ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે અને રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે આ પરીક્ષા રદ કરવા માટે વાલી મંડળ દ્વારા આવતી કાલે હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા CBSE બોર્ડની પરીક્ષા રદ કરી છે તેમાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રિપીટરોને પણ માસ પ્રમોશન આપવું જોઈએ
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12ના 5 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ છે. રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે છે તો રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવું જોઈએ. રિપીટર વિદ્યાર્થીઓમાંથી અનેક વિદ્યાર્થી 2-5 માર્કસ માટે પણ નાપાસ થયા છે. વિદ્યાર્થીઓને અભ્યાસ પણ કર્યો હતો. CBSE બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે છે તો ગુજરાત બોર્ડે પણ આપવું જોઈએ. જેથી અમે હવે રિપીટર વિદ્યાર્થીઓ માટે જ હાઇકોર્ટના શરણે જઈશું.
ફી મામલે પણ હાઇકોર્ટમાં PIL દાખલ કરશે
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 25 ટકા ફી કરવામાં આવી હતી. જે આ વર્ષે પણ અમલમાં રાખ્યું છે અને 25 ટકા ફી માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ઓનલાઇન સ્કૂલ હોવાને કારણે સ્કૂલોની થતાં ખર્ચા હમણાં બંધ થયા છે.50 ટકા ફી માં શિક્ષકોનો પગાર અને અન્ય જરૂરી ખર્ચા સ્કૂલોમાં નીકળી જાય તેમ છે. ત્યારે 75 ટકા ફી કહેવી યોગ્ય નથી માટે 50 ટકા ફી માફ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. હજુ કોઈ નિર્ણય લેવાયો નથી જેથી સોમવારે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા 50 ટકા ફી માફી માટે હાઇકોર્ટમાં PIL કરવામાં આવશે.
FRCની સબ ઝોનલ ઓફિસ અમદાવાદમાં શરૂ કરવા માંગ
વર્ષ 2017માં FRCની રચના થઈ તે બાદ FRC મુજબ ફી નક્કી થતી હતી. અગાઉ FRCની ઓફીસ અમદાવાદ ખાતે રાખવામાં આવી હતી. જે 2 વર્ષ બાદ ગાંધીનગર ખાતે ખસેડવામાં આવી હતી. જેથી અમદાવાદમાં કોઈ ઓફિસ નથી માટે અમદાવાદમાં પણ FRCની ઓફીસ કરવામાં આવે જેથી વાલીઓને ફરિયાદ કે રજૂઆત કરવા રૂબરૂ એવું શકે. તેવી માંગણી વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે.ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે, રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. ગુજરાતમાં 2017થી FRC ગઠન કરવામાં આવ્યું છે. અમદાવાદ ઝોનની ઓફિસ ગોતા ખાતે શરૂ કરવામાં આવી હતી. જે 2 વર્ષ બાદ ગાંધીનગર ખસેડવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.