મતદારોને રીઝવવા ‘વોર રૂમ’ ધમધમશે:નવરાત્રિમાં ભાજપ વિધાનસભા ચૂંટણીના ‘શ્રી ગણેશ’ કરશે, દરેક જિલ્લા અને મહાનગરમાં મીડિયા સેન્ટર શરૂ કરશે

2 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને આડે હવે ગણતરીનો સમય જ બાકી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા સ્તરેથી ચૂંટણીમાં પ્રચાર અને પ્રસાર કરવામાં સરળતા ખાતર ભાજપ ફરીથી ચાલુ વખતે પણ મીડિયા સેન્ટરની શરૂઆત કરવા જઈ રહ્યું છે.

દરેક જિલ્લા અને મહાનગરમાં મીડિયા સેન્ટર શરૂ કરાશે
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતનાં મહાનગર ખાતે તેમજ જિલ્લા સ્તરે સ્થાપેલા કમલમ્ કાર્યાલય ખાતે મીડિયા સેન્ટરની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આ વ્યવસ્થા શરૂ કરવા પાછળનો હેતુ એ છે કે દરેક જિલ્લામાં પરિસ્થિતિ અને અલગ ઘટનાઓ બનતી હોય છે. આવા સંજોગોમાં સ્થાનિક સ્તરેથી જ મીડિયા સાથે સરળતાથી સંપર્ક સાધવા માટે ભાજપ મીડિયા સેન્ટર શરૂ કરી રહ્યું છે.

જિલ્લા સ્તરે સરળતાથી સંકલન સાધવાનો હેતુ
દરેક જિલ્લા સ્તરે સ્થાનિક કાર્યકરો, નેતા અને અગ્રણીઓ તો કાર્યાલયની મુલાકાતે આવતા જ હોય છે પરંતુ જિલ્લા સ્તરેથી સામાન્ય રીતે ભાજપના નેતાઓ મીડિયા સાથે સંકલન સાધી અને જિલ્લા પૂરતી તમામ માહિતી સરળતાથી લોકો સુધી પહોંચાડી શકે તેમજ સંકલન સાધવામાં સરળતા રહી શકે તે હેતુથી પણ મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે.

નવરાત્રિમાં તમામ સ્થળે મીડિયા કાર્યાલય શરૂ થઈ જશે
ભાજપ પક્ષ ધાર્મિક વિચારધારામાં માનનારો પક્ષ છે ત્યારે નવરાત્રિના શુભ દિવસોમાં જ આ તમામ મીડિયા સેન્ટરની શરૂઆત કરવાનું ભાજપ સંગઠનનું આયોજન છે. અલબત્ત, ક્યાંક એકાદ દિવસ આગળ પાછળ હોઈ શકે છે પરંતુ એકંદરે તમામ જિલ્લા મથકમાં નવરાત્રિ દરમિયાન મીડિયા સેન્ટર શરૂ કરવાની તૈયારીઓ ભાજપ પ્રદેશ સંગઠને પૂરી કરી દીધી હોવાનું સંગઠનના નેતાઓ જણાવી રહ્યા છે.

ગત ચૂંટણી સમયે પણ મીડિયા સેન્ટર શરૂ કર્યાં હતાં
વર્ષ 2017ની ચૂંટણીમાં દોઢ માસ અગાઉ પણ ભાજપે મીડિયા સેન્ટર શરૂ કર્યાં હતાં. જે તે સમયે પણ સ્થાનિક સ્તરેથી જ સમગ્ર પ્રચાર-પ્રસાર હાથ ધરવામાં આવ્યો હતો. આમ, ભાજપ આ પ્રક્રિયાનું વર્ષ 2022માં પણ ફરીથી પુનરાવર્તન કરી અને સંકલન સરળ બનાવી રહ્યું છે.

વિધાનસભા દીઠ નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે
ભાજપ સંગઠન દ્વારા થોડા સમય અગાઉ જ રાજ્યની તમામ વિધાનસભાનું નિરીક્ષણ સરળતાથી થઈ શકે તે માટે 182 નિરીક્ષકોની યાદી થોડા સમય અગાઉ જ જાહેર કરવામાં આવી છે. જેથી કરીને સ્થાનિક સ્તરે ભાજપ સંગઠનને વધારે મજબૂત બનાવી શકાય.

વિધાનસભા દીઠ મીડિયા પ્રભારીની પણ નિમણૂક
રાજ્યની 182 વિધાનસભાના વિવિધ મુદ્દા છે. આ તમામ વિધાનસભા બેઠક પર સરકારે કરેલી કામગીરીની વાત મીડિયા સુધી પહોંચાડવા માટે ભાજપે અગાઉથી જ વિધાનસભા દીઠ મીડિયા પ્રભારીની પણ નિમણૂક કરી છે. પ્રત્યેક વિધાનસભા માટે પાંચ જેટલા મીડિયા પ્રભારી પણ ભાજપે નીમ્યા છે, જે મીડિયા મારફતે પ્રજા સુધી સરકાર અને સંગઠનની વાત પહોંચાડે છે.

અન્ય સમાચારો પણ છે...