કોરોનામાં કાળની આફત મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલ તમામ વ્યાવસાયિકો માટે અવસર બની વરસી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં હાટડીની જેમ બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે. જનતાને લૂંટનારા અને જનઆરોગ્ય સાથે ચેડાં કરનાર આ તત્વોની બેદરકારીએ અનેક નાગરિકોના જીવ જોખમમાં મુક્યા હશે. વિરમગામમાં વાસવા ચોકડી પાસેથી પૈસા માટે ગેરકાયદેસર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપાયો છે. પૈસા માટે લોકોના જીવ જોખમમાં મૂકનારા આ બોગસ ડોક્ટરનો અમદાવાદ ગ્રામ્યની એસ.ઓ.જીની ટીમે પર્દાફાશ કર્યો હતો. આરોપી ડોક્ટર પાસેથી જુદી જુદી કંપનીની એલોપેથિક દવાઓ તથા મેડિકલના સાધનો મળીને કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી તેની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે.
વિરમગામમાંથી નકલી ડોક્ટર પકડાયો
વિગતો મુજબ, એસ.ઓ.જી શાખાના હેડ કોન્સ્ટેબલ તેજદિપસિંહ વિરમદેવસિંહને બોગસ ડોક્ટરની બાતમી મળી હતી. જેના આધારે વાસવા ચોકડી એસ્સાર પેટ્રોલપંપની બાજુમાં આવેલ કોમ્પલેક્ષમાં દુકાન ભાડેથી રાખી તેમાં પીહુ ક્લીનીક નામથી ગેરકાયદેસર રીતે દવાખાનુ રાખી એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર તબીબી પ્રેક્ટીસ કરી ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપતા ઇસમ રાજેશકુમાર પરમારને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી પાસેથી જુદી-જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડીકલના સાધનો મળીને કુલ 1,16,553નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. હાલમાં આરોપી વિરૂધ્ધ ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસ એક્ટ 1963ની કલમ 30 મુજબ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
વડોદરામાં 10 દિવસમાં 4 નકલી તબીબ પકડાયા
નોંધનીય છે કે કોરોનાની મહામારી દરમિયાન છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં બોગસ ડોક્ટરોનો પર્દાફાશ થઈ રહ્યો છે. નજીવી ફી લઈને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા આવા બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરાઈ રહી છે. અઠવાડિયા પહેલા જ વડોદરા ગ્રામ્ય SOGએ ડભોઇમાં ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા બે તબીબોને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક બોગસ તબીબને ઇટોલામાંથી ઝડપી પાડ્યો હતો, જેમાં એક બોગસ તબીબે માત્ર ધો-10 સુધીનો અભ્યાસ કરેલો હતો. જ્યારે બીજા બોગસ તબીબે ધો-12 સુધીનો અભ્યાસ કર્યો હતો. જ્યારે થોડા દિવસો પહેલા નંદેસરી GIDCમાં છેલ્લા 20 વર્ષથી વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતો ડોક્ટર ઝડપાયો હતો. આમ વડોદરા જિલ્લામાં બે દિવસમાં 4 બોગસ તબીબ ઝડપાતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો હતો.
આણંદમાં 7 નકલી તબીબોનો પર્દાફાશ
આણંદ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ બોગસ ડોક્ટરની શોધમાં કામે લાગેલ જેમાં જિલ્લામાંથી સાત મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા હતા. ડોક્ટરના પ્રિસ્પ્રીક્શન વિના આપી ન શકાય તેવી અનેક દવાઓ આ ઝોલછાપ તત્વોએ દર્દીઓને આપતા હતા. મહત્વનું છે કે, ઝડપાયેલા બોગસ ડોક્ટરોમાં કોઈક પાસે ડીગ્રી જ નઈ તો કોઈક 12 પાસ તો કોઈક બીએ થયેલો છે. જ્યારે અન્ય એક તો આઠ પાસ જ હોવાનું સામે આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.