તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરુણ ઘટના:અમદાવાદમાં ક્રિકેટ બોલ લેવા ગયેલા 12 વર્ષના બાળકનો મંદિરનો ગેટ ટપવા જતા પગ લપસ્યો, લોખંડનો ભાલો છાતીમાં ઘુસી જતા મોત

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાલો વાગવાથી બાળકનું મોત થયું તે ગેટની તસવીર - Divya Bhaskar
ભાલો વાગવાથી બાળકનું મોત થયું તે ગેટની તસવીર
  • થલતેજ ગામમાં 12 વર્ષના બાળકનું છાતીમાં ભાલો ઘુસી જતા મોત
  • મિત્રો સાથે ક્રિકેટ રમતા સમયે મંદિરમાં ગયેલો બોલ લેવા ગયો હતો બાળક
  • મંદિરનો દરવાજો કૂદતા સમયે પગ લપસી જતા ભાલો છાતીમાં ઘુસી ગયો.

શહેરના થલતેજ ગામમાં દરેક માતા-પિતામાટે ચેતવણી રૂપ ઘટના બની છે. જેમાં મિત્રો સાથે ક્રિકેટ રમી રહેલો એક 12 વર્ષનો બાળક બોલ મંદિરની અંદર જતો રહેતા તેને લેવા ગયો હતો. બાળક મંદિરનો ગેટ ટપીને અંદર ગયો હતો, પરંતુ પાછા આવતા સમયે તેનો પગ લપસી જતા દરવાજાનો ભાલો તેની છાતીમાં ઘુસી ગયો હતો. પરિવારજનો તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના મામલે સોલા પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મંદિરમાં બોલ લેવા ગયેલા માસુમનું મોત
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના થલતેજ ગામમાં રહેતા નાગજીભાઈ ઠાકોર રીક્ષા ચલાવી તથા ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગામમાં જ માંડવરાય મહાદેવનું મંદિર આવેલું છે. આ જ મંદિરની સામે રહેતા નાગજીભાઈનો 12 વર્ષનો પુત્ર હર્ષ શનિવારે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. આ દરમિયાન બોલ મંદિરની અંદર જતો રહેતા હર્ષ તેને લેવા ગયો હતો.

સોલા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
સોલા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

મંદિરના દરવાજા પરનો ભાલો છાતીમાં ઘુસી ગયો
જોકે મંદિરના દરવાજા પર લોખંડની ફ્રેમ સાથે તીક્ષ્ણ ભાલા લગાવેલા હતા. આથી દરવાજો ટપીને તે અંદર ગયો અને પાછા આવતા સમયે પગ લપસી જતા ભાલા લગાવેલી જાળીમાં સપડાયો અને તેની છાતીમાં આ ભાલો ઘુસી ગયો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનો દોડી ત્યાં આવ્યા હતા અને ભાલો કાઢી હર્ષને ત્યાંથી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે હોસ્પિટલ પહોંચતા જ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતક બાળકની તસવીર
મૃતક બાળકની તસવીર

પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો
સોલા પોલીસને આ બનાવ અંગે જાણ કરતા તેમણે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે કાળજાના કટકા સમાન લાડકવાયા ભુલકાના નિધનથી સમગ્ર પરિવાર શોકમાં ગરકામ થઈ ગયો છે. એવામાં બાળક બહાર રમવા જાય ત્યારે તમામ વાલીઓ માટે આ શીખ લેવા જેવી બાબત છે કે, તેમના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.

મણિનગરમાં બાળકી રમતાં સમયે કેનાલમાં પડી
નોંધનીય છે કે, થોડા સમય પહેલા શહેરના મણીનગર વિસ્તારમાં આવેલા ગોરના કુવા પાસે પસાર થતી ખારીકટ કેનાલમાં રમતા દરમિયાન એક 11 વર્ષની બાળકી ગરકાવ થઈ ગઈ હતી. કેનાલ પાસે ત્રણ બાળકો રમી રહ્યા હતા આ દરમિયાન 11 વર્ષની બાળકી દેવીપૂજક રાધા સોમાભાઈ કેનાલમાં પડી ગઈ હતી.