પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત:ચેકપોસ્ટથી માંડી વાહન ફિટનેસ માટે 350 ઇન્સ્પેક્ટરને બોડીવોર્ન કેમેરા

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની તમામ RTOના પાયલોટ પ્રોજેક્ટની સુભાષબ્રિજથી શરૂઆત
  • સતત 8 કલાક કેમેરા લગાડી રાખવા સામે એસોસિએશનની ફરિયાદ

વાહન ચેકપોસ્ટથી લઇ ફીટનેસમાં ટ્રાન્સફરન્સી જાળવવા સમગ્ર રાજ્યની આરટીઓ કચેરીમાં ઇન્સ્પેકટરોને વિડીયો અને રેકોર્ડિંગ સિસ્ટમ સાથેના 350 બોડી વોર્ન કેમેરા આપી દેવામાં આવ્યા છે. પરંતુ હાલ માત્ર સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં પાયલોટ પ્રોજેકટના ભાગરૂપે 15 ઇન્સ્પેકટરોને કેમેરા લગાવવા આદેશ કરાયો છે. આદેશના પગલે ઇન્સ્પેકટરો પોતાના છાતીના ભાગે કેમેરા લગાવીને ફરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં 350 કેમેરા ફાળવવામાં આવ્યા છે.

આ પ્રોજેકટને લઇને ઇન્સ્પેકટર એસોસીએશનના અગ્રણીઓએ રોષ ઠાલવતા કહ્યું કે, ચેકીંગમાં અથવા કામગીરી દરમિયાન કેમેરા આવકાર્ય છે. પરંતુ સતત આઠ કલાક કેમેરા લગાવી રાખવાથી પ્રાઇવસી નહીં રહે. પારિવારિક સહિત અંગત ફોનનું સતત રેકોર્ડિંગ પણ થશે. ઘરેથી ચેકિંગમાં જતા પહેલા ઓફિસથી કેમેરા લઇને જવાનું અને ત્યારબાદ ઓફિસ જમા કરવાની મગજમારી પણ રહેશે. દર બે કલાકે કેમેરા સામે હાજરી પુરાવાના નિયમથી બિનજરૂરી પરેશાની ઊભી થશે.

મેમરી કાર્ડમાંથી ડેટા ટ્રાન્સફરની જવાબદારી ક્લાર્કની

બોડી વોર્ન કેમેરામાં 64 જીબીનું મેમરી કાર્ડ છે. ઇન્સ્પેકટરોની નોકરીના આઠ કલાક પછી ઓફીસમાં કેમેરો જમા થયા પછી મેમરી કાર્ડમાં રહેલા ડેટા ટ્રાન્સફર, સ્ટોરેજ કરવા સહિત બેકઅપની જવાબદારી કલાર્કની રહેશે. એટલું જ નહીં, કેમેરા ચાર્જિંગ કરવાની, રજિસ્ટ્રેશન, ટેકનીકલ રિપેરીંગથી લઇ તમામ જવાબદારી પણ કલાર્કની જ નક્કી કરાઇ છે. કલાર્ક તરફથી ડેટા ટ્રાન્સફર કરાયા બાદ સબંધિત લીંગ પરથી તમામ ઉચ્ચઅધિકારીઓ પોતાના મોબાઇલ અથવા કોમ્પ્યુટરમાં રેકોર્ડીંગ જોઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...