સોશિયલ મીડિયાનો પ્રેમ ભારે પડ્યો:પતિથી કંટાળીને ડિવોર્સ લેવા ઈચ્છતી મહિલા અન્ય યુવકના પ્રેમમાં પડી, પ્રેમીએ લગ્નનું વચન આપી જબરજસ્તી સંબંધ બાંધ્યા બાદ તરછોડી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાની યુવતીને અમદાવાદ બોલાવી યુવકે લગ્નનું વચન આપી સંબંધ બાંધ્યા
  • વન નાઈટ સ્ટેન્ડ પછી યુવતીને કહ્યું, મારા બીજે લગ્ન નક્કી થઈ ગયા છે

સૌરાષ્ટ્રનાં નાનકડા ગામની યુવતીને પરિવારે લગ્ન કરાવીને સાસરીમાં મોકલી પણ પતિએ સતત ત્રાસ આપ્યો, જેથી કંટાળીને તેને છૂટાછેડા માટે કોર્ટમાં દાવો કર્યો હતો. આ દરમિયાન વડોદરામાં નોકરી કરતી આ યુવતીને સોશિયલ મીડિયામાં એક યુવક સાથે વાત થઈ અને યુવકે લગ્ન માટે હા પાડી ત્યાર બાદ યુવતીને અમદાવાદ બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો. લગ્નની લાલચ આપીને મહિલા સાથે વન નાઈટ સ્ટેન્ડની વાત કરી બળાત્કાર ગુજારનાર યુવક સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લગ્ન બાદ પતિની હેરાનગતિથી કંટાળી પત્ની
સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં રહેતી હિના ( નામ બદલ્યું છે ) માતા પિતાએ ભણાવીને મોટી કરી. દીકરી મોટી થતા સમાજના રીત રિવાજ મુજબ તેના લગ્ન કરાવ્યા પણ હિનાના નસીબમાં તકલીફ તેનો સાથ છોડવાનું નામ લેતી ન હતી. હિનાને તેનો પતિ સતત હેરાન કરતો હતો. કંટાળીને હિનાએ તેના પતિથી અલગ થવાનું નક્કી કર્યું અને કોર્ટમાં છૂટાછેડા માટે દાવો કર્યો હતો.

ચાંદખેડા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
ચાંદખેડા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

ઓનલાઈન એપ્લિકેશનથી યુવકના સંપર્કમાં આવી મહિલા
હિના હવે માતા-પિતા પર ભાર બનવા માંગતી ન હતી એટલે તેણે વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરવા લાગી હતી. આ દરમિયાન તેણે જીવન સાથી શોધવા એપ્લિકેશન ડાઉનલોડ કરી જેમાં એક યુવક તેના સંપર્કમાં આવ્યો હતો. હિના આ યુવક રાજુ ( નામ બદલ્યું છે) સાથે સોશિયલ મીડિયામાં સંપર્ક કરવા લાગી બંને વાત કરવા લાગ્યા. રાજુએ હિનાને મળવા માટે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક હોટલમાં બોલાવી હતી. જ્યાં હિનાને તેની સાથે વન નાઈટ સ્ટેન્ડ માટે રોકી લીધી હતી. હિનાને રાજુએ કીધું હતું કે, હું તારી સાથે લગ્ન કરીશ એટલે હિના અને રાજુ વચ્ચે શારીરિક સબંધ બંધાયા હતા.

યુવક સંબંધ બાંધીને તરછોડી દીધી
હિના ખૂબ ખુશ હતી કારણકે તેના જીવનમાં રાજુ નામની ખુશી આવી હતી પણ રાજુએ હિનાને એક દિવસ ફોન કર્યો હતો કે, મારા લગ્ન બીજી જગ્યાએ નક્કી થઈ ગયા છે. આ વાત સાંભળીને હિનાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એ સીધી રાજુના ઘરે પહોંચી ગઈ. ત્યાં રાજુના માતા-પિતાએ કહ્યું જે થયું એ ભૂલી જા અને હિના ત્યાંથી નીકળીને ચાંદખેડા વિસ્તારમાં ફરતી રહી. આખરે હિનાએ આ અંગે ચાંદખેડા પોલીસને જાણ કરતા પોલીસે રાજુ સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. પોલીસે આ પ્રકરણમાં આરોપીની ધરપકડ કરવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.