ભાજપ સરકારની નિષ્ફળતાઓ તરફ આંગળી ચીંધે ત્યારે તેને ગુજરાતના અપમાન સાથે જોડવાની ભાજપની આદત બહુ જુની છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુશર્માના નિવેદનને પણ ભાજપે આ જ આદત મુજબ ગુજરાતના અપમાન સાથે જોડી પોતાની નિષ્ફળતાઓને ઢાંકવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે. જે અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતનું અપમાન તો એ છે કે એક સસ્પેન્ડેડ કોન્ટેબલ અને પૂર્વ લીકર કિંગ આજે સત્તાધારી પાર્ટીના અધ્યક્ષ પદ ઉપર છે.
કોર્પોરેશન ચૂંટણી વખતે ધમકાવાયો આક્ષેપઅર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે ડૉ. રઘુશર્મા જે વાત કરી છે તેની સાથે હું ઉમેરવા માંગુ છું કે માત્ર પરપ્રાંતીયો નહીં ગુજરાતી વેપારીઓને પણ ભાજપના આગેવાનો દ્વારા ધમકાવવામાં આવે છે. વેપારીઓ પોતાને થતી કનડગત સામે અવાજ ઉઠાવે તો તેમની ઉપર વિવિધ સરકારી એજન્સીઓની રેડ પડાવવામાં આવે છે. સુરત કોર્પોરેશનની ચૂંટણી વખતે જે રીતે ત્યાંના ઉદ્યોગપતિઓને ધમકાવવામાં આવતા હતા, તેના ઓડિયો વાયરલ પણ થયા હતા. એમાં પણ જ્યારથી સી.આર.પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી માત્ર ઉદ્યોગપતિઓને જ નહીં, સામાન્ય લોકો ને જ નહીં, ભાજપના આગેવાનો અને કાર્યકરોને પણ ધમાકાવવામાં આવે છે. તેઓ જરા પણ માથું ઉંચુ કરે તો તેમની સામે પણ બદ ઈરાદાથી કાર્યવાહી થાય છે.
મુખ્યમંત્રીની ચોકી મુદ્દે ગુજરાતની જનતાની માફીની માગ કરી
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સી.આર.પાટીલે તો જાહેરમાં ત્યાં સુધી કયું હતુ કે ગુજરાતના નવા મુખ્યમંત્રીની અમારે ચોકી રાખવી પડે છે, આ માત્ર મુખ્યમંત્રીનું કે ભુપેન્દ્ર પટેલનું જ નહીં, સમગ્ર ગુજરાતની જનતાનું અપમાન છે. જે બદલ સી.આર.પાટીલે ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ.
પાટીલે વળતો પ્રહાર કરી રઘુ શર્માને સવાલ કર્યો
ગુજરાતના પ્રભારી તરીકે નિમાયા બાદ રઘુ શર્માની ગુજરાત મુલાકાત વધી છે. ગુજરાત મુલાકાત સમયે રઘુ શર્માએ એક નિવેદન આપતાં કહ્યું હતું કે પરપ્રાંતીયો ગુજરાતમાં ભય અનુભવી રહ્યા છે. આ નિવેદનને લઈ ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે રઘુ શર્માના નિવેદનને ગુજરાતીઓના અપમાન સમાન ગણાવ્યું છે. પાટીલે કહ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન દેશમાં સૌથી વધુ પરપ્રાંતીયોને ગુજરાતીઓએ સાચવ્યા હતા. ગુજરાતમાં કોઈપણ જાતના ડર વગર પરપ્રાંતીયો રોજગાર મેળવી રહ્યા છે. રઘુ શર્મા રાજસ્થાનથી ધારાસભ્ય અને મંત્રી હોઈ પાટીલે તેમને સવાલ કરતાં કહ્યું હતું કે, રાજસ્થાનમાંથી ઉદ્યોગકારો કેમ અન્ય રાજ્યમાં જઈ રહ્યા છે એ અંગેનો શર્માએ જવાબ આપવો જોઈએ.
રઘુ શર્માએ શું કહ્યું હતું?
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપના રાજમાં બહારથી આવતા લોકો ભય અનુભવી રહ્યા છે. ગુજરાતમાં ભયમુક્ત વાતાવરણ હોવું જોઈએ. ગુજરાતની આર્થિક સ્થિતિમાં બહારના લોકોનો મોટો હાથ છે. ત્યારે રાજસ્થાન અને અન્ય પ્રદેશના લોકોને અહીં કેમ ભય અનુભવાય છે?
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.