રક્તદાન:અમદાવાદમાં કોરોનાને કારણે બ્લડ ડોનેશન 44 ટકા ઘટ્યું, લોહીની અછત સર્જાતા બ્લડ બેંક હવે 2-3 ડોનરો માટે પણ બસ મોકલશે

અમદાવાદએક વર્ષ પહેલા
બ્લડ ડોનેટ કરતા વ્યક્તિની ફાઈલ તસવીર
  • પાછલા વર્ષે રેડ ક્રોસ બ્લડ બેંકમાં 27,729 યુનિટ બ્લડની ઘટ પડી
  • થેલેસેમિયાના દર્દીઓ માટે દરવર્ષે 8000 બ્લડ યુનિટની જરૂર
  • રેડ ક્રોસ 2-3 ડોનર માટે બસની અને પ્લાઝમા ડોનર માટે કારની વ્યવસ્થા કરશે

ગત વર્ષે કોરોના શરૂ થયો ત્યારે શહેરમાં રક્તની અછત વર્તાઇ હતી. ત્યારે ગત વર્ષની જેમ હાલમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થતાં રક્તદાનમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેને પગલે રક્તની અછતને પહોંચી વળવા માટે રેડક્રોસ સોસાયટી દ્વારા 24 કલાક બ્લડ કલેક્શનની સુવિધા સાથે એક રક્તદાતા માટે ઘરે અને બેથી ચાર રકતદાતા માટે ઓફિસે મોબાઇલવાન મોકલવાની સુવિધા આપવાનું નક્કી કર્યું છે. રેડક્રોસ સોસાયટીના ડાયરેક્ટર ડો.વિશ્વાસ અમીન જણાવે છે કે, કોરોનાને કારણે શહેરમાં છેલ્લાં બે માસમાં રક્તદાનના પ્રમાણમાં 50 ટકા અને એક વર્ષનાં પ્રમાણમાં 44 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેથી રક્તની અછતને પહોંચી વળવા માટે, જો કોઇ વ્યકિત રક્તદાન કરવા તૈયાર હશે તો તેના ઘરે કે ઓફિસે મોબાઇલવાન મોકલવાની સુવિધા આપવાનું નક્કી કર્યું છે.

રેડ ક્રોસમાં 27,729 યુનિટ બ્લડની ઘટ
શહેરમાં આવેલ જાણીતી બ્લડ બેંક રેડ ક્રોસમાં 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2020 સુધી 63,127 યુનિટ બ્લડ ડોનેશન દ્વારા આવ્યું હતું. જ્યારે 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2021 સુધીમાં 35,398 યુનિટ બ્લડ ડોનેશન દ્વારા આવ્યું હતું. એટલે કે ગત વર્ષે માર્ચ મહિનાથી કોરોના શરૂ થતાં તેની અસર બ્લડ ડોનેશન પર પડી છે. 44 ટકા એટલે કે 27,729 યુનિટ બ્લડની ઘટ પડી છે. બ્લડની ઘટ પડતા અન્ય રોગના દર્દીઓને પર પણ અસર થઈ છે.

રેડ ક્રોસ બ્લડ બેંકની તસવીર
રેડ ક્રોસ બ્લડ બેંકની તસવીર

આ સુવિધા આપશે

  • 24 કલાક બ્લડ કલેક્શનની સુવિધા
  • એક જ રક્તદાતા માટે પણ બ્લડ કલેક્શનવાન તેમના ઘરે જઇને રક્ત એકત્ર કરશે.
  • ઓફિસ, સોસાયટી કે સંસ્થાના બે-ચાર રક્તદાતાઓ માટે બ્લડ કલેક્શનવાન મોકલાશે.
  • કોવિડ પ્લાઝમા ડોનરને પ્લાઝમા ડોનરકાર્ડ અપાશે.
  • 9 એપ્રિલથી રેડક્રોસ દ્વારા પ્લાઝમા ડોનર્સ ક્લબની શરૂઆત કરાશે
  • દરેક રક્તદાતાને સેનિટાઇઝરની એક બોટલ અપાશે

થેલેસેમિયાના દર્દીઓને વર્ષે 8000 યુનિટ બ્લડની જરૂર
બ્લડ બેંકમાં થેલેસેમિયાના 1075 દર્દીઓ વિના મૂલ્યે સારવાર મેળવી રહ્યા છે. તેમને 11 વર્ષથી બ્લડ બેંક તરફથી વિના મૂલ્યે બ્લડ મળી રહ્યું છે. પરંતુ ગત વર્ષે બ્લડ ડોનેશન ઓછું થતાં મહામુસીબતે થેલેસેમિયાના દર્દીઓને બ્લડ આપવામાં આવ્યું હતું. જો આ પ્રકારની જ સ્થિતિ રહી તો આવનાર સમયના થેલેસેમિયાના દર્દીઓને મળતા બ્લડ યુનિટ પર પણ અસર થશે. દર વર્ષે 8000 યુનિટથી વધુ બ્લડની જરૂર માત્ર થેલેસેમિયના દર્દીને પડે જે પૂરી કરવા અન્ય દર્દીઓને બ્લડ આપી શકાયું નથી. સર્જરી, કેન્સર અને કેટલાક ઓપરેશનમાં બ્લડની અછત સર્જાઈ હતી.

1000 પ્લાઝમા કોરોના દર્દીઓને અપાયા
કોરોનાના દર્દીઓને પ્લાઝમાની જરૂર હોય છે, તે પણ બ્લડ બેંક દ્વારા મળી રહે છે. અત્યાર સુધી રેડ ક્રોસ બ્લડ બેંકમાં 1000 પ્લાઝમા ડોનેશનમાં મેળવીને કોરોના પોઝિટિવ દર્દીઓને આપવામાં આવ્યા છે. ગત ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં માત્ર 15 યુનિટ જ પ્લાઝમા જરૂર પડતાં આપવામાં આવ્યું હતું. પરંતુ કેસ વધતા 15 માર્ચથી 1 એપ્રિલ સુધીમાં 140 યુનિટ પ્લાઝમાની જરૂર ઊભી થઈ હતી તે પૂરી પાડવામાં આવી છે.

બ્લડ કલેક્ટ કરવા 2-3 ડોનરો માટે પણ બસ મોકલાશે
બ્લડની ભારે અછત સર્જાતા બ્લડ બેંક દ્વારા નવી શરૂઆત કરવામાં આવી છે. રેડ ક્રોસ સોસાયટીના ડૉ.વિશ્વાસ અમીને જણાવ્યું હતું કે, હવે 2 -3 વ્યક્તિ બ્લડ ડોનેશન કરવા ઈચ્છતા હશે તો પણ બ્લડ બેંકની ગાડી જે તે જગ્યાએ જશે અને બ્લડ કલેક્શન કરશે. લોકોમાં હાલ બહાર નીકળવાનો ભય છે જેથી રેડ ક્રોસની બસ પણ હવે ડોનરના ઘર કે ઓફિસ સુધી જશે. જે વ્યક્તિ કોરોના પોઝિટિવ થઈને સાજા થયા હોય તેવા વ્યક્તિઓને પ્લાઝમા ડોનટ કરવા હોય તો તેવા વ્યક્તિને લેવા મૂકવા માટે પણ ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે.