તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુપર એક્સક્લૂઝિવ:ભાજપના જ સિનિયર મંત્રીએ દિવ્ય ભાસ્કરને કહી રૂપાણીની ડેમેજ કંટ્રોલ કવાયતની અંદરની વાત, તેમનું એક જ રટણ- તમે હવે મંત્રી નથી અને રહેવાના પણ નથી

અમદાવાદ9 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
ભૂપેન્દ્ર યાદવ અને વિજય રૂપાણીની ફાઈલ તસવીર.
  • આ રીતે પૂર્વ CM કરે છે નારાજ મંત્રીઓનાં મનામણાં, ચૂડાસમા-સંતોષકુમાર-ભૂપેન્દ્ર યાદવ પણ રહ્યા હતા હાજર
  • "મંત્રીપદ રહેવા દો... પાર્ટી કહેશે એમ કરીશું, જ્ઞાતિવાદી સમીકરણ 2022માં નડશે. બધું કહ્યું છતાં તેઓ ના જ માન્યા"
  • નારાજ સિનિયર નેતાઓને પડતા મૂકવાનો તખતો મંગળવારે ઘડાયો, સામ-દામ-દંડની નીતિ

ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચનાને લઈને ભાજપમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આ કકળાટમાં જ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનો શપથગ્રહણ કાર્યક્રમ છેલ્લી ઘડીએ પડતો મૂકવો પડ્યો. આ સંજોગોમાં નારાજ મંત્રીઓને મનાવીને શાંતિપૂર્વક રાજીનામું આપી દેવા તેમને મનાવવાની જવાબદારી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જ અપાઈ છે. આ માટે મંગળવારે બપોરથી ગાંધીનગર સ્થિત રૂપાણીના બંગલે એક પછી એક મંત્રીઓને બોલાવી સામ-દામ-દંડની નીતિથી રાજીનામાં આપવાની કવાયત હાથ ધરાઈ રહી છે. આવા જ એક સિનિયર મંત્રીએ દિવ્ય ભાસ્કર સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં કઈ રીતે આ આખું ઓપરેશન પાર પડાય છે એની દાસ્તાન તેમના જ અનુભવો અને તેમના જ શબ્દોમાં વર્ણવી હતી. આ મંત્રીની અક્ષરસઃ વાતચીત આ મુજબ છે.

પહેલા સોફા પર બેસાડ્યા, પછી કહ્યું-'ખુરશી ખાલી કરી દો'
"ભાજપના નારાજ સિનિયર નેતાઓ મંગળવારે બપોરના સમયે રૂપાણી સાહેબના બંગલે પહોંચ્યા. બહારથી એક પછી એક બધાને વારાફરતી અંદર બોલાવવાના શરૂ કર્યા હતા. બંગલામાં મારા જેવા ઘણાને બહાર બેસાડવામાં આવ્યા હતા. બાદમાં બેઠક ચાલી રહી ત્યાં હું અંદર પહોંચ્યો તો સોફા પર રૂપાણી સાહેબ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સંતોષકુમાર અને ભૂપેન્દ્ર યાદવને બેઠેલા જોયા. બાદમાં તેમણે મને કહ્યું, બેસો, એટલે હું ત્યાં હું બેસી ગયો. તેઓ એક સૂરે બોલ્યા કે તમે મંત્રી નથી અને રહેવાના પણ નથી. મેં કહ્યું કે પાર્ટીનો જે આદેશ એ રીતે અમે મંત્રીપદ પર રહીને કામ કરીશું, પરંતુ ચારેય નેતાઓનો એક જ સૂર હતો અને મને કહ્યું, હવે તમે મંત્રીપદેથી રાજીનામું આપી દો, હવે તમે મંત્રી નથી રહ્યા અને રહેવાના પણ નથી."

બધા મંત્રીઓએ નારાજગી વ્યક્ત કરી તોપણ તે લોકો ના માન્યા
આ સિનિયર મંત્રીએ દિવ્ય ભાસ્કરને એમ પણ જણાવ્યું હતું કે નારાજ તમામ મારા જેવા સિનિયર મંત્રીઓને મંગળવારે બપોરના અઢી વાગ્યાના સમયે રૂપાણીના બંગલે બોલાવવામાં આવ્યા હતા, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે તમે હવે મંત્રી નથી અને રહેવાના પણ નથી. હું ત્યાં હતો ત્યારે મારી સાથે બીજા ચારેક મંત્રી પણ હતા. અમને ચારેયને એક પછી એક એમ અંદર બોલાવવામાં આવ્યા હતા. બધાએ આ અંગે નાની-મોટી નારાજગી વ્યક્ત કરી છે. રૂપાણી સાહેબના બંગલે જ બોલાવવામાં આવ્યા અને પછી એક પછી એક મોટા ભાગના નારાજ મંત્રીઓને પહેલા તો સમજાવવામાં આવ્યા. બીમારીને કારણે મંત્રીપદ ન આપવામાં આવે તો સમજ્યા પણ જે સિનિયર છે અને તેને મંત્રીપદ યથાવત્ રાખવામાં આવે એ જરૂરી છે. આવું બધું કહે તો નારાજ થાય એ સ્વાભાવિક છે.

આ નિર્ણય બુધવારનો નહીં, પણ આ તખતો મંગળવારે ઘડાયો હતો
વધુમાં તે મંત્રીએ જણાવ્યું હતું કે "રાજ્યમાં નવી સરકારના મંત્રીમંડળને લઇને ચર્ચાઓ ચાલી રહી છે અને સિનિયર નેતાઓને હવે મંત્રીમંડળમાં નહિ લેવાની નીતિ હવે સ્પષ્ટ માનવામાં આવી રહી છે. જોકે ભાજપ સરકારનો આ નિર્ણય બુધવારનો નથી, પરંતુ આ તખતો મંગળવારે બપોરે જ ગોઠવાઈ ગયો હતો. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ આ નિર્ણય પહેલાંથી જ લઇ લીધો હતો ત્યારે આ અંગે કેબિનેટ મંત્રીઓને એક પછી એક બોલાવીને તેઓ હવે મંત્રી રહ્યા નથી અને બનાવવાના પણ નથી એની જાણ કરી હતી."

અમે કહ્યું, 2022ની ચૂંટણીમાં અસર થશે પણ તે ના માન્યા
ગણ્યાગાંઠ્યા પાટીદાર સમાજના આગેવાનો સામે આવડી મોટી પાર્ટી અને સરકાર ઝૂકી જતી હોય છે, તો બીજા નાના-મોટા સમાજ અને બક્ષીપંચ સમાજ 54 ટકા છે. નાનો-મોટો ઇતર સમાજ પણ હોય છે. આમાં જ જો પડતા મુકાય તો એની અસર 2022ની ચૂંટણી પર પડી શકે. અનુભવી અને સિનિયર હોય તે નેતા લોકોને સ્વીકાર્ય હોય છે. આવું કહ્યું તોપણ તેઓ ના માન્યા.

અન્ય સમાચારો પણ છે...