પરિણામની આતૂરતા:ધો.12 બોર્ડનું પરિણામ આગામી અઠવાડિયે જાહેર કરાશે, સ્કૂલ દ્વારા ઓનલાઈન રિઝલ્ટ જોઈ વિદ્યાર્થીઓને પ્રિન્ટ અપાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • અમદાવાદની 550 સ્કુલોએ ધોરણ 12નું પરિણામ તૈયાર કરીને બોર્ડની વેબસાઈટ પર મુક્યું છે
  • હાલમાં બોર્ડ દ્વારા તમામ પરિણામની ચકાસણી ચાલી રહી છે

અમદાવાદમાં ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે ધોરણ 10નું પરિણામ તો શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે, જયારે ધોરણ 12ના પરિણામની વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આવતા અઠવાડિયે ધોરણ 12નું પરિણામ જાહેર થશે. સ્કુલ દ્વારા ઓનલાઈન પરિણામ જોઈ શકાશે અને વિદ્યાર્થીઓને પરિણામ આપવામાં આવશે.

ધો.10ના પરિણામ બાદ ધો.12ના વિદ્યાર્થીઓ આતુર
ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ ધોરણ 12ના પરિણામની રાહ જોવાઈ રહી છે. ધોરણ 10ની જેમ જ ધોરણ 12માં પણ અગાઉના વર્ષના પરિણામની ગણતરી કરીને ધોરણ 12નું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. 50 ટકા ગુણ ધોરણ 10ના, 25 ટકા ગુણ ધોરણ 11ના અને 25 ટકા ગુણ ધોરણ 12ની સામાયિક કસોટીના. એ રીતે ધોરણ 12નું પરિણામ સ્કુલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સ્કુલ દ્વારા તૈયાર કરાયેલ પરિણામ બોર્ડની વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવ્યું છે.

સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટ કાઢી અપાશે
સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટ કાઢી અપાશે

સ્કુલ ઓનલાઈન પરિણામ જોઈને પ્રિન્ટ આપશે
શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, અમદાવાદની 550 સ્કુલોએ ધોરણ 12નું પરિણામ તૈયાર કરીને બોર્ડની વેબસાઈટ પર મુક્યું છે. બોર્ડ દ્વારા હાલમાં તમામ ચકાસણી ચાલી રહી છે. બોર્ડ દ્વારા ધોરણ 12નું ફાઈનલ પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પરિણામ તૈયાર થયા બાદ આવતા અઠવાડિયામાં ધોરણ 12નું પરિણામ પણ સતાવાર રીતે જાહેર કરવામાં આવશે. ધોરણ 12માં સ્કુલ ઓનલાઈન પરિણામ જોઈ શકશે અને વિદ્યાર્થીઓને પ્રિન્ટ આપશે.

આ રીતે બનશે ધોરણ 12ની માર્કશીટ
ધોરણ 12ની માર્કશીટ કેવી રીતે બનશે તે અંગે શિક્ષણવિદ અને GST એક્સપર્ટ ડો.જયેશ મોદીએ DivyaBhaskarને જણાવ્યું હતું કે, કોઈ વિદ્યાર્થીને ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના 70માંથી 49 માર્ક આવ્યા હોય તો ધોરણ-12ની માર્કશીટમાં ગુણભાર મુજબ તેને 50માંથી 35 માર્ક મળે. તેમજ કોઈ વિદ્યાર્થીને ધોરણ-11ની પ્રથમ કસોટીમાં 50 માર્ક્સમાંથી 38 માર્ક આવ્યા હોય અને બીજી કસોટીમાં 50માંથી 42 આવ્યા હોય તો આમ કુલ 100માંથી 80 મેળવેલ માર્ક થાય. જેની સરેરાશ કરતા 40 માર્ક થાય અને જેના 50 ટકા કરીએ તો 12માંની માર્કશીટમાં 25માંથી 20 માર્ક લખાશે. તેમજ કોઈ વિદ્યાર્થીને ધોરણ 12ના જે તે વિષયની પ્રથમ સામાયિક કસોટીમાં 100 માર્કમાંથી 80 માર્ક આવ્યા હોય અને વર્ષ દરમિયાનની એકમ કસોટીમાં 25માંથી 20 માર્ક આવ્યા હોય તો 125માંથી 100 માર્ક મેળવેલ ગણાય જેના 20 ટકા કરતા 20 માર્ક થાય. જે 25 માર્કમાંથી મેળવેલા ગણાશે. આમ એકંદરે જોવા જઈએ તો 50માંથી 35, 25માંથી 20 અને 25માંથી 20 આમ કુલ 100માંથી 75 માર્ક થાય.