ભાજપની ચૂંટણીની તૈયારી:અમદાવાદમાં કેન્સવિલે ખાતે આજથી ભાજપની બે દિવસીય ચિંતન શિબિર, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - Divya Bhaskar
ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે ચિંતન શિબિર
  • ઉત્તરપ્રદેશમાં જેમ યોગી આદિત્યનાથ ચહેરો હતા તેમ ગુજરાતમાં માત્ર મોદીનું જ નેતૃત્વ રહેશે
  • કોંગ્રેસના બિનસાંપ્રદાયિક મુસદ્દા સામે ભાજપ ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ અપનાવશે
  • સરકારે વિવિધ સમાજના લોકો માટે કરેલાં કામ મતદાતા સુધી પહોંચે તે માટે કાર્યક્રમો કરાશે

ગુજરાત ભાજપની બે દિવસની ચિંતન શિબિરમાં ભાજપ તરફથી સોફ્ટ હિન્દુત્વ વિધાનસભાની ચૂંટણીમાં અપનાવવા અંગે એક સહમતિ સધાયાનું સૂત્રોએ જણાવ્યું છે. હજુ આગલા દિવસે ઉદયપુરમાં મળેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં કોંગ્રેસ બિનસાંપ્રદાયિકતા અપનાવી પાર્ટીના કોઈ મોટા નેતાને ધાર્મિક સ્થળની મુલાકાત નહીં કરાવે તેવો મુદ્દો બહાર આવતા ભાજપે હવે કોંગ્રેસની સામે તેનાથી બિલકુલ ઊલટો મુદ્દો એટલે કે સોફ્ટ હિન્દુત્વનો મુદ્દો અખત્યાર કરવાનું વલણ અપનાવ્યું છે.

હાલ સામાજિક સંગઠનોમાં ફૂટ પડી છે. ઉપરાંત ગઈ ચૂંટણીમાં કોંગ્રેસે ખેલેલા જ્ઞાતિવાદના કાર્ડને કારણે ભાજપને નુકસાન સહન કરવું પડ્યું હતું. આ વખતે પણ કોંગ્રેસ, આપ આ જ રીત અપનાવી શકે છે. તેની સામે ભાજપ કાશ્મીર અને રામ મંદિર જેવા સોફ્ટ હિન્દુત્વ જેવા મુદ્દે દરેક સમાજને સાથે રાખી શકે છે .

ગુજરાતમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિતના પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા આજથી બે દિવસ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા છે.

ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, 15 અને 16 મેના અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેન્સવિલે ખાતે ગુજરાત પ્રદેશની ચિંતન બેઠક યોજાશે. આ બેઠક ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. આ ચિંતન બેઠકમાં કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિત શાહ, ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહકોષાધ્યક્ષ સુધીર ગુપ્તાજી, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહેશે.

આ બેઠકમાં ગત સમય દરમિયાન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ કામની સમીક્ષા કરવામાં આવશે. તેમજ ગુજરાત વિઘાનસભાની ચૂંટણી અંગે મહત્વની ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શન અને ગુજરાતના નેતૃત્વ બેઠકમાં આગામી સમયમાં આવનાર પડકાર તેમજ આવનાર વિધાનનસભા બેઠકમાં ઐતિહાસિક વિજય મેળવવા ચર્ચા કરવામાં આવશે.

મોદી જ ચહેરો હશે
શિબિરમાં એક એવો મત તૈયાર થયો છે કે જે રીતે યુપીની ચૂંટણીમાં કેન્દ્ર, રાજ્ય સરકારના કામો લોકો સુધી પહોંચાડાયાં તે રીતે ગુજરાતમાં પણ સંગઠન લોકોને સુધી કામોની વિગતો આપશે. અલબત્ત યુપી ચૂંટણીમાં યોગી ચહેરો હતા જ્યારે ગુજરાતમાં માત્ર મોદી એક જ ચહેરો રહેશે.

હજુ ચૂંટણીના સમય અંગે કોઈ ચર્ચા નહીં
ગુજરાતમાં ચૂંટણી ક્યારે તે અંગે અટકળો ચાલી રહી છે, પરંતુ આ મુદ્દે આ બેઠકમાં કોઈ ખાસ ચર્ચા કરાઈ નથી તેવું સૂત્રો જણાવે છે. ભાજપે આ બેઠકમાં ચૂંટણી નિયત સમયે આવે તેવી ગણતરી સાથે જ બધાં આયોજન કર્યાં છે.

કોંગ્રેસ નેતાઓ બિનસાંપ્રદાયિકતાની થિયરીથી નાખુશ
બીજી તરફ કોંગ્રેસે તેની ચિંતન શિબિરમાં નેતાઓને ધાર્મિકસ્થળોથી દૂર રાખવા વાત કરી હતી, પરંતુ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સહમતી દર્શાવી નથી. તેમના મત મુજબ આ થિયરી ગુજરાતમાં નહિ ચાલે. ગઈ ચૂંટણીમાં રાહુલ ગાંધી 27 ધાર્મિક સ્થળે ગયા હતા અને કોંગ્રેસ 77 બેઠક જીતી હતી.

ભાજપમાં ભરતી મેળો જોર પકડશે
આ બેઠક પછી થોડા સમય બાદ ભાજપ ભરતી મેળો શરૂ કરશે, જેમાં કોંગ્રેસ, આપ સહિતના રાજકીય નેતાઓ તથા કાર્યકર્તાઓ ઉપરાંત જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોને ભાજપમાં આવકારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...