ભાજપ કાઢશે આપનું 'માપ’:ગુજરાત વિધાનસભાની તમામ બેઠક પર તૈયાર કરે છે 'AAP'ના પ્રભાવનો ગ્રાઉન્ડ રિપોર્ટ, ડેટા એનાલિસિસ કરવા પ્રભારીઓ કામે લાગ્યા

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ

ગુજરાતમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીની તૈયારી સત્તાપક્ષ ભાજપે જોરશોરથી શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે દરેક વિધાનસભાના પ્રભારીઓને ગ્રાઉન્ડ લેવલની કામગીરી પૂર્ણ કરી 31મી સુધીમાં તમામ 182 વિધાનસભા બેઠકનો રિપોર્ટ પ્રદેશ ભાજપને સોંપી દેવાની સૂચના આપવામાં આવી છે, ગ્રાઉન્ડ લેવલમાં પ્રભારીઓએ આમ આદમી પાર્ટી(AAP)ના પ્રભાવની માહિતી આપવા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

દરેક વોર્ડના નેતાઓ પાસેથી ફીડબેક લેવાઈ રહ્યો છે
ગુજરાતમાં ભાજપ દ્વારા વિધાનસભા બેઠક નિયુક્ત થયેલા પ્રભારીઓ દ્વારા હવે ગ્રાઉન્ડ લેવલની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ભાજપે તમામ 182 બેઠક પર પ્રભારી નિયુક્ત કરી દીધા છે અને તેમની મુલાકાતોનો પ્રથમ રાઉન્ડ પણ પૂરો થઇ ગયો છે. બીજા રાઉન્ડમાં વિધાનસભા બેઠકના દરેક વોર્ડના પસંદગીના નેતાઓ પાસેથી ફીડબેક લેવામાં આવી રહ્યા છે. એનો એક સંકલિત રિપોર્ટ સ્થાનિક આગેવાનો દ્વારા તૈયાર કરીને પ્રભારીને સોંપવામાં આવી રહ્યો છે.

સરસાઈ જાળવવા પરસેવો પાડવા લાગ્યા
જેના પરથી આગામી સમયમાં નબળા રહેલાં બૂથો પર જે-તે પેજ સમિતિથી લઇ વોર્ડ-પ્રમુખ સુધીના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને પક્ષની સરસાઈ જળવાઈ રહે અને વધે તથા જે બૂથ માઇનસ છે એમાં પણ પ્લસ કરવા માટેની અલગ રણનીતિ તૈયાર કરવામાં આવી શકે છે, સાથે સાથે શા માટે કોઈ ચોક્કસ બૂથ માઇનસ છે અને એનાં કારણો અંગે પણ પ્રભારીઓ સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે, જેના આધારે પ્રભારીઓ દ્વારા આ એક ડેટા રિપોર્ટ મેળવવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં 150થી વધુ બેઠકો મેળવવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહેલા ભાજપ સંગઠને તમામ વિધાનસભાના મતદાન બૂથને 100 ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...