ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે જ યોજાવાની છે. રાજ્યમાં કેન્દ્રિય નેતાઓના આંટા ફેરા વધી રહ્યા છે, જેને જોતા ચૂંટણી વહેલી યોજાય તેવા પણ સંકેતો મળી રહ્યા છે. હાલમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુજરાત પ્રવાસે આવ્યા હતા, ત્યારે આગામી 7મી મેના રોજ ફરી એકવાર તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
સુરતમાં ભાજપના કાર્યક્રમમાં હાજરી આપશે
માહિતી મુજબ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડી 7મી મેએ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સુરત નજીક કડોદરામાં યોજાનારા ભાજપના 'વન-ડે વન ડિસ્ટ્રીક્ટ' કાર્યક્રમમાં હાજરી આપશે. આ પહેલા 29મી એપ્રિલના રોજ પણ નડ્ડા ગુજરાત પ્રવાસ પર હતા. જ્યાં તેમણે કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
29 એપ્રિલે ગુજરાત પ્રવાસે હતા નડ્ડા
ગુજરાત પ્રવાસે આવેલા જે.પી નડ્ડાએ યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. આ બાદ તેમણે કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદો, પૂર્વ મંત્રીઓ સહિત 300થી વધુ આગેવાનો સાથે મહત્વની બેઠકમાં ચૂંટણી રણનીતિ બાબતે મહત્વના નિવેદનો કર્યા હતા.
પરિવારવાદની રાજનીતિને મોદીની વિકાસનીતિએ ટક્કર આપી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, ગુજરાત આવવાનું સૌભાગ્ય મળ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને તમામ સાંસદ, ધારાસભ્યોને મળ્યો, હવે કાર્યકર્તાઓ સાથે મળીશ. ભારતની રાજનીતિનો સવાલ છે ત્યારે ગુજરાતની ધરતી પક્ષ માટે પ્રયોગશાળા રહી છે. વડાપ્રધાન મોદી મહામંત્રી, રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી રહ્યાં ત્યારે જોવા મળ્યું છે કે ગુજરાતની છબી પણ વિશ્વ સ્તરે પ્રચલિત છે. રાજનીતિમાં ભાજપે જાતિવાદ,પરિવારવાદની રાજનીતિને મોદીની વિકાસનીતિએ ટક્કર આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.