ક્રાઈમ:જેલમાં બુટલેગરનું મોત, પોલીસે માર માર્યાનો પરિવારનો આક્ષેપ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવાદ બાદ પેનલ ડોક્ટર મારફતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું
  • 36 કલાક પછી પણ મૃતદેહ ન સ્વીકારતા​​​​​​​ પીએમ રૂમમાં મુકાયો

માધુપુરા તાવડીપુરામાંથી 45 લીટર દેશી દારૂ સાથે પકડાયેલા બુટલેગરનું સાબરમતી સેન્ટ્રલ જેલમાં શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હતું. પોલીસના મારથી બુટલેગરનું મૃત્યુ થયું હોવાના પરિવારના આક્ષેપની ગંભીરતાથી નોંધ લઈને પોલીસે પેનલ ડોક્ટર મારફતે પોસ્ટમોર્ટમ કરાવ્યું છતાં 36 કલાક પછી પણ પરિવારે બુટલેગરનો મૃતદેહ ન સ્વીકારતાં પીએમ રૂમમાં જ મુકી રાખ્યો હતો.

માધુપુરા તાવડીપુરામાં રહેતા રણજીત રેવાભાઈ પરમાર(37)ને ઝોન-2 લોકલ ક્રાઈમ બ્રાંચે 10 એપ્રિલે 45 લીટર દેશી દારૂ સાથે પકડીને માધુપુરા પોલીસને સોંપી કોર્ટમાં રજૂ કરતા તેને 11મી જેલમાં મોકલવાનો હુકમ કરતાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલ્યો હતો.13 એપ્રિલે સવારે તેને ખેંચ આવીને તબિયત લથડતાં સારવાર માટે સિવિલ લઈ જવાયો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

વાઈ, બીપી અને ડાયાબિટીસની બીમારી હતી
રણજીત વધારે પડતો દારૂ પીવાની ટેવ વાળો હતો તેમજ તેને વાઈ, બીપી અને ડાયાબિટીસની બીમારી હતી. જેલમાં લાવ્યા બાદ 12મીએ તેણે કંઈ ખાધું નહોતું અને બીજા કેદીઓ પાસે દારૂ માગતો હતો, 13મીએ સવારથી જ તેના શરીરમાં ધ્રુજારી વધતાં, તબિયત લથડતાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. > ડી.વી.રાણા, ડીવાયએસપી, સાબરમતી સેન્ટ્રલ જેલ

પોલીસ પર કેસ નહીં કરવા 10 લાખ માગ્યા!
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, રણજીતના પરિવારે તેનો મૃતદેહ સ્વીકારવા અને પોલીસ સામે કેસ નહીં કરવા માટે પોસ્ટમોર્ટમ રૂમ પાસે રૂ.10 લાખની માગણી કરી છે. જો કે આ માગણી તેના પરિવારે સીધી રીતે કરી નથી, પરંતુ મધ્યસ્થી મારફતે કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...