છેતરપિંડી:રાજસ્થાનના શિક્ષણ મંત્રીના OSD તરીકેની ઓળખ આપી પેપરલીક કેસની તપાસના બહાને બોગસ વ્યક્તિ અમદાવાદ પહોંચ્યો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • પ્રિન્ટિંગ પ્રેસના અધિકારીએ ઓળખ માંગતા આવેલો શખ્સ ભાગવા લાગ્યો, ઓફિસના માણસોએ પકડીને પોલીસ હવાલે કર્યો

અમદાવાદ શહેરના આંબલી ગામમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં એક યુવક રાજસ્થાન જિલ્લાના SOGના કહેવાથી રાજસ્થાનના શિક્ષણમંત્રી ગોવિંદસિંગના OSD તરીકે ઓળખ આપી પેપરલીક કેસની તપાસ કરવા આવ્યો હતો. પ્રેસના વહીવટી કર્મચારીએ યુવક પાસે આઈડી માંગતા તે ભાગ્યો હતો. જેનો પીછો કરી પ્રેસના કર્મચારીઓએ યુવકને ઝડપી લીધો હતો. યુવકની પૂછપરછમાં ખોટી ઓળખ આપી આવ્યો હોવાનું બહાર આવતા સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સેટેલાઈટમાં વૈભવ ટાવર ખાતે રહેતા ગૌરવભાઈ ત્રિવેદી આંબલી ગામમાં પ્રજાપતિ વાસમાં આવેલા કિન્નર મહેતાના સૂર્યા ઓફસેટ પ્રેસમાં વહીવટી અધિકારી તરીકે છેલ્લા 18 વર્ષથી નોકરી કરે છે. મંગળવારે ગૌરવભાઈને એમ.એમ.શર્મા નામના વ્યક્તિએ ફોન કરી રાજસ્થાન સરકારનું પ્રિન્ટિંગ કામ હોવાથી તમને મળવુ છે તેમ જણાવ્યું હતું. આથી ગૌરવભાઈએ ફોન કરીને આવજો તેવો જવાબ આપ્યો હતો. બીજા દિવસે શર્માએ વ્હોટસએપ મેસેજ કરી સવાલ કર્યો તમે હોટલ પર મળવા આવશો તો ગૌરવભાઈએ ના પાડી હતી.

આરોપીએ પોતે રાજસ્થાન SOG જયપુરના કહેવાથી આવ્યાનું જણાવ્યું હતું
ગુરુવારે સવારે શર્માએ ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો બાદમાં અને 9:05 વાગ્યે વ્હોટસએપ કોલ કર્યો હતો. જોકે વાત થઈ ન હતી. આથી ગૌરવભાઈએ સામેથી કોલ કર્યો હતો. બપોરે 12 વાગ્યે શર્મા ગૌરવભાઈની ઓફિસ પહોંચ્યો અને પોતાની ઓળખ રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદસિંગના ઓફિસર ઓન સ્પેશિયલ ડયુટી તરીકે આપી અને પોતે રાજસ્થાન SOG જયપુરના કહેવાથી આવ્યાનું જણાવ્યું હતું. રાજસ્થાન જયપુરમાં કોચિંગ કલાસ ચલાવતા બલવીર પાસેથી જાણવા મળ્યું કે, તમારા ત્યાંથી પેપરલીક થાય છે, તેની તપાસ કરવાની છે.

પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી
ગૌરવભાઈએ શર્મા પાસે તેનું ID માગ્યું હતું. તમે આઈ.ડી.પ્રૂફ આપો તો જ અમે માહિતી આપીશું તેમ ગૌરવભાઈએ જણાવતા શર્મા ઉભો થઈને ચાલવા લાગ્યો હતો. ગૌરવભાઈએ શંકા જતા તેણે ઉભા રહેવા જણાવ્યું પણ શર્મા ભાગ્યો હતો. ઓફિસના માણસો અને સ્થાનિક લોકોએ તેણે ઝડપી લીધો હતો. શર્માનું કાર્ડ જોતા તેનું નામ મુકેશ મહેશ શર્મા (ઉ.વ.35 રહે, શ્રી કૃષ્ણ સોસાયટી આંબલી, દાદરાનગર હવેલી મૂળ-જયપુર રાજસ્થાન) હતું. મુકેશ શર્મા પાસે ગૌરવભાઈનો મોબાઈલ નંબર અમદાવાદમાં રહેતાં મનોજ ખત્રી પાસેથી આવ્યો હતો. બાદમાં આરોપીને સરખેજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે ગૌરવ ત્રિવેદીની ફરિયાદ આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...