વેપારીઓ ચેતજો:અમદાવાદમાં બે યુવકે વેપારી પાસેથી તેલના ડબ્બા ખરીદ્યા, PAYTMથી પેમેન્ટ કર્યું, જમા થયાનો મેસેજ આવ્યો, પણ ખાતામાં પૈસા ના આવ્યા

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • ગઠિયાઓએ વેપારી પાસેથી 15 કિલોના બે ડબ્બા અને પાંચ લિટરના બે કેરબા ખરીદ્યા હતા
  • વેપારીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ચેન-સ્નેચિંગ અને વાહનચોરો બેફામ બન્યા છે. ત્યારે સાયબર ક્રાઈમથી પણ હવે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ડિજિટલ પેમેન્ટથી ઠગવાના ગુનાઓની ફરિયાદો નોંધાઈ રહી છે. શહેરમાં વેપારીને ડિજિટલ પેમેન્ટ લેવામાં કડવો અનુભવ થયો છે. બે ગઠિયા અમદાવાદના વેપારી પાસેથી તેલના ડબ્બા લઈને Paytm મારફત પૈસા ટ્રાન્સફર કરીને નીકળી ગયા હતા, જેનો મેસેજ પણ આવ્યો હતો, પરંતુ ખાતામાં પૈસા ન આવતાં વેપારીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ગઠિયાઓએ વેપારી પાસેથી તેલના ડબ્બા ખરીદ્યા
પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો પ્રમાણે, શહેરમાં દિલ્હી દરવાજા ખાતે એક કરિયાણાની દુકાનમાં ગત 30 સપ્ટેમ્બરે બે વ્યક્તિ રિક્ષા લઈને ખરીદી કરવા આવી હતી. 25થી 30 વર્ષની ઉંમરના બે યુવાને તિરુપતિ તેલના 15 કિલોના બે ડબ્બા, જ્યારે ગુલાબ કપાસિયા તેલના 5 લિટરના બે કેરબા ખરીદ્યા હતા, જેની કિંમત 6700 થઈ હતી. માલ ખરીદીને આ બે યુવકોએ વેપારીને કહ્યું હતું કે અમારી પાસે રોકડા રૂપિયા નથી, પરંતુ તમને Paytm મારફત પૈસા ટ્રાન્સફર કરી દઈએ છીએ. વેપારીના મોબાઈલમાં Paytm મારફત પૈસા ટ્રાન્સફર મેળવવા માટે એપ્લિકેશન નહોતી, જેથી તેમણે તેમના નોકરના મોબાઈલમાં એપ્લિકેશન હોવાથી તેના નંબર પર પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું.

વેપારીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો).
વેપારીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો).

PAYTMથી પેમેન્ટ થયાનો મેસેજ આવ્યો
માલ ખરીદવાવાળાઓએ Paytm મારફત પૈસા ટ્રાન્સફર કરતાં પાંચ મિનિટમાં નોકરના મોબાઈલમાં પૈસા જમા થયાનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ આ બંને ગ્રાહકો માલ રિક્ષામાં મૂકીને રવાના થયા હતા. બાદમાં નોકરે તેના બેંકના ખાતામાં તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે પૈસા જમા થયા જ નહોતા. વેપારીએ કોઈ ટેક્નિકલ ખામી સમજીને થોડા દિવસમાં પૈસા જમા થશે એમ સમજીને રાહ જોઈ હતી, પરંતુ પૈસા નહીં મળતાં તેમણે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

( માધવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ)

અન્ય સમાચારો પણ છે...