ધો.12નું પરિણામ તૈયાર કરતા સમયે સ્કૂલોએ ધો.10ના કયા વિષયોના ગુણને ધ્યાને લેવા તે અંગેની ગાઇડલાઇન બોર્ડે જાહેર કરી છે. જે પ્રમાણે ધો.12ના ગ્રૂપ-એના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ તૈયાર કરતી વખતે ધો.10માં ગણિતમાં મેળવેલા માર્ક જ્યારે ગ્રૂપ-બીનું પરિણામ તૈયાર કરતી વખતે વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં મેળવેલા માર્કને ધ્યાનમાં લેવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહ, સામન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં જૂથ પ્રમાણે વિષયની માહિતી જાહેર કરી છે.
ધો.12ના પરિણામમાં ધો.10ના વિવિધ વિષયોના 50 ગુણને ગણતરીમાં લેવા જણાવ્યું છે. જેથી વિદ્યાર્થીઓ માટે ધો.10નું પરિણામ મહત્વનું બને છે. પરંતુ હાલમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં જે વિષયો ધો.10માં ન હતા તે માટે ક્યાં વિષયોને ધ્યાને લેવાય તે અંગેની સ્પષ્ટતા બોર્ડે કરી છે.
બોર્ડે વિદ્યાર્થીઓની સરળતા માટે માધ્યમ પ્રમાણેના વિષયો અને તેની સાથે ધો.10ના કયા વિષયને જોડવામાં આવશે તેની સંપૂર્ણ યાદી આ સાથે જાહેર કરી છે. જેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના 20 વિષયો, સામાન્ય પ્રવાહના 29 વિષયો ધો.10ના કયા વિષયોને આધાર તરીકે લેવા તેની સંપૂર્ણ સ્પષ્ટતા પરિપત્રમાં કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની પરિસ્થિતિને કારણે રાજ્ય સરકારે ધોરણ 10 ઉપરાંત ધોરણ 12માં પણ માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. હવે માત્ર રીપિટર વિદ્યાર્થીઓને પરીક્ષા જુલાઈમાં લેવાશે.
કેમિસ્ટ્રી-ફિઝિક્સ માટે ધો.10ના ગણિત અને વિજ્ઞાનના માર્ક ગણતરીમાં લેવાશે
પ્રેક્ટિકલના માર્ક માટે આ ફોર્મ્યુલા
ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાના ગુણમાં વિદ્યાર્થીએ ધો.11 અને 12ના વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિ ધ્યાને લેવાશે. બોર્ડના પરિપત્ર પ્રમાણે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષાના ગુણ માટે વિદ્યાર્થીએ ધો.11 અને 12માં વર્ષ દરમિયાન કરેલી પ્રાયોગિક પ્રવૃત્તિને આધારે ગુણ આપવાના રહેશે.
અંગ્રેજીના માર્ક વિદ્યાર્થીએ ધો.10માં મેળવેલા ઈંગ્લિશના માર્ક મુજબ મુકાશે
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી (પ્રથમ ભાષા) અને અંગ્રેજી દ્વિતીય ભાષાના ગુણ માટે ધો.10માં વિદ્યાર્થીએ અંગ્રેજી (પ્રથમ ભાષા) અને અંગ્રેજી (દ્વિતીય ભાષા)ના ગુણને ગણતરીમાં લેવાશે. ઉપરાંત કોઇ એક દ્વિતીય ભાષા અથવા કમ્પ્યૂટર વિષયના ગુણ માટે ધો.10મા વિદ્યાર્થીએ પસંદ કરેલ દ્વિતિય ભાષા અથવા તૃતિય ભાષામાં મેળવેલા ગુણને ગણતરીમાં લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.