તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:અમદાવાદમાં બીજી લહેરમાં 50થી વધુ શિક્ષકો કોરોનામાં સપડાયા, કોવિડ ડ્યુટીમાંથી મુક્તિ આપવા શિક્ષક યુનિયનની માગણી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના ડ્યુટી દરમિયાન શહેરમાં મ્યુનિ. બોર્ડના 50થી વધુ શિક્ષકો કોરોના સંક્રમિત થયા.
  • શિક્ષકોને વેક્સિન સેન્ટર, હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક, ટેસ્ટિંગ કેન્દ્ર તથા સર્વે સહિતની કામગીરી સોંપાઈ છે.

કોરોનાની બીજી લહેરમાં અલગ અલગ ક્ષેત્રના અનેક લોકો ઝપટમાં આવ્યા છે. ત્યારે કોવિડ ડ્યુટી કરી રહેલ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેથી હવે મ્યુનિસિપલ શિક્ષક યુનિયન દ્વારા કોવિડ ડ્યુટીમાંથી મુક્તિ આપવાની માંગણી કરી છે અને અન્ય સ્ટાફને ડ્યુટી સોંપવામાં આવે તેવી રજૂઆત કરી છે.

અમદાવાદમાં 50થી વધુ શિક્ષકો કોરોના સંક્રમિત
કોરોનાની બીજી લહેરમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકોને કોરોનામાં અલગ અલગ ડ્યુટી આપવામાં આવી હતી. જેમાં વેક્સિન સેન્ટર, હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક, ટેસ્ટિંગ કેન્દ્ર, સર્વે સહિતની અલગ અલગ કામગીરી સોંપવામાં આવી હતી. જે કામગીરી દરમિયાન 50થી વધુ શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાથી 2 શિક્ષકની હાલત અત્યારે ગંભીર છે જેથી શિક્ષકોને હાલ કોવિડ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવે અને અન્ય સ્ટાફને ડ્યુટી સોંપવામાં આવે તેવી માંગણી શિક્ષક યુનિયન દ્વારા કરવામાં આવી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

શિક્ષકોએ કોરોના ડ્યુટીમાંથી મુક્તિની માગણી કરી
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના યુનિયનના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, કોરોના શરૂ થયો ત્યારથી શિક્ષકો કોરોનામાં ડ્યુટી કરી રહ્યા છે અને હાલમાં બીજી લહેરમાં પણ અનેક શિક્ષકો ડ્યુટી કરી રહ્યા છે. પરંતુ હવે શિક્ષકો પણ પોઝિટિવ આવ્યા છે. સતત એક મહિનો ડ્યુટી કરીને શિક્ષકોના પરિવાર પણ હવે સંક્રમિત થવાની સંભાવના છે માટે હવે શિક્ષકોને ડ્યુટીમાં મુક્તિ આપીને બીજા સ્ટાફને કોવિડમાં ડ્યુટી આપવી.

અમદાવાદમાં કોરોનાના કેસમાં બે દિવસથી ઘટાડો
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસની વાત કરીએ તો ગઈકાલે સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4,671 નવા કેસ સામે આવ્યા હતા અને 3,952 દર્દી સાજા થયા છે. તે અગાઉ સતત દસ દિવસ 5 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે શહેરમાં 22ના મોત થયા છે. 2 મેની સાંજથી 3 મેની સાંજ સુધીમાં શહેરમાં 4616 અને જિલ્લામાં 55 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 3924 અને જિલ્લામાં 28 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 25ના અને જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 180,682 થયો છે. જ્યારે 109,259 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2,993 થયો છે.