ભાસ્કર એક્સક્લૂસિવટેક્નોલોજીમાં પોલીસને ગોથું ખવડાવતા બૂટલેગરો:દારૂની ખેપમાં જામર, Voip કોલનો ઉપયોગ; GPS સિસ્ટમ માટે 'પતંગિયાં' કોડનેમ વપરાય છે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે... હા ભાઈ ખરેખર, કાયદેસર તો પ્રતિબંધ જ છે. એ વાત અલગ છે કે રાજ્યમાં દારૂની રેલમછેલ રહે છે. વિજિલન્સની કડક કાર્યવાહી વચ્ચે પણ બૂટલેગરો રોજ કરોડોનો દારૂ ગુજરાતમાં ઘુસાડી દે છે. બૂટલેગરને દારૂ ભરેલી ટ્રક સાથે રંગેહાથ પકડવા પોલીસ અનેક પ્રયાસ કરે છે. ખૂબ એનર્જી વાપરે છે છતાં બૂટલેગર આડાઅવળા માર્ગ વચ્ચે ગુજરાતના ખૂણેખૂણા સુધી દારૂ પહોંચાડે છે. આ બધું હાઈટેક થયેલા બૂટલેગરો દ્વારા GPS-જામર, મેજિક જેક ને Voipના કરાતા ઉપયોગને લીધે શક્ય છે.

પહેલા ટ્રકના પૈંડાંને દારૂથી સિંચતા, હવે GPS જિંદાબાદ
અંધશ્રદ્ધાથી શરૂ થયેલો દારૂની ડિલિવરીનો ધંધો આજે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સુધી પહોંચ્યો હતો. પહેલાં દારૂની ખેપ માટે ટ્રક નીકળે એટલે એક બોટલ કાઢી, એમાં રહેલા દારૂ વડે ટ્રકના પૈંડાંને સિંચાતું હતું. આ પાછળની માન્યતા એવી હતી કે ટ્રક પોલીસને હાથ ના લાગે. હવે બૂટલેગરો પણ આધુનિક બની જતાં દારૂની ખેપમાં કોઈ IT એક્સપર્ટને પણ ન આવે તેવા આઈડિયા બૂટલેગરો લડાવે છે. જામર, GPSનો ઉપયોગ આ વાતની સાક્ષી પૂરે છે.

બૂટલેગર કઈ રીતે કરે છે જામરનો ઉપયોગ?
સામાન્ય રીતે VVIP મૂવમેન્ટ વખતે જામરનો ઉપયોગ કરાય છે. આનાથી આસપાસના મોબાઈલ સિગ્નલ બંધ થઈ જતા હોય છે. અમદાવાદ જિલ્લામાં થોડા સમય અગાઉ પકડાયેલી દારૂની ટ્રકમાં ભેદી ડિવાઈસ મળી આવ્યાં હતાં. આ કેસની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ ડિવાઇસ જામર હતું, જેના કારણે મોબાઇલ સિગ્નલ બંધ થઈ જતા હતા. મહત્ત્વની વાત એ છે કે બૂટલેગરો આ જામરનો ઉપયોગ પોલીસને સિગ્નલ ન મળે એ માટે કરે છે.

પોલીસ ટ્રકમાં GPS લગાવે તોપણ ચાલે નહીં
ઘણી વાર દારૂની ટ્રક ભરાય અને ગુજરાતમાં પ્રવેશ કરે ત્યારે આસપાસથી નીકળતા કોઈ વાહન કે પોલીસના માણસો એમાં GPS લગાવી દે છે. આનાથી આખા ટ્રકના રૂટની માહિતી પોલીસ સુધી પહોંચી જાય છે. આ કારણથી બૂટલેગરો હવે દારૂની ટ્રકમાં જામર ડિવાઇસ રાખવા લાગ્યા છે, જેના કારણે ટ્રકમાં જો કદાચ કોઈએ GPS લગાવી દીધું હોય તો એ જામરના કારણે બ્લોક થઈ જાય છે અને કોઈપણ સિગ્નલ આ ડિવાઇસ સુધી પહોંચી શકતા નથી. આનાથી બૂટલેગરની દારૂની ટ્રક ટ્રેક કરી શકાતી નથી. આ પ્રકારનાં ડિવાઇસ ઓનલાઈન પણ મળે છે.

મેજિક જેક વડે એકસાથે અનેક નંબર એક્ટિવ
ઇન્ટરનેશનલ કોલ સેન્ટરમાં વપરાતી મેજિક જેકની ટેકનોલોજી પણ બૂટલેગર વાપરવા લાગ્યા છે, જેમ કે ડેટ કલેક્શન એટલે કે DC તરીકે ઓળખાતા આ ડિવાઈસથી તેઓ પોલીસને આસાનીથી છેતરે છે. કોલ સેન્ટરમાં વિદેશી નાગરિકોને છેતરવા માટે ભેજાબાજો આવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. આમાં મેજિક જેક નામના ડિવાઇસના આધારે એક જ કનેક્શનથી અનેક નંબર એક્ટિવ થાય છે અને અલગ અલગ નંબર પર વાત થઈ શકે છે.

ઈન્ટરનેટથી કોલ થાય એટલે ટ્રેસ પણ ન થઈ શકે
સામાન્ય રીતે ઇન્ટરનેટથી મેજિક જેક વડે આ નંબર ઓપરેટ થતા હોવાથી એને ટ્રેસ કરી શકાતા નથી. આ ટેકનોલોજીની મદદથી બૂટલેગર પોતાના ઇન્ટર્નલ કનેક્શન અને રિસીવર સાથે વાત કરતા હોય છે. આને કારણે પોલીસને તેમની કોઈ કડી મળતી નથી. આ ટેકનોલોજી પાછળ લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય છે, પણ બૂટલેગર પોતાની દારૂની ટ્રક આ ડિવાઇસથી કનેક્ટ કરી કરી દે છે. થોડા સમય પહેલાં અમદાવાદના નિકોલમાં દારૂ સાથે પકડાયેલાં અલગ અલગ વાહનોમાં તેમજ બૂટલેગરના કનેક્શન પણ મેજિક જેક સાથે કનેક્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

Voip કોલથી પોલીસને આપી દે છે થાપ
ગુજરાતના સૌથી મોટા બૂટલેગર વિનોદ સિંધી હાલ દુબઈ છે અને તેને ગુજરાત પોલીસે ટ્રેસ કરી લીધો છે. થોડા સમયમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને ગુજરાત લાવવામાં આવશે, ત્યારે તેના નેટવર્કમાં જોડાયેલા લોકો Voip દ્વારા કોલ કરતા હોય છે, જેથી ક્યારેય તેના પુરાવા મળતા નથી અને તેને આંતરી શકાતા નથી.

પોલીસ ટેકનોલોજી સામે ‘બાતમીદાર’ના હથિયારથી લડે છે
ગુનેગાર ગમે તેટલો શાતિર હોય, પણ તે કોઈ ને કોઈ પુરાવો છોડતો જ જાય છે. બૂટલેગર ભલે ગમે એટલી ચાલાકીથી દારૂનું નેટવર્ક ચલાવતા હોય, પણ તેને શોધવો પોલીસ માટે થોડું મુશ્કેલ જરૂર છે, પણ અશક્ય નથી. ગુજરાત પોલીસ પાસે બાતમીદારોનું એક વિશાળ નેટવર્ક છે, જે દારૂની એક બોટલથી લઈને કન્ટેનર સુધીની બાતમી પોલીસ સુધી પહોંચાડી દે છે. રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ, જ્યાંથી પણ ગુજરાત લાવવા દારૂની ખેપ નીકળે ત્યારે એની ઇન્ફર્મેશન બાતમીદાર સુધી પહોંચી જાય છે અને બાતમીદારો જીવના આવા બૂટલેગરોને પકડાવવા માટે પોલીસને મદદ કરે છે.

પોલીસે ડ્રોનના ઉપયોગથી શોધે છે દારૂના અડ્ડા
ગુજરાતમાં જે દારૂ ઘૂસી ગયો હોય અને જે જગ્યાએ દારૂ વેચાતો હોય એની ચોક્કસ બાતમી મેળવવી હોય ત્યારે પોલીસ પોતાના માણસો ત્યાં પહોંચે ત્યારે ગુનેગારો ભાગી જાય તેવા સંજોગો સર્જાતા હોય છે. એને કારણે પોલીસે બૂટલેગરોને પકડવા માટે ટેકનોલોજીમાં એક સ્ટેપ ઉમેર્યું છે, જેમાં હવે દારૂના અડ્ડા પર કેટલી ભીડ છે અને દારૂ વેચાય છે કે નહીં એ જોવા માટે પોલીસ ડ્રોન ઉડાવે છે અને તે ફૂટેજ મેળવીને ચોક્કસ બાતમી મેળવે છે કે અહીં કેટલા લોકો છે, દારૂ વેચાય છે કે કેમ એની માહિતી મેળવે છે અને ત્યાર બાદ ત્યાં રેડ પાડે છે.

ગુજરાત-રાજસ્થાનમાં વિનોદ સિંધી આ રીતે એક્ટિવ
ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે સૌથી મોટું નેટવર્ક વિનોદ સિંધી એન્ડ કંપનીએ બનાવી દીધું છે. તેના માણસો એક પછી એક પોલીસના સકંજામાં આવી રહ્યા છે. આવામાં તેણે નાના નાના ડિસ્ટ્રિબ્યુટર અને હવાલા ઓપરેટર તેમજ હિસાબકિતાબના માણસો પણ રાખી દીધા છે. સૂત્રો મુજબ, આ નેટવર્ક એક આખી કંપની અને કોર્પોરેટ વ્યવસ્થા પ્રમાણે ચાલે છે. વિનોદ સિંધી ગુજરાતમાં નથી પણ તેના માણસો આખું નેટવર્ક ચલાવે છે.

ટ્રકમાંથી જામર મળી આવ્યું હતું: મોનિટરિંગ સેલ
આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના DySP કે.ટી. કામરિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે તાજેતરમાં મોડાસામાં પકડાયેલી એક ટ્રકમાં GPS મળી આવ્યું છે. જ્યારે અગાઉ અમદાવાદ જિલ્લામાં ટ્રકમાં જામર મળી આવ્યું હતું. હવે બૂટલેગર દ્વારા ઉપયોગમાં લેવાથી ટેકનોલોજીની પણ તપાસ કરવામાં આવી રહી છે.

કોલ સેન્ટર ચલાવતા લોકો આ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે: મહેસાણાના DSP
જ્યારે મહેસાણા DSP અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે હું જ્યારે અમદાવાદ ઝોન-5 ડીએસપી હતો ત્યારે બૂટલેગર અને તેની ગાડીઓ પકડી હતી. એમાં મેજિક ઝેક મળી આવ્યો હતો, જેનો ઉપયોગ voip કોલ માટે બૂટલેગર કરતા હતા. કોલ સેન્ટર ચલાવતા લોકો પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

ક્યા સ્ટેટ અને શહેરમાં કોણ ચલાવે છે સિંધીનું નેટવર્ક
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરતામાં વિનોદ સિંધીના માણસો અશુ અને ચિરાગને પોલીસે પકડ્યા છે, જ્યારે તેમનું રાજસ્થાન નેટવર્ક સુનીલ દરજી, માનસિંહ મીણા, શૈલેષ જૈન, અનંતપાલસિંહ, દીક્ષા ચલાવે છે તેમજ કમલેશ નામનો શખસ આખો હિસાબ સંભાળે છે. અમદાવાદમાં સોનુ સિયાપિયા, સોનુ જાડિયો અને અન્ય બૂટલેગર જિજ્ઞેશ સ્કોચનો ડીલર છે.

આ બૂટલેગરો સંભાળે છે ગુજરાતનું આખું નેટવર્ક
વિનોદ સિંધીએ ગુજરાતભરમાં બૂટલેગરો રાખ્યા છે, જેમાં વિનોદ જય અંબે, કેતન નરોડા, સોનુ સિયાપિયા, સોનુ રાજપૂત, બુલુર સુનીલ ભુવનેશ્વર, કાલુ, ઝુબેર અલી, દીપક મરાઠી, સૂરજસિંહ, સલીમ તોતો, ગુંદડું રઈશ, તિલક, ધર્મેન્દ્ર, નીતિન, ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી, નિલેશ, કિશોર, ડખો છોકરો, મેકો, અલ્તાફ, સોનલ, રાકેશ મઉધા, મહેન્દ્રસિંહ કઠલાલ, દીવાન ગાંધીધામ, મામા ભાગીદાર, જિતેન્દ્ર ગાંધીધામ, રાજુ અમદાવાદ, દાહોદ કમલેશ, ગુણવંત દહેગામ, રાહુલ કણભા, દિનેશ ભરવાડ અને રાહુલ, લાલુ સિંધી, બરોડા અદો, જયરામ આનંદ, ગટુ સિંગ અને ભાવનગર નાગદાનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...