અમદાવાદમાં એક પ્રેમીએ તેની જ પ્રેમિકાની માતાને રસ્તામાં રોકીને અડપલાં કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઉપરાંત પ્રેમીકાની માતાની સાડી ખેંચી છરી બતાવીને ધમકી આપી હતી. અગાઉ પણ આ પ્રેમીએ પ્રેમિકાના ભાઈ અને પિતા પર હુમલો કર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ પણ નોંધાઈ હતી. ત્યારે પ્રેમીકાની માતા સાથે અડપલા કર્યા હોવાનો બનાવ બનતા વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
અગાઉ પણ પ્રેમી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે
અમદાવાદના એક વિસ્તારમાં રહેતા 44 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની દીકરીને પરેશ (નામ બદલેલ છે) સાથે પ્રેમ સંબંધ હતો. જેથી બંને ભાગી ગયા હતા. ત્યારબાદ બંને વચ્ચે અણબનાવ બનતા તેઓ અલગ અલગ રહેવા લાગ્યા હતા. મહિલાની દીકરી અલગ અલગ પીજીમાં રહેતી હતી અને હવે તે રાજકોટમાં રહે છે. પરેશને આ અંગે કોઈ જાણકારી નથી. જેથી પરેશ મહિલાના પતિ અને દીકરા સાથે વારંવાર ઝગડા કર્યા કરતો હતો. તેમજ મારામારી કરી હોવાને કારણે પરેશ સામે એલસીબ્રિજ અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.
પતિ અને દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી
ત્યારે ગઈકાલે સવારે મહિલા તેમના પતિ સાથે કામ પર જતી હતી. તે દરમિયાન પરેશે તેમને રોડ વચ્ચે રોક્યા હતા. પરેશે બંનેને અગાઉના કેસ પાછા ખેંચવાનું કહ્યું હતું. પરેશ ગાળો બોલતા તેને ગાળો બોલવાની ના પડી તો પરેશ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. આ સાથે સાડી પણ ખેંચી હતી. આટલું જ નહીં પરેશે છરી બતાવી મહિલાને તેના પતિ અને દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
આ સમગ્ર મામલે મહિલાએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.