ભાજપની ડબલ સ્ટ્રેટેજી:વિધાનસભામાં 150 બેઠકનું મિશન પાર પાડવા BJPની નવી સ્ટ્રેટેજી, કોંગ્રેસ અને AAPની ફોર્મ્યુલાને નિષ્ફળ કરવા નવો દાવ ખેલશે

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • કોંગ્રેસ-AAP બન્ને સામે લડવા અલગ-અલગ એજન્ડા બનાવશે

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે પુરજોશમાં તૈયારી શરૂ કરી દીધી છે. ખાસ કરીને 150થી વધુ બેઠકોના ટાર્ગેટ સાથે આગળ વધી રહેલા ભાજપે વિપક્ષ સામે લડવા અલગ સ્ટ્રેટેજી બનાવી છે. એમાં કોંગ્રેસ માટે અલગ અને આમ આદમી પાર્ટી માટે અલગ એજન્ડા તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. એટલું જ નહીં, AAP પર નજર રાખવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.

કોંગ્રેસ-AAPની ફોર્મ્યુલાને નિષ્ફળ કરવા નવો દાવ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા જ્ઞાતિવાદના આધારે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસ વર્ષો જૂની માધવસિંહ સોલંકીની KHAM( ક્ષત્રિય, અનુસૂચિત જાતિ, આદિવાસી, મુસ્લિમ) થિયરી મુજબ જીતની ફોર્મ્યુલા અપનાવી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હી મોડલ સાથે સરખામણી કરી ગુજરાત મોડલને પડકાર ફેંકી રહી છે. આ ઉપરાંત AAP પંજાબ અને દિલ્હી પેટર્નથી ભાજપ સામે લડવાની સ્ટ્રેટેજી અપનાવી રહી છે. આ સંજોગોમાં ભાજપ કોંગ્રેસ સામે લડવા જ્ઞાતિનો આધાર ઊભો કરવા અને આમ આદમી પાર્ટી સામે લડવા વિકાસને આગળ કરવા માટેની નીતિ અપનાવવાની તૈયારી શરૂ કરી શકે છે.

AAP સામે લડાયક બની પ્રચાર કરવા સજ્જ થવા પર મંથન
ગુજરાતમાં ચૂંટણી સંદર્ભની તૈયારીમાં આમ આદમી પાર્ટી પણ હવે ભાજપનો એક એજન્ડા હોય તેવા સંકેત છે. આમ આદમી પાર્ટી અને ખાસ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહેલા દક્ષિણ ગુજરાત અને પછી સૌરાષ્ટ્રમાં જે રીતે પક્ષનો પ્રભાવ વધારવા માટે જંગી જાહેરસભા યોજી ગયા એ અંગે પણ ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી હતી. એમાં પણ આમ આદમી પાર્ટીના આક્ષેપો અને દિલ્હી સરકારની કામગીરી સાથે જે સરખામણી કરવામાં આવે છે એનો જવાબ આપવા અને આપ સામે લડાયક બની પ્રચાર કરવા માટે ભાજપના પેજ-પ્રમુખો સુધી તમામ માહિતી પહોંચાડવા માટેનું ખાસ નેટવર્ક ઊભું કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.

શાહે માર્ગદર્શનની સાથે અલગ અલગ એજન્ડા પર સૂચન કર્યા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપની તૈયારીઓને આખરી ઓપ આપવાની સાથે સાથે સરકાર અને સંગઠનની સજજતા તપાસવા અને ચૂંટણીપ્રચાર સહિતના વ્યૂહરચના નિશ્ચિત ભારતીય જનતા પક્ષની ચિંતન શિબિર યોજાઈ હતી. એમાં ભાજપના ચાણક્ય એવા અમિત શાહે માર્ગદર્શનની સાથે અલગ અલગ એજન્ડા પર સલાહ-સૂચન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...