અમદાવાદમાં ભાજપ કાર્યકરોએ હદ કરી:કોરોનામાં ‘હમ સબ કી પરવાહ કરે ક્યૂં’ ગીત પર મદહોશ બની ઝૂમ્યા; પ્રશિક્ષણ વર્ગ બંધ રાખવાનો આદેશ આવતાં સેલિબ્રેશન કર્યું

5 મહિનો પહેલા

અમદાવાદમાં ભાજપના કાર્યકરોએ હદ કરી નાખી. રિવરફ્રન્ટ પર યોજાયેલા સંત સંમેલન પછી ભાજપના કાર્યકરો પોઝિટિવ આવતાં દરિયાપુર વિધાનસભા મતવિસ્તાર માટેનો પ્રશિક્ષણ વર્ગ અધવચ્ચે બંધ રાખ્યો. ઉપરથી ફરમાન છૂટતાં ભાજપના કાર્યકરોએ બંધ રાખ્યો પરંતુ સેલિબ્રેશન શરૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ડાન્સ કરનારા કેટલાક દારૂ પીને આવ્યા હોય એમ લાગતું હતું. શહેર ભાજપ મહામંત્રી કૌશિક જૈન, અમદાવાદ પશ્ચિમના હોમગાર્ડ જિલ્લા કમાન્ડર જબ્બારસિંહ શેખાવત, દરિયાપુરના વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કેટલાક કોર્પોરેટર તેમજ દરિયાપુર વોર્ડની ચૂંટણી લડેલા કેટલાક ઉમેદવારો, મહિલા નેતાઓ જોડાયા હતા.

દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપનો પ્રશિક્ષણ વર્ગ અધવચ્ચેથી જ ઉપરની સૂચનાને કારણે અટકાવી દેવાયો હતો. આ વર્ગ મોકૂફ રહેતાં ખુશખુશાલ થયેલાં ભાજપના શહેર ભાજપ મહામંત્રી કૌશિક જૈન સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ સેલિબ્રેશન ચાલુ કરી દીધું હોવાનું હતું. સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કની ચિંતા કર્યા વિના તેઓ હમ સબકી પરવાહ કરે ક્યું, દમ મારો દમ ગીત ઉપર નાચ્યા હતા અને તેનાથી વિવાદ પણ સર્જાયો છે. આ કાર્યક્રમ થોડા દિવસ પહેલાં યોજાયો હોવાનું ભાજપના સૂત્રોનું કહેવું છે. શાહીબાગના ઓસ્વાલ ભવનમાં શનિવારે વર્ગ શરૂ થયા બાદ પ્રદેશ સ્તરેથી આ વર્ગ બંધ કરવાની સૂચના આવી હતી.

ભાસ્કર ટિપ્પણી: આપણું રોમે રોમ ભડકે બળે છે અને ફિડલ વગાડનારા નીરો અનેક છે
કહેવાય છે કે, રોમ ભડકે બળતું હતું ત્યારે સમ્રાટ નીરો ફિડલ (વાજિંત્ર) વગાડવામાં ગુલતાન હતો. આપણે ત્યાં પણ સ્થિતિ કંઈ જુદી નથી. કોરોનાના કેસો રોજે રોજ વધુને વધુ આવી રહ્યા છે અને બીજી તરફ નેતાઓ, કાર્યકરો ‘નીરો’ પીને મહેફીલોમાં ઝૂમી રહ્યા છે. સાચું શિક્ષણ એ છે કે, જે વ્યક્તિને સભાન બનાવે, સંવેદનશીલ બનાવે. પ્રજા સમક્ષ રજૂ થઈ રહેલું આ કયું ‘પ્રશિક્ષણ’ છે? આ કયો આદર્શ છે? સૌથી મોટો સવાલ એ છે કે, કઈ ખુશીમાં આ નાચ ચાલી રહ્યો છે. એક દિવસમાં 2500 કેસ આવ્યા એ તમારા માટે મહેફીલનું કારણ છે? કે પછી 15 દિવસ પછી મોતે ફરી પગરણ માંડ્યા છે એ તમારા માટે ખુશીનો અવસર છે? હોસ્પિટલો ભણી સાઈરનની ચિચિયારીઓ પાડતી એમ્બ્યુલન્સો ફરી દોડી રહી છે અને બીજી તરફ તમારી ખુશીની કિલકારીઓ સંભળાઈ રહી છે. જવાબદારોએ જવાબ આપવા પડશે અને ન આપે તો સરકારે લેવા પડશે. નહીં તો ફરી એકવાર સાબિત થશે કે આપણા માસ્કની ચિંતા એ સરકારના ચહેરા પરનું માસ્ક (મહોરું) માત્ર છે.