નેતૃત્વ પરિવર્તનની અટકળો પર પૂર્ણવિરામ:ગુજરાતમાં ભાજપ 2022ની વિધાનસભા ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં જ લડશે, સી.આર પાટીલની જાહેરાત

5 મહિનો પહેલા
સી.આર પાટીલની તસવીર
  • "બેઉ સારું કામ કરે છે" આ બંનેના નેતૃત્વમાં જ આગામી ચૂંટણી લડીશુ! : સી.આર પાટીલ
  • ગાંધીનગર ખાતે કમલમમાં કાર્યક્રમ દરમિયાન સી.આર.પાટીલે કરી જાહેરાત

સ્વતંત્રતા દિવસે આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન સી.આર પાટીલે ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બદલવાની વાત પર પૂર્ણવિરામ મૂકીને આગામી ચૂંટણીમાં પણ સી.એમ રૂપાણીના જ નેતૃત્વમાં ચૂંટણી લડાશે તેમ જણાવ્યું હતું.

ગુજરાતમાં નેતૃત્વ બદલવાની વાત પર પૂર્ણવિરામ
સી.આર પાટીલે ધ્વજવંદન બાદ ચૂંટણી નેતૃત્વમાં પરિવર્તન મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "બેઉ સારું કામ કરે છે" આ બંનેના નેતૃત્વમા જ આગામી ચૂંટણી લડીશુ!' જે પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણી પણ વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં જ લડશે.

કમલમ ખાતે 75મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
કમલમ ખાતે 75મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

કમલમ ખાતે 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી
નોંધનીય છે કે આજ રોજ ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ધ્વજ-વંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તીરંગો લહેરાવી રાષ્ટ્રીગીતનું પઠન કરી દેશના 75માં સ્વતંત્રના દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.

વારસામાં મળેલી સ્વતંત્રતાને અકબંદ્ધ રાખવા અપીલ
આ પ્રસંગે ઉપસ્થિત મીડિયાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્રતાનું 75મું વર્ષએ સમગ્ર દેશ માટે અને દેશના નાગરિકો માટે અમૃત મહોત્સવનું વર્ષ છે. આજે આપણે સૌ ઉલ્લાસ, ઉમંગ સાથે સ્વતંત્રતા માણી રહ્યા છીએ તે સ્વતંત્રતા મેળવી આપવા માટે દેશના લાખો યુવાનોએ પોતાની છાતી પર ગોળીઓ જીલી છે, પોતાની જવાની જેલોમાં સપડાવી છે, માતા બહેનોએ પોતાના યુવાન દિકરા અને ભાઇઓને શહીદ થતા નરી આંખે જોયા છે. તેમણે 75માં સ્વતંત્રા દિવસ નિમિત્તે સૌ ગુજરાતી ભાઇ-બહેનો, યુવાનોને શુભેચ્છા પાઠવી હતી અને વારસામાં મળેલ સ્વતંત્રાને અકબંદ્ધ રાખવા માટે તમામ બનતા પ્રયત્ન કરવાની અપીલ કરી હતી.

CM રૂપાણીએ 1825 દિવસથી પણ વધુ શાસન કર્યું
CM રૂપાણીએ 1825 દિવસથી પણ વધુ શાસન કર્યું

કેશુભાઈ પટેલનો પણ રેકોર્ડ તોડ્યો
ગુજરાતના 16મા મુખ્યમંત્રી વિજય રૂપાણી 7 ઓગસ્ટ બાદ રાજ્યમાં સૌથી વધુ શાસન કરનારા ચોથા મુખ્યમંત્રી બન્યા છે. ગુજરાતમાં સૌથી વધુ નરેન્દ્ર મોદીએ 4,610 દિવસ શાસન કર્યું છે, જ્યારે બીજા નંબર પર રહેલા હિતેન્દ્ર દેસાઈએ 2062 દિવસ અને ત્રીજા નંબર પર રહેલા માધવસિંહ સોલંકીએ 2049 દિવસ રાજ કર્યું છે. ત્યાર બાદ 1825 દિવસના શાસન સાથે વિજય રૂપાણી ચોથા નંબર પર છે. એટલું જ નહીં, કેશુભાઈ પટેલના 1533 દિવસના શાસનનો પણ રેકોર્ડ તોડ્યો છે. આમ, ગુજરાતના અત્યારસુધીના કુલ 16 મુખ્યમંત્રીમાંથી 12 મુખ્યમંત્રીને પાછળ છોડી નરેન્દ્ર મોદી સહિતના ચાર મુખ્યમંત્રીની હરોળમાં આવી જશે.

રૂપાણી ઓગસ્ટ, 2016થી સત્તામાં
ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામાં બાદ 7 ઓગસ્ટ 2016થી વિજય રૂપાણી મુખ્યમંત્રીપદે આવ્યા હતા. એ પછી 2017માં વિજય રૂપાણીના જ નેતૃત્વમાં ભાજપનો વિજય થયો હતો અને ફરી એકવાર વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. સામાન્ય રીતે 1825 દિવસ કે વધુ શાસન કરે તો પાંચ વર્ષનું શાસન કર્યું હોવાનું માનવામાં આવે છે, એ જોતાં 7 ઓગસ્ટ 2021ના રોજ વિજય રૂપાણી પણ પાંચ વર્ષ શાસન કરનારા ચોથા મુખ્યમંત્રી બન્યા હતા.