આત્મહત્યાનો પ્રયાસ:સિંધુભવન રોડ પરના રાજીવ આવાસમાં પાડોશીની ધમકીથી કંટાળી મહિલાએ એસિડ પી લીધું

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ એસિડની બોટલ ઝૂંટવીને મહિલાને હોસ્પિટલ ખસેડી, વસ્ત્રાપુરમાં 3 સામે ગુનો

પાડોશી પરિવારના સભ્યોના નાના-નાના ઝગડા અને મોબાઈલ ફોનના રૂ.750 માટે વારંવાર થતા ઝઘડાથી તંગ આવેલી મહિલાએ એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસે મહિલાના પાડોશી વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સિંધુભવન રોડ પરના રાજીવ આવાસમાં રહેતા લલીબેન અજય પટણી(30)ની પાડોશમાં આશાબેન પટણીનો પરિવાર રહે છે. ઘર પાસે છોકરાં રમવા બાબતે તેમજ નાની-નાની બાબતે બંને પરિવાર વચ્ચે લાંબા સમયથી ઝગડા ચાલતા હતા.

લગભગ એક મહિના પહેલા અજયભાઈએ આશાબેનના દીકરા વિશાલ પાસેથી રૂ.750માં સેકન્ડમાં ફોન લીધો હતો. જેના પૈસા અજયે આપી દીધા હોવા છતાં વિશાલ વધુ પૈસા માગતો હતો. શનિવારે રાતે 9.30 વાગે આશાબેન અને તેમના દીકરા શૈલેષ-દશરથે પૈસા બાબતે ઝઘડો કરી અજયને માર મારી, લલીબેનના વાળ પકડીને પછાડ્યા હતા. તેમજ મકાન ખાલી કરીને જતા રહેવા ધમકી આપી હતી. પાડોશીના ત્રાસથી કંટાળીને લલીબેને એસિડની બોટલ મોઢે માંડીને પીવા લાગતા સ્થાનિકોએ તેમના હાથમાંથી એસિડની બોટલ ઝૂંટવી લઇ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...