રાજકીય ધમધમાટ:ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલના બંગલે ધારાસભ્યોની અવરજવર વધી, સી.આર.ને મળીને હસતા મોઢે બહાર આવી રહેલા ધારાસભ્યો

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાટીલના બંગલે જામેલા મેળાવડામાં રૂપાણી સરકારના એકપણ મંત્રીની હાજરી જોવા મળી નથી

આજે વહેલી સવારથી જ મુખ્યમંત્રીના બંગલાની નજીકમાં આવેલા ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલના બંગલે ધારાસભ્યોની અવરજવર વધી ગઈ છે. ખાસ કરીને કેટલાક ચોક્કસ ધારાસભ્યોને ફોન કરીને પાટીલના બંગલે મળવા બોલાવ્યા હોવાની પણ ચર્ચા છે. પાટીલના બંગલે જામેલા મેળાવડામાં રૂપાણી સરકારના એકપણ મંત્રીની હાજરી જોવા મળતી નથી. એને બદલે નવા ધારાસભ્યો પાટીલને મળીને હસતા મોઢે બહાર નીકળતા હોવાનું જોવા મળ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાવાની છે ત્યારે નવા મંત્રીઓનાં નામોનું આખરીકરણ પાટીલના બંગલે થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સવારે સાત વાગ્યાથી પાટીલના ઘરે જમાવડો
સવારે સાત વાગ્યાથી જ પાટીલના ઘરે ધારાસભ્યોની અવરજવર શરૂ થઈ હતી. 9.30 વાગ્યે રાજ્યસભાના સાંસદ અને અન્ય નેતાઓ સાથે પાટીલે મીટિંગ કરી હતી. 10.30 વાગ્યે અન્ય ધારાસભ્યો આવતા મંત્રી પદ માટેના નામોની ચર્ચાઓ થઈ હતી. ત્યાર બાદ ફરીવાર 12 વાગે રજની પટેલ અને અન્ય નેતાઓ સાથે પાટીલે મીટિંગ કરી હતી. હવે ફરીવાર વધુ ધારાસભ્યો પાટીલના બંગલે પહોંચ્યાં છે.

પાટીલના બંગલે આ ધારાસભ્યો પહોંચ્યા
વહેલી સવારથી પાટીલના બંગલે થઈ રહેલી ચહલપહલમાં અત્યારસુધી હર્ષ સંઘવી, મનીષા વકીલ, મનીષા સુથાર, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યો ગોવિંદ પટેલ પહોંચ્યાં હતાં. ગોવિંદ પટેલ પાટીલને મળીને થોડીક જ ક્ષણોમાં બહાર નીકળી ગયા હતા, જ્યારે ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી સહિતના ધારાસભ્યો હજી પાટીલના બંગલામાંથી બહાર આવ્યા નથી. જેથી મંત્રીપદ કોને મળશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ધારાસભ્ય હર્ષ સંઘવી અને ગોવિંદ પટેલ
ધારાસભ્ય હર્ષ સંઘવી અને ગોવિંદ પટેલ

મંગળવારે પ્રદીપસિંહ અને પાટીલે બંધબારણે 1 કલાક મુલાકાત કરી
પોતાનો સમાવેશ મંત્રીમંડળમાં થાય એવી રજૂઆત માટે હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, નવસારી ધારાસભ્ય પીયૂષ દેસાઈ, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા અને મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા ગઈકાલે સવારમાં જ પાટીલના ગાંધીનગરના ઘરે પહોંચી ગયા હતા. આ દરમિયાન પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ પાટીલના ઘરે પહોંચ્યા હતા અને અહીં તેમણે એક કલાકથી વધુ સમય બંધબારણે બેઠક કરી હતી. પાર્ટી તરફથી તમામ ધારાસભ્યોને ગુરુવાર સુધી ગાંધીનગરમાં જ રહેવા માટે આદેશ કરાયો છે. ઘણા ધારાસભ્યો તો ઘરે ગયા જ નથી.

સીઆરના બંગલે આ નામોની ચર્ચા

 • બનાસકાંઠા - કીર્તિ વાઘેલા અથવા શશિકાંત પડ્યા
 • મહેસાણા - ઋષિકેશ અથવા રમણ પટેલ
 • સાબરકાંઠા - ગજેન્દ્ર ચૌહાણ
 • અમદાવાદ - રાકેશ શાહ અથવા જગદીશ પટેલ
 • ખેડા- પંકજ દેસાઈ
 • સંતરામપુર- કુબેર ડિંડોર
 • દક્ષિણમાંથી- નરેશ ચૌધરી,પીયૂષ દેસાઈ
 • અમદાવાદ- કનુ પટેલ
 • સુરત - હર્ષ સંઘવી અથવા મુકેશ પટેલ
 • મહુવા - મોહન ઢોલિયા
 • ભાવનગર - આર. સી. મકવાણા
 • રાજકોટ - ગોવિંદ પટેલ
 • ભરૂચ - દુષ્યંત પટેલ અથવા અરુણસિંહ રાણા
 • કચ્છ - નિમાબેન અથવા પ્રદ્યુમ્ન સિંહ
 • ગઢડા - આત્મારામ પરમાર
 • સાવલી - કેતન ઇનામદાર