ગાંજો ઝડપાયો:અમદાવાદમાં દારૂ વેચતા ત્રણ વાર પકડાઈ જતા બુટલેગરે ગાંજો વેચવાનું શરૂ કર્યું, મહારાષ્ટ્રથી મગાવેલા લાખોના ગાંજા સાથે ફરી પકડાયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંજા સાથે પકડાયેલા આરોપીઓની તસવીર - Divya Bhaskar
ગાંજા સાથે પકડાયેલા આરોપીઓની તસવીર
  • જામનગરની જેલમાં કાલુ શેખ પાસા હેઠળ નજરકેદ હતો ત્યારે મહારાષ્ટ્રના વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી.
  • જેલમાંથી બહાર આવીને કાલુ મહારાષ્ટ્રથી ગાંજો મગાવીને ગ્રાહકોને છૂટક વેચાણ કરતો.
  • 4.63 લાખના 46 કિલો ગાંજા સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાલુ અને તેના સાથીને ઝડપી લીધો.

શહેરમાં નશીલા પદાર્થની હેરફેર કરતા લોકોની સંખ્યા વધી ગઈ છે. શહેર ક્રાઈમ બ્રાન્ચે લાખોના ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓએ શહેરમાં 60 કિલો ગાંજો મગાવીને પોતાના ગ્રાહકોને વેચ્યો હોવાનું કબૂલ્યું છે. આટલું જ નહીં આરોપી પહેલા પણ ગેરકાયદે દારૂ તથા ગાંજાના વેચાણ બદલ જેલ જઈ ચૂક્યો છે. જોકે જામીન પરથી છૂટ્યા બાદ તેણે ફરીથી ગાંજો વેચવાનું શરૂ કરી દીધું હતું.

4.63 લાખનો ગાંજો ઝડપાયો
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને વટવામાં સદાની ધાબી પાસે આવેલા અલબશર પાર્ક સોસાયટીમાં બે વ્યક્તિ પાસે ગાંજો હોવાની બાતમી મળી હતી. જેથી તેમણે રેડ કરતા શફીકઅહેમદ શેખ અને જાકીર અહેમદ ઉર્ફે કાલુ શેખ પાસે બે કોથળામાં સેલોટેપથી વીંટાળીને રાખેલો રૂ. 4.63 લાખની મતાનો 46 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

આરોપી પહેલા બૂટલેગર હતો
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, જાકીર ઉર્ફે કાળુ અગાઉ ગેરકાયદે વિદેશી દારૂ વેચવાનો ધંધો કરતો હતો. જેમાં તેના પર ત્રણ કેસ તથા ત્રણ પાસા થતા તેણે દારૂનો ધંધો બંધ કરીને ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું. તે જામનગર જેલમાં પાસા હેઠળ નજરકેદ હતો ત્યારે મહારાષ્ટ્રના સુરેશ પાટીલ સાથે ઓળખાણ થઈ હતી અને તેણે સુરેશનો સંપર્ક કરી મહારાષ્ટ્રથી ગાંજો મગાવીને અમદાવાદમાં છુટક ગ્રાહકોને વેચાણ કરતો હતો. જોકે 8 મહિના પહેલા તે 4 કિલો ગાંજા સાથે પકડાયો હતો. બાદમાં જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ તેણે પંદર દિવસ પહેલા સુરેશ પાટીલ પાસેથી ગાંજો મંગાવ્યો હતો.

મહારાષ્ટ્રથી ગાંજો આવતો હતો
આ ગાંજો આઈસરમાં ડુંગળીના કોથળાની સાથે લવાયો હતો અને આરોપી તથા શફીકઅહેમદ બંને તેને વટવા સદાની ધાબી ખાતે લાવ્યા હતા અને ગ્રાહકોને છૂટક વેચાણ કરતા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને ગાંજો મોકલનાર સુરેશ પાટીલ તથા આરોપીઓએ શહેરમાં કોને કોને ગાંજાનું વેચાણ કર્યું તે દિશામાં આગળ તપાસ હાથ ધરી છે.