ખબરદાર જમાદાર:મોદીની સભાનો જશ લેવા ભાજપના હોદ્દેદારો-પોલીસ સામસામે, લોકલ ધારાસભ્યને સાચવવા જતા PIને કમિશનરે ખખડાવ્યા

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે 'ખબરદાર જમાદાર!' પ્રસ્તુત કરી રહ્યું છે. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે.

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવલખી મેદાનમાં સભા હતી. આમ તો ચૂંટણી પ્રચારમાં મોદી ગુજરાતને ધમરોળી જ રહ્યા છે, પણ વડોદરાની આ સભા પછી નવો ડખો થયો. આ સભાના કવરેજ માટે પત્રકારોને મીડિયા પાસ મોટા ઉપાડે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ અને સંગઠનના નેતાઓએ ઇશ્યુ કરી દીધા. ત્યાં સુધી કે વડાપ્રધાનની સભામાં VVIP એન્ટ્રીના પાસમાં અધિકારી તરીકે વિજય શાહની સહી અને ભાજપનો સિક્કો પણ મારી દેવાયો હતો. હવે બન્યું એવું કે આ વાતની જાણ સભામાં બંદોબસ્ત સંભાળી રહેલી શહેર પોલીસને થઈ. પોલીસ કમિશનર સાહેબનો એવો પિત્તો ગયો કે તેમણે ભાજપ પ્રમુખે ઈશ્યુ કરેલા આ પાસની કોઈ માન્યતા નથી એવું કહીને તાત્કાલિક રદ કરાવી દીધા. એટલું જ નહીં, બીજા દિવસે રાવપુરા PIના સહી-સિક્કાવાળા બીજા પાસ ઈશ્યુ કર્યા. આમ વડોદરામાં મોદીની સભાના સફળ આયોજનનો જશ લેવા શાહે ભાજપ તો બીજી તરફ શહેર પોલીસ વચ્ચે જાણે હરીફાઈ જામી હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.

ACBનો એટલો કેર કે ગલ્લે રૂપિયા જમા કરાવી દીધા
અત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે જાણે લાંચરુશ્વત વિરોધી વિભાગ (ACB) પણ એક્ટિવ થઈ ગઈ છે. હવે ACBની ટ્રેપમાં ના ફસાવાય એટલા માટે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રેલવે ફાટક પાસેના જમાદારે ગલ્લે રૂપિયા જમા કરાવાનું શરૂ કર્યું છે. આ ટ્રાફિક પોઇન્ટ પર થોડા સમય પહેલાં પોલીસે નિયમભંગ કરનારને રોક્યો હતો. આ સમયે ખૂબ રકઝક બાદ એક ટ્રાફિકકર્મીએ 300 રૂપિયામાં પતાવટની વાત કરી હતી. જો કે, આ રૂપિયા રોકડા લેવાના બદલે તેણે પોઇન્ટની સામે આવેલા પાનના ગલ્લે ક્યુઆર કોડ પર પેમેન્ટનું કહ્યું. આ વ્યક્તિએ ત્યાં 300 રૂપિયા ક્યૂઆર કોડ સ્કેન કરાવ્યા પછી જ તેને ત્યાંથી જવા દેવાયો હતો. આ સમયે એક વ્યક્તિ તેની ભલામણ માટે પણ ગયો હતો પરંતુ આ પહેલાં તો ક્યૂઆર કોડમાં 300 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા.

ચૂંટણીપંચે કહ્યું છતાં ACPએ કશું ન કર્યું તો વિજિલન્સ જોડે પંચે રેડ કરાવી
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિજિલન્સ વિભાગ એક્શનમાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ તેનું કારણ માત્ર એની કામગીરી નહીં પણ ચૂંટણીપંચમાં થયેલી ફરિયાદો પણ છે. ચૂંટણીપંચે હાલમાં જ અમદાવાદ શહેરના દારૂના અડ્ડા પર રેડ કરવા માટે પોલીસને સૂચના આપી હતી. અમદાવાદના એક ACPને આ અંગે રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ પેલા ACP સાહેબે ત્યાં રેડ ન કરી. આખરે કંટાળેલા ચૂંટણીપંચે વિજિલન્સને આ અંગેની લેખિત જાણ કરી હતી. ત્યારબાદ વિજિલન્સે અમદાવાદના આ વિસ્તારમાં રેડ કરી હતી. ACP કક્ષાના અધિકારી પણ ચૂંટણીપંચની વાતને ગંભીરતાથી લેતા ન હોય તો આમ જનતાનું જ ભગવાન જ ભલું કરે.

એજન્સીએ દારૂની ટ્રકનું લોકેશન મેળવ્યું પણ હરિરામે મેસેજ લીક કર્યો
ગુજરાતની બોર્ડર પરથી દારૂ પ્રવેશે તે પહેલાં તેને પકડી લેવા માટે રાજ્યની અલગ અલગ એજન્સીઓ કામ કરી રહી છે. તે માટે તેમણે પોતાનું અલગ બાતમી નેટવર્ક પણ એક્ટિવ કરી દીધું છે. હાલ અલગ અલગ એજન્સીઓ બાતમીદારોને મોટી રકમ પણ ઇનામમાં આપે છે. આ વખતે એજન્સીના અધિકારી પાસે ચોક્કસ બાતમી હતી કે દારૂનો ટ્રક આવવાનો છે. પરંતુ તેમનો જ એક પોલીસકર્મી ફૂટી ગયો અને દારૂના રિસિવરને મેસેજ લીક કરી દેતા તેણે ફોન બંધ કરી દીધો. આ પરિણામે આખી રેડ કેન્સલ થઈ ગઈ હતી. આ સમગ્ર મામલો આ એજન્સીના અધિકારીને ધ્યાને આવ્યો અને તેમણે પણ હવે સોશિયલ મીડિયાની ગતિવિધિ જાણવા માટે વોટ્સએપ કોલની ડીટેલ માંગી છે.

એક PIને પ્રોજેક્ટરનો ચસકો, TV કાઢી પ્રોજેક્ટર લગાવ્યું
અમદાવાદ શહેરમાં પોલીસ દિવસે-દિવસે હાઈટેક બની રહી હોય તેમ લાગે છે. સામાન્ય પોલીસ કર્મચારી પાસે પણ આઈફોન-14 જેવા મોડેલ જોવા મળે છે. ઘણા પોલીસ અધિકારીઓ તો એટલા આગળ વધી ગયા છે અને તે તેમની ઓફિસમાં એન્ટરટેનમેન્ટ માટે ટીવી જોવાના બદલે હવે પ્રોજેક્ટર લગાવી દીધા છે. જેના કારણે તેઓ પોતાની ચેમ્બરની સ્ક્રીન પર ક્રિકેટ મેચ હોય કે ન્યૂઝ જોવે છે. આવા જ એક અમદાવાદના PI સાહેબ તેમની ચેમ્બરમાં પ્રોજેક્ટર લગાવી દેવા માટે ખૂબ ચર્ચામાં છે. PIને જે સુવિધા સત્તાવાર ન મળતી હોય તે માટે આવા અધિકારીઓ પોતાની જાતે વ્યવસ્થા કરી લે છે અને પછી ચર્ચામાં આવે છે.

ધારાસભ્યને સાચવવા જતા PIને કમિશનરે ખખડાવ્યા
સુરતની એક ચર્ચિત વિધાનસભા બેઠક અને તેથી પણ ચર્ચિત તેના ધારાસભ્ય. હવે હમણાં થયું એવું કે ચૂંટણીના આ માહોલ વચ્ચે પેલા ધારાસભ્ય ઉમેદવાર પણ છે. તેમની સભામાં હમણાં મોટે-મોટેથી ડીજે વાગતું હતું તો સામેની પાર્ટીના કાર્યકરોએ PIને ફરિયાદ કરી. PIનો વાંક એટલો જ કે તેમણે ધારાસભ્યની શરમ ભરીને કોઈ એક્શન ના લીધી. હવે હરીફ પાર્ટીના નેતાઓ અને આગેવાનોએ આની ફરિયાદ છેક કમિશનર સાહેબને કરી દીધી. બસ, પછી તો જોઈતું હતું શું... કમિશનરે પેલા PIને ફોન કરીને ઊભા-ઊભા ખખડાવી નાંખ્યા. પેલા PI પણ બિચારા પોતાની નોકરી જોખમમાં આવ્યાનું સમજી ગયા. એટલે જ તો તેમણે તાત્કાલિક ડીજે બંધ કરાવીને ફરિયાદી પાર્ટીના આગેવાનોને કાકલૂદી કરવા લાગ્યા. બિચારા PIએ તો ત્યાં સુધી કહ્યું, મહેરબાની કરો અને પોલીસ કમિશનર સાહેબને સીધી ફરિયાદ ના કરો. તમે તો મારી પરિસ્થિતિ સમજો.

કૂવાડવામાં ફરી બાયોડીઝલના હાટડા કોણે શરૂ કરાવ્યા?
છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ગેરકાયદે બાયોડીઝલનો સ્ટોરેજ અને વેચાણ બંધ હોવાની વાતો થાય છે. પરંતુ હવે ફરી એક વખત ચૂંટણી પૂર્વે છાનેખૂણે ઉચ્ચ પોલીસ અધિકારીની મીઠી નજર હેઠળ કૂવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયોડીઝલનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ બાયોડીઝલનો ધંધો ફરી શરૂ કરવામાં રાજકોટના 2 થી 3 ઉચ્ચ અધિકારીના માનીતા ગણાતા વહીવટદારનો બહુ મોટો ફાળો છે. આ વહીવટદારની દેખરેખ હેઠળ જ આ બાયોડીઝલ વેચાતું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ વાત વાયુ વેગે ફેલાતા તાત્કાલિક અસરથી તેને બંધ કરી દેવા સૂચના આપી દેવામાં આવી હતી. પરંતુ ફરી થોડા સમયમાં આ હાટડા ધમધમશે એ નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...