ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા:અમદાવાદમાં રોગચાળો વકરી ગયા બાદ ભાજપના શાસકો અને અધિકારીઓએ ફોગિંગ માટેનું 3.50 કરોડનું ટેન્ડર મંજુર કર્યું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • શહેરમાં ફોગીંગ કરનારી કંપનીને પ્રતિ ઘર માટે રૂ. 13 અને 10.35 ચૂકવવામાં આવશે

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમ્યાન પાણી અને મચ્છરજન્ય રોગોમાં વધારો થાય છે. ચોમાસા પહેલા રોગચાળો રોકવા શહેરમાં ફોગીંગની પ્રકિયા કરવાની હોય છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને શાસકો ચોમાસાના અંતમાં હવે ફોગીંગ કરવાને લઇ જાગ્યા છે. પ્રજાના પૈસે હવે ચોમાસાના અંતે શહેરમાં ફોગીંગ માટે રૂ. 3.50 કરોડનું ટેન્ડર આજે સ્ટેન્ડિગ કમિટિએ મંજુર કર્યું છે. ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળો વકર્યો છે અને હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા છે ત્યારે હવે જાગેલા આરોગ્ય વિભાગના અધિકારીઓ ટેન્ડર મૂકે છે અને ભાજપના શાસકોએ તેને મંજુર કર્યું હોવા સામે સવાલો ઉભા થયા છે.

10.35 પ્રતિ ઘર ફોગીંગ માટે ચુકવવામાં આવશે
અમદાવાદ શહેરમાં એડિસ, એનોફીલિકસ અને કયુલેક્ષ પ્રકારના મચ્છર જોવા મળે છે. ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો અટકાવવા પોર્ટેબલ ફોગીંગ કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે રૂ. 3.50 કરોડના ટેન્ડર બહાર પાડ્યા હતા. જો કે અત્યારે ચોમાસાની ઋતું પૂર્ણ થવાના આરે છે ત્યારે ટેન્ડર બહાર પાડતા હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને બાદમાં આજે સ્ટેન્ડિગ કમિટીએ રૂ. 3.50 કરોડનું ટેન્ડર મંજુર કર્યું છે જેમાં ઉત્તર, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ફોગીંગ માટે સેન્ટ્રલ વેયરહાઉસિંગ કોર્પોરેશન 13 રૂપિયા પ્રતિ ઘર ફોગીંગ કરવા ચૂકવવામાં આવશે. HPC કોર્પોરેશનને પશ્ચિમ, દક્ષિણ, મધ્ય અને દક્ષિણ પશ્ચિમ ઝોન માટે રૂ. 10.35 પ્રતિ ઘર ફોગીંગ માટે ચુકવવામાં આવશે.

સરકારી હોસ્પિટલોમાં ઓપીડીઓ ઉભરાઈ રહી છે. ( ફાઈલ ફોટો)
સરકારી હોસ્પિટલોમાં ઓપીડીઓ ઉભરાઈ રહી છે. ( ફાઈલ ફોટો)

અધિકારીઓ પોતાની ચેમ્બરમાંથી ફિલ્ડ વર્કમાં જતા નથી
વર્ષ 2020 અને 2021માં 4 સપ્ટેમ્બર સુધીમાં જેટલા કેસો કોર્પોરેશન પ્રમાણે ડેન્ગ્યુના કેસો નોંધાયા છે એના કરતાં વધુ કેસો માત્ર 2021ના ઓગસ્ટ મહિનામાં જ વધ્યા છે. ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 494 કેસો છે. જોકે કોર્પોરેશન દ્વારા આ આંકડો સત્તાવાર રીતે ઓછો બતાવવામાં આવ્યો છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુ અને પાણીજન્ય કેસોમાં ઝાડા-ઊલટીના કેસો વધુ પ્રમાણમાં આવ્યા છે. કોર્પોરેશન સંચાલિત શારદાબેન, એલજી, વીએસ અને અર્બન હેલ્થ સેન્ટરોમાં કેટલા કેસો ક્યાં ક્યાં આવ્યા છે એની કોઈ જ માહિતી આપવામાં આવતી નથી, જેથી સાચા આંકડા સામે આવતા નથી. બીજી તરફ અધિકારીઓ પોતાની ચેમ્બરમાંથી ફિલ્ડ વર્કમાં જતા નથી.

રોગચાળો વકર્યા બાદ મચ્છરના બ્રિડિંગ શોધવા તંત્ર દોડ્યું ( ફાઈલ ફોટો)
રોગચાળો વકર્યા બાદ મચ્છરના બ્રિડિંગ શોધવા તંત્ર દોડ્યું ( ફાઈલ ફોટો)

સાચા આંકડા અને માહિતી જાહેર કરાતાં નથી
ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 1 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન પાણીજન્ય રોગોમાં ઝાડા-ઊલટીના 41, કમળાના 40, કોલેરાના 0 અને ટાઈફોઈડના 70 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગોમાં સાદા મલેરિયા 27 કેસો, ઝેરી મલેરિયાના 2, ડેન્ગ્યુના 18 અને ચિકનગુનિયાના 20 કેસો નોંધાયા છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર- સાંજ દર્દીઓની લાઈનો જોવા મળે છે. ખાસ કરીને તાવ, શરદી ઉધરસ સહિત અનેક રોગના દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગોને કારણે લોકોનાં મોત પણ થયાં છે, પરંતુ હંમેશાંની જેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ, શહેરમાં આવા રોગને કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે, એના સાચા આંકડા અને માહિતી જાહેર કરતા નથી.

અન્ય સમાચારો પણ છે...