ગુજરાતી એટલે મોજશોખમાં જીવનારી પ્રજા. જે રીતે ગુજરાતના લોકો હરવા-ફરવાના શોખીન હોય છે તે રીતે ગુજરાતીઓ સટ્ટા-બેટિંગના પણ ખૂબ શોખીન. એટલે જ તો ગુજરાતમાં ચૂંટણી ડિસેમ્બરમાં થવાની છે પરંતુ તેના પર સટ્ટા-બેટિંગ ચાર મહિના પહેલાં એટલે કે જુલાઈથી શરૂ થઈ ચૂકી છે. જો કે, એ જમાનો ગયો જ્યારે ફોન ઉપર સટ્ટો લખાવાતો અને કાગળ-ચિઠ્ઠી પર બધો વ્યવહાર થતો. હવે તો બુકીઓ પણ મોડર્ન થઈ ગયા છે અને પંટરોને સીધી સટ્ટાની એપ્લિકેશન જ ઈન્સ્ટોલ કરાવી દે છે. બીજી તરફ આ એપની સાથે પંટરોના બેંક એકાઉન્ટને ડાયરેક્ટ લિંક કરી દેવાય છે એટલે પેમેન્ટ ઓનલાઈન જ થઈ જાય છે. જ્યારે મોટી હારજીત થાય તો પેમેન્ટ હવાલાથી કે આંગડિયાથી કે કેશથી કરાય છે.
જાણો બુકીના મોઢે ચૂંટણી પરના સટ્ટાની સિસ્ટમ
આગામી ચૂંટણીમાં ગુજરાતમાં શું પરિણામ આવશે તેના અંદાજાના આધારે સટ્ટાબેટિંગ થાય છે. આ આખી સિસ્ટમ જાણવા દિવ્ય ભાસ્કરે જાણીતા બુકી સંજુ (નામ બદલ્યું છે) સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં સંજુએ આગામી ચૂંટણીમાં કઈ રીતે ભાવ ખુલ્યા છે, ક્યારથી ખુલ્યા છે, કોની કેટલી સીટનું પ્રિડિક્શન છે અને તે પ્રિડિક્શનના આધારે કઈ રીતે સટ્ટો રમાય છે, લેવાય છે તેની આખી સિસ્ટમ સમજાવી હતી. તો ચાલો બુકી સાથેની વાતચીતના આધારે જ આપણે સમજીએ કે ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી સીટનું બુકીબજારનું પ્રિડિક્શન છે.
DB: ગુજરાતમાં ઈલેક્શનનો માહોલ છે તો ઈલેક્શન ટાણે સટ્ટો રમાય છે કે નહીં?
સંજુ (બુકી): ગુજરાતમાં બેઝિકલી દરેક વસ્તુ પર સટ્ટો રમાતો હોય છે. ઈલેક્શન તો બહુ મોટી વાત છે. ગુજરાતમાં તો વરસાદ પડશે કે નહીં તેની ઉપર પણ સટ્ટો રમાતો હોય છે. આ ઉપરાંત ક્રિકેટ હોય કે બીજી કોઈ મોટી રમત તેની ઉપર પણ ભરપૂર સટ્ટો રમાય છે. એવું કોઈ પ્રિડિક્શન બાકી નહીં હોય જેના પર ગુજરાતમાં સટ્ટો રમાતો ન હોય.
DB: ગુજરાતની ચૂંટણી પર બુકીઓ કઈ પાર્ટી પર સટ્ટો લગાવે છે?
સંજુ (બુકી): ગુજરાતમાં તો હરહંમેશથી ભારતીય જનતા પાર્ટી જ ફેવરિટ રહી છે. હાલના તબક્કે બુકીઓએ ભાજપની 134-136 સીટ આવશે તેવું અનુમાન લગાવેલું છે. કોંગ્રેસને આ ચૂંટણીમાં 21-23 સીટ આવી શકે છે અને આમ આદમી પાર્ટીને 10થી 12 સીટ આવી શકે છે તેવું બુકીઓનું અનુમાન છે.
DB: ઈલેક્શન પરનો સટ્ટો આપણે ત્યાં ક્યારથી રમાઈ રહ્યો છે?
સંજુ (બુકી): ઈલેક્શન પરનો સટ્ટો તો પહેલાં જ્યારે એપ્લિકેશન નહોતી ત્યારનો રમાઈ રહ્યો છે. પહેલાં મેન્યુઅલી કામ થતું હતું ત્યારે પણ સટ્ટો રમાઈ રહ્યો હતો. પરંતુ હવે બુકીઓ મોડર્ન થઈ ગયા છે તેમ તેમ બુકીઓએ પણ બધું ઓનલાઈન કરી દીધું છે. આનાથી સટ્ટો બહુ સરળતાથી રમાતો થઈ ગયો છે. હવે તો સ્માર્ટફોન ધરાવનારી કોઈ પણ વ્યક્તિ એપથ્રુ સટ્ટો રમી શકે છે.
DB: સટ્ટાબજારમાં 4થી 5 મહિનાથી સટ્ટો રમાઈ રહ્યો છે તો પેમેન્ટ કઈ રીતે થાય છે?
સંજુ (બુકી): પેમેન્ટની ટર્મ્સ એન્ડ કન્ડિશન એકસરખી જ હોય છે. પંટરની માર્કેટમાં કઈ રીતે ક્રેડિટ હોય છે તે રીતે ક્રેડિટ અપાય છે. બુકી સાથે પંટરના રિલેશન સારા હોય તો રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા પછી પણ પેમેન્ટ કરવાની સુવિધા મળે છે. અથવા તો માર્કેટમાં નવા છો તો પહેલાં એડવાન્સ ડિપોઝિટ જમા કરાવવી પડે છે. તે પછી જ બુકી તમને પેમેન્ટ લેવાનું નીકળતું હોય તો બુકી તમને પેમેન્ટ કરી આપે છે.
DB: ચૂંટણીના રિઝલ્ટમાં 4થી 5 મહિનાનો ગાળો હોય તો તેના માટે વેઈટ કરવું પડે?
સંજુ (બુકી): હા. વેઈટ કરવું જ પડે તમારે. કોઈ પણ સટ્ટો આખરે રિઝલ્ટ પર જ રમાતો હોય છે. રિઝલ્ટના આધારે જ પંટર બુકીને પેમેન્ટ કરશે કે બુકીએ પંટરને પેમેન્ટ કરવાનું છે તે નક્કી થતું હોય છે. ઈલેક્શનમાં પણ આવું જ છે. રિઝલ્ટમાં કઈ પાર્ટીને કેટલી સીટ મળી છે તેના રિઝલ્ટ પર જ દાવ લાગે છે. આ માટે રિઝલ્ટ સુધી તો વેઈટ કરવું જ પડે.
DB: સટ્ટાબજારમાં ગુજરાત અને હિમાચલની ચૂંટણી પર કઈ રીતે સટ્ટો રમાઈ રહ્યો છે?
સંજુ (બુકી): બુકીઓના મતે જ્યારે માર્કેટ ચાલતું હોય ત્યારે બુકીઓ પાસે ઘણું નોલેજ હોય છે. ઈલેક્શન ડિક્લેર થાય તેના 3થી 4 મહિના પહેલાંથી જ સટ્ટો શરૂ થઈ જાય છે. બુકીઓને પહેલાંથી જ અંદાજો આવી જતો હોય છે કે આ વખતે માહોલ શું છે અને કઈ રીતે રિઝલ્ટ આવવાનાં છે.
DB: ચૂંટણીમાં સટ્ટો રમાય છે કઈ રીતે સીટ ઉપર કે સરકાર ઉપર?
સંજુ (બુકી): જે રીતે ક્રિકેટમાં સેશન ચાલતું હોય છે તે રીતે ઈલેક્શનમાં પણ ફક્ત અને ફક્ત સીટના સેશન પર જ સટ્ટો રમાતો હોય છે. તેમાં સરકાર કોની બનશે તેના પર કદી કોઈ સટ્ટો રમાતો નથી. અત્યારે જે રીતે સીટનું પ્રિડિક્શન છે તે મુજબ અત્યારે દાવ લેવાય છે. હવે કોઈ ઘટનાક્રમ બને અને પ્રિડિક્શન બદલાય તો તે મુજબ દાવ ખેલવાનું શરૂ થઈ જાય છે.
DB: અત્યારે સટ્ટાની જે રમત ચાલે છે તો તેમાં શું સર્વર ભારતમાં હોય છે કે વિદેશમાં?
સંજુ (બુકી): મૂળભૂત રીતે એપ્લિકેશન યુકેની લીગલાઈઝ બેટિંગ સાઈટ છે તેનાથી જ કનેક્ટેડ હોય છે. મોટાભાગનાં સર્વરો વિદેશમાં જ હોય છે. ઈન્ડિયામાં કોઈ બેટિંગ એપના સર્વર હોતાં નથી. મોટાભાગે તો જ્યાં લીગલાઈઝ બેટિંગ હોય ત્યાં જ સર્વર સેટ કરેલાં હોય છે.
DB: હાલમાં બેટિંગમાં પૈસાની લેતી-દેતી કઈ રીતે થાય છે હવાલો પડે છે?
સંજુ (બુકી): ક્રેડિટવાળી જે એપ્લિકેશન હોય છે તેમાં માર્કેટની અંદર પંટરની કેવી ક્રેડિટ છે તેની ઉપર તેને ક્રેડિટ આપવામાં આવે છે. તેમાં દર અઠવાડિયે હિસાબ થતો હોય છે. મોટાભાગે સોમવારથી સોમવારનો હિસાબ થતો હોય છે. પંટર પૈસા હારી ગયો હોય તો તે બુકીને પેમેન્ટ હવાલાથી અથવા તો આંગડિયાથી મોકલી આપતો હોય છે અથવા કેશ આપતો હોય છે.
DB: હાલના સમયમાં બુકીઓ કઈ રીતે સટ્ટો રમાડતા હોય છે?
સંજુ (બુકી): લોકોની જેમ બુકીઓ પણ મોડર્ન થઈ જાય છે. પહેલાં હતું કે લોકો રમીને બુકીને પૈસા નહોતા આપતા. હવે કન્સેપ્ટ બદલાઈ ગયો છે અને બુકીઓએ ટેક્નોલોજીનું ઈનોવેશન કર્યું છે કે તમે પહેલા પૈસા આપો અને તમે પૈસા આપો તેટલું જ તમે રમી શકો છો. આ પેમેન્ટ માટે તમારું બેંક એકાઉન્ટ એપમાં લિંક કરવામાં આવે છે. તે વ્હાઈટની એન્ટ્રી થઈ જતી હોય છે અને ટર્નઓવર વધી જાય તો ગેમ્બલિંગ એક્ટ મુજબ ટેક્સ કપાઈને જ પૈસા મળતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.