કોંગ્રેસની બીજી યાદી:શંકરસિંહ 12મીએ કોંગ્રેસમાં જોડાશે, હું વિધાનસભા ચૂંટણી નહીં લડું- ઠાકોર; કોંગ્રેસના વધુ 46 મુરતિયા જાહેર કર્યા

અમદાવાદ3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આજે ભાજપે 160 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા વધુ 10 ઉમેદવારોની જાહેરાત કરાઈ છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ છે. જેને લઇને પ્રભારી રઘુ શર્માના નિવાસ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા સહિતના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા શંકરસિંહ બાપુની રીએન્ટ્રીનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. 12 નવેમ્બરે શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જોડાય. શંકરસિંહ બાપુ વગર શરતે કોંગ્રેસમાં જોડાવવા તૈયાર થઈ ગયા છે. ખુદ જગદીશ ઠાકોર શંકરસિંહ વાઘેલા અને હાઈકમાન્ડ વચ્ચે મધ્યસ્થી કરી રહ્યા છે.

કોંગ્રેસની બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર
કોંગ્રેસી ધારાસભ્યોના ભાજપ તરફના પ્રવાહ વચ્ચે કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરતાં કુલ ઉમેદવારોની સંખ્યા 89 ની થઈ છે. કોંગ્રેસે આજે બીજી યાદી જાહેર કરી દીધી છે. જોવાની વાત એ છે કે રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આજે કોંગ્રેસે બીજી યાદી પણ જાહેર કરી દીધી છે, પરંતુ હજી સુધી કોંગ્રેસનો કોઈ મોટો ચહેરો ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે આવ્યો નથી. જોકે આ મહિનાના અંતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગુજરાતમાં પ્રચાર માટે આવે અને સભા સંબોધે એવી શક્યતા છે.

ભાજપના ધારાસભ્ય કેસરીસિંહમાં AAPમાં જોડાશે
માતર વિધાનસભાના ભાજપના બીજી ટર્મના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા છે. આ અંગે ગોપાલ ઈટાલીએ ટ્વિટ કર્યું છે.

શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જોડાશે
ગુજરાતના રાજકારણના વધુ એક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ એક ખેલ પાડવાની તૈયારી કરાઈ છે. શંકરસિંહ બાપુની કોંગ્રેસમાં રી-એન્ટ્રીનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. 12 નવેમ્બરના શંકરસિંહ બાપુ પણ કોંગ્રેસમાં જોડાશે. શંકરસિંહ બાપુ વગર શરતે કોંગ્રેસમાં જોડાવા તૈયાર થઈ ગયા છે. ખુદ જગદીશ ઠાકોર શંકરસિંહ વાઘેલા અને હાઈકમાન્ડ વચ્ચે મધ્યસ્થી કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક પણ થઈ ગઈ છે. પ્રભારી રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલાના ઘરે જઈ બાપુ સાથે બેઠક કરી હતી. બાપુ સતત કોંગ્રેસમાં નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે. બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં આગામી 12 નવેમ્બરે બાપુ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

ગમે તેવાં મોટાં માથાં આવે કાર્યકરના ભોગે ટિકિટ નહીં મળે: જગદીશ ઠાકોર
તો બીજી તરફ ભાજપના ઉમેદવારો અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપની યાદી જાહેર થઈ ગઈ છે. અમારી યાદી પણ જાહેર થશે. યાદી જાહેર થયા બાદ નેતાઓ પાસેથી લખાણો લખાવવામાં આવ્યાં છે. યાદી જાહેર કરતાં પહેલાં દિલ્હીમાં બેઠક કરવી પડી હતી. અમારા કાર્યકરોની નારાજગીના ભોગે અમે કોઈને ટિકિટ નહીં આપીએ. ગમે તેટલાં મોટાં માથાં આવશે તો પણ તેમને ટિકિટ નહીં આપીએ. જે લોકો બે દિવસમાં ગયા છે તે બેઠક પરથી સિંગલ નામ આવી રહ્યાં છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને ચૂંટણી લડનારાનું ખાતું ભાજપના કાર્યકરો જ નહીં ખોલવા દે. ભાજપ ઉપર વિશ્વાસ મૂકીને ગયા છે તેમનો ભાજપ શું ખેલ કરે છે તે જોજો. ભાજપમાં જઇને કપાયા છે તેમને કોંગ્રેસ ટિકિટ આપશે નહીં.

હું વિધાનસભા ચૂંટણી નહી લડું: જગદીશ ઠાકોર
વિધાનસભા ચૂંટણી લડવા પર કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. જગદીશ ઠાકોરે જણાવ્યું છે કે, હું વિધાનસભા ચૂંટણી નહીં લડું. સિનિયર નેતાઓ અને હું ગુજરાતમાં પ્રવાસ કરીશ. તો બીજી તરફ સુરેન્દ્રનગરના જિલ્લા પંચાયતના ભાજપના છત્રસિંહ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા છે. જેને લઇને જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે છત્રસિંહ ઠાકોર અને તેમના સમર્થકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. સામાજિક ક્રાંતિ કરનારનો સાથ સહકાર કોંગ્રેસ આપશે. કોંગ્રેસ તમામ સમાજોને સાથે લઈને ચાલી રહી છે. ભાજપ સંગઠન હોય કે પછી 27 વર્ષની સમસ્યાઓ અને જે વચનો આપ્યાં હતાં તેને લઇને નિરાશા જ મળી છે. તમામ વાયદાઓ કોંગ્રેસની સરકાર બનતાની સાથે અમે પૂરાં કરીશું.

ટિકિટ કપાયા બાદ મધુ શ્રીવાસ્તવે બળાપો કાઢ્યો
ભાજપની પહેલી યાદીમાં વડોદરામાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કપાયા, મહિલા મંત્રી નિમિષા વકીલને રિપીટ કરવામાં આવ્યાં છે. બીજી તરફ સુરતના વરાછામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા સામે ભાજપે કુમાર કાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ અમદાવાદમાં ભાજપે બે વેવાઈને ટિકિટ આપી છે. સુરતમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઓફિસ બહાર ઉજવણી શરૂ થઈ ગઈ છે, જ્યારે લિંબાયતમાં ભારે વિરોધ છતાં સંગીતા પાટીલને રિપીટ કરવામાં આવ્યાં છે. બીજી તરફ કોંગ્રેસના નેતા આલોક શર્માએ કહ્યું હતું કે, ભાજપે જેમની ટિકિટ કાપી છે એમાંથી ઘણા લોકો અમારા સંપર્કમાં છે. પહેલી યાદીમાં અમારા પક્ષપલટુઓ જ જોવા મળ્યા છે. વાઘોડિયાથી ટિકિટ કપાયા બાદ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, હું ભાજપનો કાર્યકર છું, ભાજપમાં જ રહેવાનો છું અને જો મારા કાર્યકરો કહેશે તો અપક્ષ ચૂંટણી લડીશ પણ બીજી પાર્ટીમાંથી નહીં.

અમદાવાદના નિકોલમાં જગદીશ પંચાલનો વિરોધ
ભાજપે અમદાવાદની નિકોલ બેઠક પરથી જગદીશ પંચાલને ટિકિટ આપી છે. જગદીશ પંચાલ સરકારના મંત્રી પણ છે અને ફરીથી ટિકિટ આપતા નિકોલ વિસ્તારમાં જ જગદીશ પંચાલના વિરોધમાં કટાક્ષ કરતાં બેનરો લાગ્યાં છે. જેમાં જનતાને મળવું હોય તો આ મહિનો જ મળી લેજો બાકી પાંચ વર્ષે આગામી ચૂંટણીમાં મળીશું. નિકોલ વિધાનસભા વિસ્તારમાં જ ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યાં છે.આ બેનરમાં લખવામાં આવ્યું છે કે જગદીશ પંચાલની ટિકિટ નક્કી છે. હવે આગામી મુખ્યમંત્રી પણ હું જ બનવાનો છું. આખા ગુજરાતમાં હું કહીશ એમ જ થશે. હવે જનતાને મળવું હોય તો આટલો મહિનો મળી લેજો બાકી પાંચ વર્ષે આગામી ચૂંટણીમાં મળીશું.

અમદાવાદના નિકોલમાં જગદીશ પંચાલનો વિરોધ
અમદાવાદના નિકોલમાં જગદીશ પંચાલનો વિરોધ

ટિકિટમાં કપાયેલા નેતાઓ અમારા સંપર્કમાં: કોંગ્રેસના નેતા આલોક શર્મા
ભાજપનું લિસ્ટ જાહેર થયા બાદ કોંગ્રેસના નેતા આલોક શર્માએ પત્રકારો સમક્ષ કહ્યું હતું કે, કોને ટિકિટ આપવી એ ભાજપનો અંદરનો મામલો છે. આ લિસ્ટનો મતલબ શું છે તે અમે લોકોને જણાવીશું. આ લિસ્ટ પ્રમાણે રૂપાણી મંત્રીમંડળમાંથી એક પણ વ્યક્તિ ચૂંટણી નહીં લડે. ભાજપે પહેલાં મંત્રીમંડળ બદલ્યું અને આજે તમામ જૂના મંત્રીઓની ટિકિટ કાપી નાખવામાં આવી. કોંગ્રેસમાંથી જે લોકો ભાજપમાં જોડાયા છે એમાંથી મોટાભાગના લોકોને ટિકિટ આપવામાં આવી છે. અમે ભાજપના સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને આહવાન કરીએ છીએ કે કોઈપણ શરત વિના આવો તમારું સ્વાગત છે. એવા ઘણા ભાજપના નેતાઓ છે જેમની ટિકિટ કપાઈ છે જેઓ અમારા સંપર્કમાં છે.

કોંગ્રેસના નેતા આલોક શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી
કોંગ્રેસના નેતા આલોક શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી

અમદાવાદમાં બે વેવાઈને ભાજપે ટિકિટ આપી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારમાં એલિસબ્રિજ બેઠક પરથી શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને જમાલપુર બેઠક પરથી ભૂષણ ભટ્ટના નામની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ મેયર અને શાસક પક્ષના નેતા રહી ચૂકેલા અમિત શાહ અને પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા ભૂષણ ભટ્ટ બંને એકબીજાના વેવાઈ થાય છે. ભૂષણ ભટ્ટની પુત્રી મિકિતાનાં લગ્ન અમિત શાહના પુત્ર રુચિર શાહ સાથે થયેલાં છે. બંને નેતાઓ વચ્ચે પારિવારિક સંબંધ બંધાયેલો છે. ભૂષણ ભટ્ટ અને અમિત શાહ બંને અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં પણ હોદ્દા પર છે. અમિત શાહ શહેર પ્રમુખ છે જ્યારે ભૂષણ ભટ્ટ મહામંત્રી છે. ભૂષણ ભટ્ટ વર્ષ 2000થી 2015 સુધી કોર્પોરેટર રહી ચૂક્યા છે અને વર્ષ 2012 માં જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2017માં પણ તેઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેઓ કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા સામે હારી ગયા હતા. અત્યારે ફરી એકવાર જમાલપુર બેઠક પરથી તેઓને ટિકિટ આપવામાં આવી છે.

જયેશ રાદડિયાએ ટિકિટ નક્કી થતાં આભાર માન્યો
જયેશ રાદડિયા ફાઈનલ થઈ ગયા છે. તેમણે ભાજપનો આભાર માન્યો છે. તેમણે કહ્યું હતું કે મારા પર ભરોસો મૂક્યો એ બદલ ખૂબ ખૂબ આભાર, હું જંગી લીડથી આ સીટ જિતાડીને બતાવીશ. બીજી તરફ જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયાએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલને પાર્ટી તરફથી જબરદસ્તીથી ટિકિટ આપી છે. તેમની સાથે મારા બીજા મિત્રો હતા એ બધા વિખૂટા પડી ગયા છે. હવે ભોળાભાઈ ભૂંડી રીતે હારશે.

કચ્છ જિલ્લાની 6 સીટ પર ઉમેદવારો ફાઈનલ
કચ્છ જિલ્લાની 6 સીટો પર ભાજપના ઉમેદવારો ફાઈનલ થઈ ગયા છે, જેમાં અબડાસાથી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ગાંધીધામથી માલતી મહેશ્વરી, અંજારથી ત્રિકમ છાંગા, ભુજથી કેશુભાઈ પટેલ, માંડવીથી અનિરુદ્ધ દવે અને રાપરથી વીરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ મળી છે. પોરબંદરથી બાબુ બોખીરિયા ત્રીજી વખત રિપીટ થયા છે. હવે તેમનો જંગ કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા સાથે થશે.

અમરાઈવાડી બેઠક પરથી સીટિંગ MLA જગદીશ પટેલ કપાયા
ભાજપની ઉમેદવારોની યાદી જાહેર થાય એ પહેલાં જ અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલે ટ્વિટ કરી ભાજપના નેતાઓ અને મોવડીમંડળનો આભાર માન્યો હતો. ધારાસભ્ય જગદીશ પટેલે ટ્વિટ કરીને અમરાઇવાડી વિધાનસભાના ધારાસભ્ય તરીકે તક આપી સેવા કરવાનો અવસર આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા, ગૃહમંત્રી અમિત શાહ, તેમજ કેન્દ્રીય અને પ્રદેશ મોવડીમંડળનો આભાર માન્યો હતો.

યાદી જાહેર થાય એ પહેલાં જ ફોર્મ ભરવા સૂચના
ભાજપની પ્રથમ યાદીમાં સુરત પૂર્વમાં અરવિંદ રાણા, સુરત ઉત્તરમાં કાંતિ બલરને ટિકિટ આપવામાં આવી હોવાના અહેવાલ છે. તો વરછામાં કિશોર કાનાણી, કરંજ બેઠક પર પ્રવીણ ઘોઘારીને ટિકિટ આપવામાં આવી છે, તો બીજી તરફ લિંબાયતમાં સંગીતા પાટીલ, કતારગામમાં વિનુ મોરડિયાને ટિકિટ અપાઈ. તો મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી, સુરત પશ્ચિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી અને કામરેજ બેઠક પર વી.ડી. ઝાલાવાડિયાને ટિકિટ આપવામાં આવી છે. વલસાડમાં ભરત પટેલ સહિત પારડી બેઠકથી કનુ દેસાઈ, ઉમરગામ બેઠકથી રમણ પાટકર, કપરડા બેઠકથી જીતુ ચૌધરીને ફોર્મ ભરવા પ્રદેશ પ્રમુખે સૂચના આપી દીધી હોવાનું માલૂમ પડ્યું છે.

ગાંધીનગરમાં કમલમ્ ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો યોજાઈ હતી.
ગાંધીનગરમાં કમલમ્ ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો યોજાઈ હતી.

સુરતમાં મોટા ભાગની બેઠકો પર રિપીટ થિયરી
ભાજપમાં આ વખતે નો રિપીટ થિયરીની ચર્ચાઓનું બજાર જબરદસ્ત રીતે ગરમ થયું હતું ત્યારે સુરતમાં જ મોટા ભાગની બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરાયા હોવાના અહેવાલો છે. વરાછા બેઠક પર પૂર્વ મંત્રી કાનાણી, કામરેજ બેઠક પર પ્રફુલ પાનસેરિયા, કરંજ બેઠક પર પ્રવીણ ઘોઘારી, કતારગામ બેઠક પર વિનુ મોરડિયા, ઓલપાડ બેઠક પર મંત્રી મુકેશ પટેલ, ઉધના બેઠક પર મનુ પટેલને ફોન કરીને ટિકિટ નક્કી હોવાની વાત કરવામાં આવી છે.

ભાજપે મોડી રાત્રે કેટલાક દાવેદારોને ફોન કર્યા
સત્તાવાર યાદી જાહેર થાય એ પહેલાં ભાજપે મોડી રાત્રે કેટલાક દાવેદારોને ફોન કર્યા હતા. ગીર સોમનાથમાં જશા બારડનું પત્તું કપાયું અને માનસિંહ પરમારને ટિકિટ આપી હોવાની ચર્ચા છે. તો કોંગ્રેસમાં ગઈકાલે ભાજપમાં આવેલા ભગા બારડને ટિકિટ અપાઈ હોવાની પણ ચર્ચા છે. ગઢડા બેઠક પરથી સાંસદ શંભુપ્રસાદ ટૂંડિયાને ફોન આવ્યો છે, જ્યારે અમરેલી બેઠકથી કૌશિક વેકરિયા અને લીંબડીથી કિરીટસિંહ રાણાની ટિકિટ લગભગ ફાઈનલ છે.

આજે કોંગ્રેસની બીજી યાદી જાહેર થવાની શક્યતા.
આજે કોંગ્રેસની બીજી યાદી જાહેર થવાની શક્યતા.

વિજય રૂપાણી સહિતના દિગ્ગજોએ પાછી ખેંચી દાવેદારી
ગુજરાતમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે. 50 વર્ષ સુધી પાર્ટી સાથે જોડાયેલા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડે પણ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપમાંથી વિજય રૂપાણી અને નીતિન પટેલની ટિકિટ કપાય એ પહેલાં પોતે જ ચૂંટણીમાંથી દાવેદારી પાછી ખેંચી છે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ શિક્ષણમંત્રી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિધાનસભાની રેસમાંથી બહાર થઈ ગયા છે.

ગાંધીનગર દક્ષિણમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ
ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટર લાગતાં રાજકારણ ગરમાયું છે. 'ભાવિ મુખ્યમંત્રી' અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણમાં જરૂર ન હોવાનાં પોસ્ટર લાગતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર સંભવિત દાવેદાર તરીકે અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે, જેમાં અલ્પેશ ઠાકોરના ફોટાની નીચે 'ભાવિ મુખ્યમંત્રી શ્રી અલ્પેશજી ઠાકોર (આયાતી ઉમેદવાર)' લખેલું છે. અને તેની નીચે 'અમારી 35 ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઈ જરૂર નથી. તમારા માટે રાધનપુર બરાબર છે. આવશો તો લીલા તોરણે ઘરે જવાની તૈયારી રાખજો. આ તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...