મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:રાજ્યમાં આજથી હેલ્થ વર્કર-સિનિયર સિટીઝનને બૂસ્ટર ડોઝ, 8 મહિના બાદ કોરોનાના 6 હજારથી વધુ કેસ

અમદાવાદ4 મહિનો પહેલા

નમસ્કાર,

આજે સોમવાર, તારીખ 10 જાન્યુઆરી, પોષ સુદ આઠમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) રાજ્યભરમાં આજથી હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને 60થી વધુ વયના કોમોર્બિડીટી ધરાવતા વડીલોને બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત

2) આજે અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી

3) ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે ગુજરાત વન વિભાગનું આજથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) રાજ્યમાં કોરોનાનો કહેર, 8 મહિના બાદ 6275 નવા કેસ, અમદાવાદમાં 2,519 અને સુરતમાં 1,879 કેસ, સતત બીજા દિવસે શૂન્ય મોત

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. ગુજરાત 8 મહિના બાદ પહેલીવાર 6 હજારથી વધુ કેસ આવ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 6275 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1263 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં સતત બીજા દિવસે એકપણ દર્દીનું કોરોનાથી મોત નોંધાયું નથી. રાજ્યમાં 6 હજારથી વધુ કેસ 235 દિવસ એટલે કે 18 મે બાદ નોંધાયા છે, તે સમયે 6447 હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 2,519 કેસ જ્યારે સુરતમાં 1,879 કેસ સામે આવ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

2) શહેજાદ પઠાણને વિપક્ષના નેતા બનાવતા અમદાવાદ કોંગ્રેસમાં બળવો, 24માંથી 10 કોર્પોરેટરોના રાજીનામાં, જગદીશ ઠાકોર સામે પહેલો પડકાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના 10 જેટલા કાઉન્સિલરોએ કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મળીને રાજીનામા આપી દીધા હતા. પાર્ટી દ્વારા શહેજાદ ખાન પઠાણને વિપક્ષના નેતા તરીકે પહેલા એક વર્ષ માટે બનાવવાનો નિર્ણય લીધો હોવા સાથે 10 કાઉન્સિલરોનો વિરોધનો સૂર ઉઠ્યો હતો. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનાવવા માટે આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. જેને પગલે કુલ 24 કોર્પોરેટરમાંથી 10 કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા હતા, તેમા 4 મુસ્લિમ તેમજ 5 મહિલા કોર્પોરેટરો હતા.

વાંચો સમાચાર વિગતવાર

3) વેરાવળમાં મેરેથોન દોડમાં 1800 લોકો જીવના જોખમે દોડ્યા, આયોજક સામે ગુનો નોંધાયો

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે વેરાવળમાં ભારત વિકાસ પરિસદ દ્વારા મેરેથોન દોડ યોજવામાં આવી હતી. હજારો સ્પર્ધકો અને નાગરિકોનાં ટોળાં ઊમટ્યાં હતાં. કોવિડની ગાઈડલાઇન્સના લીરેલીરા ઊડ્યા હતા. આ મેરેથોનને લીલી ઝંડી સાંસદ રાજેશ ચૂડાસમા, જિલ્લા ભાજપ-પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પીયૂષ ફોફડી સહિતના રાજકીય પદાધિકારીઓએ આપી હતી. એમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઊડ્યા હતા. જોકે મોડે મોડે આયોજન બાબતે આયોજક સંસ્થા ભારત વિકાસ પરિષદના કલ્પેશ શાહ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

વાંચો સમાચાર વિગતવાર

4) સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ, સ્થિતિની સમીક્ષા માટે PM મોદીની ઈમરજન્સી મીટિંગ, પ્રતિબંધોને લઈને આવી શકે છે નવા આદેશ

દેશમાં કોરોનાની ત્રીજી લહેર લોકોને ડરાવી રહી છે. ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમરજન્સી મીટિંગ કરી. આ વર્ચ્યુઅલ મીટિંગમાં દેશમાં કોરોનાની સ્થિતિ સમીક્ષા કરવામાં આવી. સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ સચિવ રાજીવ ગાબા, ગૃહસચિવ અજય ભલ્લા, સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, ICMRના DG સહિત અનેક અધિકારીઓ સામેલ થયા.

વાંચો સમાચાર વિગતવાર

5) એક્ટિવ કેસ 5 લાખને પાર:હેલ્થ એક્સપર્ટ્સે કહ્યું- દેશમાં ટૂંક સમયમાં પિક આવશે; ત્રણ મહિના બાદ કેસ ઓછા થવા લાગશે

દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં નવા સંક્રમિતોનો આંકડો પહેલીવાર 1.6 લાખ પાર પહોંચ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 5 લાખ 84 હજાર છે. આ દરમિયાન હેલ્થ-એક્સપર્ટ્સનું માનવું છે કે દેશમાં કોવિડ કેસ ખૂબ જ ઝડપથી પીક પર પહોંચી શકે છે. જોકે, એક્સપર્ટસે એમ પણ કહ્યું છે કે જેટલી ઝડપથી કેસ વધી રહ્યા છે તેટલી જ ઝડપથી કેસ ઘટવા પણ લાગશે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એડિશનલ ડાયરેક્ટર ડૉ. સમીરન પાંડાએ શનિવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે જે વિસ્તારોમાં તાજેતરમાં વધારો નોંધાયો છે ત્યાં કોરોનાના સક્રિય કેસ 3 મહિનામાં ઘટવા લાગશે. ડો. પાંડાએ જણાવ્યું કે ઓમિક્રોનના 50% થી વધુ કેસ માત્ર મોટા શહેરોમાં જોવા મળી રહ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

6) પાકિસ્તાનમાં ભારે હિમવર્ષા, કારની અંદર બેઠેલા મુસાફરોનાં લોહી થીજી ગયાં; બરફમાં ફસાયેલાં વાહનો કાઢવા સેનાની મદદ લેવાઈ

પાકિસ્તાનમાં ભીષણ હિમવર્ષાએ છેલ્લાં 15થી 20 વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને સેંકડોની સંખ્યામાં પર્યટકો ફસાઈ ગયા છે. હવામાન વિભાગે ભારે હિમવર્ષાની આગાહી કરેલી તેમ છતાં મોટી સંખ્યામાં લોકોએ મુર્રીમાં હિમવર્ષાની મજા માણવા પહોંચ્યા હતા, પણ ઈતિહાસમાં ક્યારેય ન થઈ હોય એટલા વ્યાપક પ્રમાણમાં હિમવર્ષા થતાં રિસોર્ટ શહેર મુર્રીમાં તાપમાન શૂન્યથી પણ નીચે ઊતરી માઈનસ 8 ડીગ્રી સેલ્સિયસ જેટલું થઈ ગયું હતું, જેને પગલે મોટી સંખ્યામાં પર્યટકો વાહનો સાથે ફસાઈ ગયા અને તેમણે ઠંડીમાં ઠૂંઠવાઈને જીવ ગુમાવ્યો છે. આ વિસ્તારમાં ભીષણ હિમવર્ષને લીધે અનેક વાહનો ફસાઈ જતાં ઓછામાં ઓછા 22 પર્યટકનાં મોત થયાં છે. હિમવર્ષાને લીધે હજુ પણ 3500 વાહન વિવિધ વિસ્તારોમાં ફસાયેલાં છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ પર્યટકોનાં મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. બચાવ કામગીરીમાં સેના જોડાઈ છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) રાજકોટ રેલવે સ્ટેશન બન્યું સૌરાષ્ટ્રનું સૌપ્રથમ એસ્કેલેટર અને લિફ્ટ યુક્ત સ્ટેશન, રૂ.23.76 કરોડનો ખર્ચે 5 સુવિધાઓ ઉપલબ્ધ

2) કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ ગૂગલ સામે મોનોપોલીના દુરુપયોગની તપાસનો આદેશ આપ્યો, ન્યૂઝ પબ્લિશર્સે ફરિયાદ કરી

3) ન્યુયોર્કમાં શીખ ટેક્સી ડ્રાઇવર પર હુમલો કરી પાઘડી ઉતારી દીધી, ભારતીય વાણિજ્ય દૂતાવાસે વિરોધ નોંધાવ્યો

4) બ્રાઝીલમાં સહેલાણીઓ બોટિંગની મજા માણતાં હતાં ત્યાં જ મહાકાય પર્વતનો ભાગ તૂટીને બોટ પર પડ્યો, સાતનાં મોત

5) ટીવી એક્ટ્રેસ હિના ખાનનો આખો પરિવાર કોરોના પોઝિટિવ; કામ્યા પંજાબી અને માનવી ગાગરૂ કોરોનાની ઝપેટમાં

6) ઓમિક્રોન અને ડેલ્ટા ભેગા મળીને બન્યો નવો વેરિયન્ટ, સાઇપ્રસ યુનિવર્સિટીએ શોધ્યો ડેલ્ટાક્રોન, અત્યારસુધીમાં ડેલ્ટાક્રોનના 25 કેસ

આજનો ઈતિહાસ
આજના જ દિવસે પ્રસિદ્ધ કાર્ટૂન કેરેક્ટર ટિનટિનનો જન્મ 1929માં થયો હતો. 10 જાન્યુઆરી 1929નાં રોજ બેલ્જિયમના અખબારમાં પહેલી વખત ટિનટિન છપાયું હતું. ટિનટિનની તે પહેલી કાર્ટૂન સીરીઝનું નામ 'ધ એડવેન્ચર્સ ઓફ ટિનટિન' હતું. ટિનટિન એક સાહસિક રિપોર્ટર છે, જે પોતાના કુતરા સ્નોઈ સાથે દુનિયાભરમાં યાત્રા કરે છે.

આજનો સુવિચાર
જીંદગીમાં દરેક વ્યક્તિને મહત્વ આપો, કારણ કે જે “સારા” હશે તે સાથ આપશે ને “ખરાબ” હશે તે શીખ આપશે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...