સે ફિયાન્સીના પ્રેમીનું છરીના ઘા મારી મર્ડર કર્યું

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેઘાણીનગર અને રામોલમાં પ્રેમપ્રકરણ અને મેમકોમાં અંગત અદાવતમાં હત્યા
  • રામોલમાં વનરાજસિંહ સિંધા નામના શખ્સે પ્રેમિકાની હત્યા કરી આત્મહત્યા કરી લીધી

અમદાવાદ શહેરમાં સામાન્ય બાબતમાં બોલાચાલી અને હત્યાના બનાવો વધી રહ્યા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં એક મહિલા સહિત ત્રણ લોકોની હત્યાની ઘટના બની છે. મેઘાણીનગર વિસ્તારમાં અને રામોલ વિસ્તારમાં પ્રેમપ્રકરણ અને મેમકોમાં અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે. રામોલમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી અને પોતે આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ મોત નીપજ્યું હતું.

જ્યારે મેઘાણીનગરમાં યુવકને ફિયાન્સી અને તેના પ્રેમી વચ્ચે પ્રેમસંબંધની જાણ થતાં ફિયાન્સે મિત્રો સાથે મળી પ્રેમીની હત્યા કરી નાખી હતી. તમામ ઘટનામાં પોલીસે ગુનો નોંધી હત્યારાઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

અલપુ પટણીએ હિતેશ પટણીની હત્યા કરી
અલપુ પટણીએ હિતેશ પટણીની હત્યા કરી

પ્રેમ સંબંધ અંગે જાણ થતા ફિયાન્સે ફિયાન્સીના પ્રેમીને પતાવી દીધો
મેઘાણીનગર વિસ્તારમાં હિતેશ બાબુભાઇ પટણી (ઉ.વ.26, રહે. સીનેશ્વરીની ચાલી, રામેશ્વર, મેઘાણીનગર) રહેતો હતો. રામેશ્વર વિસ્તારમાં જ પિંકી નામની યુવતી સાથે હિતેશને પ્રેમસંબંધ હતો. ઠક્કરબાપાનગરમાં રહેતા અલપુ પટણી નામના યુવક સાથે પિંકીની સગાઈ નક્કી થઈ ગઈ હતી. અલપુને પિંકી અને હિતેશ વચ્ચેના પ્રેમસંબંધની જાણ થઈ હતી. જેથી અલપુને ગુસ્સો આવ્યો હતો અને તેના મિત્રોને લઈ આજે બપોરે એક વાગ્યાની આસપાસ હિતેશને ઘર પાસે બહાર જ હિતેશને લાવી છરી અને અન્ય ઘાતક હથિયારો વડે હુમલો કરી તેની હત્યા કરી નાંખી હતી.

બાદમાં ચારેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. આ મામલે મેઘાણીનગર પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પીઆઇ જે.એલ ચૌહાણે જણાવ્યું હતું કે અલપુને પિંકી અને હિતેશ વચ્ચેના પ્રેમ સંબંધ અંગે જાણ થતાં હત્યા કરી હતી. હાલ ચારેય આરોપીઓને પકડવાની તજવીજ ચાલી રહી છે.

પ્રેમી વનરાજે પ્રેમિકાના પેટ પર એક બાદ એક છરીના ઘા માર્યા હતા
પ્રેમી વનરાજે પ્રેમિકાના પેટ પર એક બાદ એક છરીના ઘા માર્યા હતા

પતિ પત્નીને પ્રેમી સાથે જોઈ ગયો
જ્યારે રામોલ વિસ્તારમાં આવેલા જામફળવાડીમાં ગાયત્રીપાર્ક સોસાયટીમાં ભૂમિકા પંચાલ નામની મહિલા તેના ત્રણ બાળકો અને પતિ સહિત પરિવાર સાથે રહેતી હતી. ભૂમિકાના પતિને સિટીએમ વિસ્તારમાં રહેતા વનરાજસિંહ સિંધા સાથે કારખાનામાં કામ બાબતે ઓળખાણ થઈ હતી. જે બાદ વનરાજસિંહ ભૂમિકાના ઘરે આવતો જતો હતો. ત્યાર બાદ ભૂમિકા અને વનરાજસિંહ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. એક મહિના પહેલા મોડી રાતે ધાબા પર બધા સુતા હતા ત્યારે વનરાજસિંહ આવ્યો હતો. ભૂમિકાનો પતિ બંનેને જોડે જોઈ જતા તેઓએ સાસરી પક્ષને બોલાવી જાણ કરી હતી. ભૂમિકાએ ફરી આવું નહીં થાય તેમ કહ્યું હતું. આજે બપોરે ભૂમિકાના સાસુ અને પતિ બહાર ગયા હતા ત્યારે વનરાજસિંહ ઘરે આવ્યો હતો.

ઘરને અંદરથી લોક મારી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી
ત્યાર બાદ વનરાજસિંહે ઘરને અંદરથી લોક મારી દીધું હતું. વનરાજે ભૂમિકા સાથે તેના નાની ઘરમાં હાજર હોવા છતાં ઝઘડો કર્યો હતો જેથી નાની રોકવા જતા તેમને પાડી દીધા હતા. વનરાજસિંહે છરીથી ભૂમિકા પર હુમલો કરી દેતા ત્યાં જ તેનું મોત થઈ ગયું હતું. બાદમાં વનરાજસિંહે પોતે ગળા અને પેટના ભાગે ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પાડોશીએ ભૂમિકાના પતિને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતાં. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વનરાજસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેનું પણ મોત થઈ ગયું હતું. રામોલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રમેશ ઉર્ફે કબૂતરે અંગત અદાવતમાં એકનું ઢીમઢાળી દીધું
જ્યારે મેમકો વિસ્તારમાં ભગવતીનગરમાં રહેતી રૂબી વર્મા નામની મહિલાનો ભાઈ નીરજ તેના વતનથી ચાર દિવસ પહેલા જ અમદાવાદ આવ્યો હતો. બે દિવસથી તેના ભાઈને ઘરે જમવા આવવા માટે કહેતી છતાં નીરજ આવતો ન હતો. ગઇકાલે રાતે નીરજ ઘરે ન આવતા તેના મિત્ર શૈલેશને ફોન કરી પુછતાં નીરજને મેમકોમાં રહેતા રમેશ ઉર્ફે કબૂતર સાથે અગાઉના ઝઘડાની અદાવતમાં બોલચાલી થતા તેના પર છરી વડે ચાર લોકોએ હુમલો કર્યો છે. 108માં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે. જેથી હોસ્પિટલમાં જતા નીરજ ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત હતો અને મોડી રાતે તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.