મિશન ગુજરાત 2022:ગુજરાતમાં આદિવાસી પટ્ટાની 40 બેઠક પર 'આપ’ અને કોંગ્રેસની સક્રિયતાથી ભાજપની ચિંતા વધી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કોંગ્રેસની અંબાજીથી ઉમરગામ સુધી 10 હજારથી વધુ ચૌપાલ બેઠકો શરૂ થઈ
  • કેજરીવાલ અને છોટુ વસાવાનું ગઠબંધન પણ મતદારો પર અસર કરે એવી શક્યતા
  • ભાજપે નબળાં બૂથો પર મજબૂત થવા માટે ધારાસભ્યો અને સાંસદોને કામે લગાડ્યા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપે નબળા બૂથો પર મજબૂત થવા માટે ધારાસભ્યો અને સાંસદોને કામે લગાડ્યાં છે. કમલમ ખાતે યોજાયેલી બુથ સશક્તિકરણ માટેની બેઠકમાં ચૂંટણીમાં જે બુથ માઈનસ હોય કે પ્લસ હોય તેના ડેટા નેતાઓને આપવામાં આવશે. તે ઉપરાંત તેના તારણો શોધવાનું પણ કામ સોંપાશે. ઓછા માર્જિન વાળા બુથો પર પ્રવાસ કરવા ધારાસભ્યો અને સાંસદ સભ્યોને સૂચના આપી દેવાઈ છે. હવે નેતાઓએ ઓછા માર્જિન વાળા બુથો શોધીને તેમાં ફાયદો કરાવવો પડશે. બીજી તરફ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાની 40 સીટો પર ભાજપને ભય લાગી રહ્યો છે. કારણે કે ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સતત કામગીરી થઈ રહી છે.

આદિવાસી મતદારોના પ્રભાવવાળી 40 બેઠકો
દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા સહિતના જિલ્લાઓના આદિવાસી વિસ્તારોમાં ક્યાંક ભાજપ સામે નારાજગી હોવાના સંકેત પાર્ટીને મળ્યા હતા. આદિવાસી મતદારોના પ્રભાવવાળી 40 બેઠક છે. આ વોટ બેન્કને નારાજ થતી રોકવા તાપી રીવર લીન્ક પ્રોજેક્ટ બંધ પણ કરી દેવાયો છે. આ વિધાનસભાની બેઠકો ચૂંટણી પરિણામમાં મોટો ભાગ ભજવી શકે છે. આથી જ વડાપ્રધાન મોદી, કોંગી નેતા રાહુલ ગાંધી, ‘આપ’ના વડા અરવિંદ કેજરીવાલ આ વિસ્તારમાં પ્રવાસો કરી ગયા છે.આ વખતે છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાએ ભરૂચના ચંદેરિયામાં યોજાયેલી આમ આદમી પાર્ટીની જનસભામાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપ સાથે જોડાણ કર્યું છે.

નવસારીમાં વડાપ્રધાન મોદીએ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
નવસારીમાં વડાપ્રધાન મોદીએ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

2017માં ભાજપે 9 અને કોંગ્રેસે 15 બેઠકો જીતી હતી
1985માં કોંગ્રેસે આદિવાસીઓ માટે આરક્ષિત તમામ 26 બેઠકો જીતી હતી. જ્યારે 1990માં તેમાંથી 19 બેઠકો ગુમાવી હતી. 2012માં 27 આદિવાસી અનામત વિસ્તારોમાં કોંગ્રેસે 16 બેઠકો મેળવી હતી, જ્યારે ભાજપને માત્ર 10 બેઠકો મળી હતી.2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 27માંથી માત્ર 9 બેઠકો જ જીતી શકી હતી. જ્યારે કોંગ્રેસે 15 બેઠકો જીતી હતી. પરંતુ કોંગ્રેસના સુપડા સાફ કરવા ભાજપે મોટા ગજાના નેતાઓને પોતાની તરફ કરી લીધાં છે. કોંગ્રેસના અશ્વિન કોટવાલ, જીતુ ચૌધરી, મંગલ ગાવિત જેવા ઘણા મોટા આદિવાસી નામો ભાજપમાં જોડાઈ ગયાં છે.

દાહોદ ખાતેથી રાહુલ ગાંધીએ સત્યાગ્રહ યાત્રાનો પ્રારંભ કર્યો હતો
દાહોદ ખાતેથી રાહુલ ગાંધીએ સત્યાગ્રહ યાત્રાનો પ્રારંભ કર્યો હતો

આદિવાસી મતદારો શા માટે નિર્ણાયક
ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 27 બેઠક આદિવાસી ઉમેદવારો માટે અનામત છે. આ બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠકો રહી હતી, પછી એ વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની. કોંગ્રેસનો પ્રચાર, પણ આ જ વિસ્તારમાંથી શરૂ થતો હતો. 2001માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વનબંધુ યોજનાના નામથી આદિવાસી વિસ્તારમાં વિકાસનાં કામો કર્યાં એટલે ધીમે ધીમે કેટલાક આદિવાસી વિસ્તારના મતદારો કોંગ્રેસને બદલે ભાજપ તરફ સરકવા લાગ્યા, પણ ભાજપ આદિવાસીઓને સંપૂર્ણપણે પોતાના તરફ ખેંચી શક્યું નહીં.આદિવાસી ઉમેદવારો માટે 27 સીટ ભલે અનામત રહી પણ વિધાનસભાની 40 જેટલી બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે.

કેજરીવાલ અને છોટુભાઈ વસાવાની મુલાકાતે ગઠબંધનના સંકેતો આપ્યા હતાં
કેજરીવાલ અને છોટુભાઈ વસાવાની મુલાકાતે ગઠબંધનના સંકેતો આપ્યા હતાં

સરકારે પાર-તાપી પ્રોજેક્ટ રદ કરવો પડ્યો
ગુજરાતની ભાજપ સરકારને આદિવાસીઓનો વિરોધ ભારે પડ્યો છે. પાર-તાપી પ્રોજેક્ટની જાહેરાત થઈ ત્યારથી આદિવાસી સમાજ દ્વારા ભારે વિરોધ થયો. રસ્તા પર આંદોલનો થયા અને અંતે સરકારે પાર-તાપી પ્રોજેક્ટ રદ્દ કરવો પડ્યો. ક્યારેય પીછેહટ ન કરનારી ભાજપની ગુજરાત સરકારે આ મામલે પીછેહટ કરવી પડી. બીજો મુદ્દો એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટિ આસપાસના આદિવાસીઓને પૂરતી રોજગારી નથી મળી તેના કારણે વારંવાર વિરોધ થાય છે. જો કે, થોડાઘણા અંશે આ પ્રશ્ન ઉકેલવામાં ભાજપને સફળતા પણ મળી છે. ત્રીજો મુદ્દો નર્મદા જિલ્લામાં ઇકો સેન્સિટિવ ઝોન બનાવવાનો છે. જો ઇકો સેન્સિટિવ ઝોન બને તો હજારો આદિવાસીઓની રોજગારીને અસર થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...