ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે જ યોજાવા જઈ રહી છે. એવામાં ચૂંટણીમાં જીતવા માટે ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. પોતાના પક્ષના પ્રચાર માટે કેન્દ્રિય નેતાઓ પણ ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીનો કાર્યક્રમ
બે દિવસના ગુજરાત પ્રવાસે આવેનારા બી.એલ સંતોષ હેગડેવાર ભવનમાં RSSનાં અગ્રણીઓ સાથે અને કમલમ ખાતે BJP સંગઠન પદાધિકારીઓ સાથે બેઠક કરશે. જેમાં પહેલા દિવસે તેઓ ઝાંઝરકામાં વિવિધ સામાજિક આગેવાનો સાથે બેઠક કરીને ચર્ચા કરશે. આ બાદ બીજા દિવસે તેઓ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક કરશે.
રાહુલ ગાંધી પણ 10મેએ ગુજરાત આવશે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી સમયમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી 10મી મેના રોજ રાહુલ ગુજરાત આવશે અને દાહોદમાં યોજાનારા આદિવાસી સંમેલનને સંબોધશે. અગાઉ 1લી મેના રોજ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના હતા. પરંતુ કોઈ કારણોસર તેમનો આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે 10મી મેના રોજ તેઓ ગુજરાત પ્રવાસે આવશે. રાહુલ વડોદરા આવીને ત્યાંથી સીધા દાહોદ જશે. હાલમાં કોંગ્રેસના નેતાના આ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં તેમનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.