સાબરમતી કાળીગામ મહાકાળી માતાના મંદિર પાસે રહેતો દીપકકુમાર નંદુભાઈ જાડેજા ઘરની બહાર બેસીને દેશી દારૂ વેચતો હોવાની માહિતીના આધારે સાબરમતી પોલીસ રેડ પાડવા ગઈ હતી. ત્યારે દીપકકુમાર દારૂ વેચતો પકડાયો હતો. જેથી પોલીસની ટીમ તેને પકડીને જીપમાં બેસાડી રહી હતી. ત્યારે જ દીપકકુમારની માતા કપીલાબહેન, પત્ની જેનીફર તેમજ બહેન નંદિની ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
સાબરમતી પોલીસ રેડ પાડવા ગઈ હતી
તે ત્રણેયે પોલીસની કામગીરીનો વિરોધ કરીને બૂમાબૂમ શરૂ કરી હતી. જેથી પોલીસની ટીમમાં હાજર મહિલા પોલીસ કર્મચારી સ્નેહાબહેન પ્રદ્યુમનભાઈ ત્રણેય મહિલાઓને શાંતિ રાખવા કહ્યું હતું. જેથી તે ત્રણેય પોલીસ ઉપર વધારે ઉશ્કેરાઈ હતી અને પોલીસ હાથે કરીને તેમને હેરાન કરવા આવી હોવાનું કહીને વિરોધ કરીને સ્નેહાબહેનના વાળ ખેંચીને તેમની સાથે ઝપાઝપી કરીને ગાલ ઉપર લાફા મારી દીધા હતા.
પોલીસ કર્મચારી સાથે મારા મારી કરી
જો કે આ સમયે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા તેમજ વધારાની પોલીસ બોલાવીને દીપકકુમાર, તેની માતા, પત્ની અને બહેનને સાબરમતી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. આ અંગે મહિલા પોલીસ કર્મચારી સ્નેહાબહેનની ફરિયાદના આધારે ચારેય વિરુદ્ધ પોલીસ કર્મચારી સાથે મારા મારી કરી સરકારી કામગીરીમાં દખલ કરવાનો ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી.
SMCની રેડ બાદ સાબરમતી પોલીસે તપાસ આદરી
સ્ટેટ મોનિટરિંગ સેલે સાબરમતીમાં દેશી દારૂનું કટિંગ પકડી પાડ્યું હતું. જેમાં દારૂનો જથ્થો તેમજ વાહન સહિત રૂ.1.53 લાખના મુદ્દામાલ સાથે 3 બુટલગેરને ઝડપી લીધા હતા. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ સાબરમતી પોલીસે કાળીગામમાં દિપકકુમાર જાડેજા સહિતના બુટલેગરોના ત્યાં રેડ પાડવાનું શરૂ કર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.