ચૂંટણી વહેલી કે સમયસર, નક્કી દિલ્હીમાં થશે:ગુજરાત સરકાર, સંગઠન-સંઘ સાથે બેઠકો કરી ભાજપના 'સંતોષ' હાઇકમાન્ડને રિપોર્ટ કરશે, ત્યાંથી ચૂંટણીનો ટાઈમિંગ નક્કી કરાશે

11 દિવસ પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષ બે દિવસની ગુજરાત મુલાકાતે છે
  • ગુજરાતમાં ચૂંટણી સમયસર કરવી કે વહેલી તેનો આખરી નિર્ણય લઈ શકે છે

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષ વિધાનસભાની વહેલી ચૂંટણી સંદર્ભે ભાજપ સરકાર, સંગઠન અને સંઘ સાથે બેઠકો કરી એક રિપોર્ટ તૈયાર કરી પક્ષના મોવડીઓને આપશે. જેના આધારે સંઘ અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી સમયસર કરવી કે વહેલી તેનો આખરી નિર્ણય લઈ શકે છે.

સંઘમાં સામાજિક-સંગઠનના મુદ્દાઓનું વધુ મહત્વ
ભાજપની સત્તા માટેની સ્ટ્રેટેજી મુજબ ચૂંટણી પૂર્વે ભાજપથી પણ અલગ રીતે ભગીની સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘ દ્વારા પણ પોતાનો ખાસ આંતરિક સર્વે કરવામાં આવે છે. જેમાં સંઘ રાજકીય મુદ્દાઓ કરતાં સામાજિક અને સંગઠનના મુદ્દાઓને વધુ મહત્વ આપે છે. તે મુજબ સંઘ દ્વારા ભાજપને માર્ગદર્શન અને સૂચનો અપાય છે. ગુજરાતમાં ચૂંટણી નજીક હોવાથી સંઘ દ્વારા આ અંગે સર્વે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે દિલ્હીથી આવેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષે પણ સંઘ અને ભાજપના નેતાઓ સાથે ખાસ બેઠક કરી હતી.

આગામી ચૂંટણીમાં સંઘની ભૂમિકા મહત્વની રહેશે!
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ મામલે ભાજપે ફાસ્ટ્રેક મોડ પર તૈયારીઓ શરૂ કરી દેતા વહેલી ચૂંટણીની ચર્ચાએ જોર પકડ્યું છે આવા સમયે જ આજે અમદાવાદમાં RSS અને ભાજપના રાજ્ય એકમની એક બેઠક મળી હતી. જેમાં રાજ્યની ચૂંટણીઓમાં સંઘની ભૂમિકા તથા સંઘ પાસે જે કાંઇ વિચારો છે તેની ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં RSSના અનેક અગ્રણીઓ ઉપરાંત બેઠકમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. ખાસ કરીને દિલ્હીથી આ બેઠકમાં હાજરી આપવા ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ પણ ખાસ હાજર હતા. લગભગ અઢી કલાક સુધી આ બેઠક ચાલી હતી.

સંઘ-ભાજપ વચ્ચે નિયમિત બેઠકોનો દોર
સુત્રોના જણાવ્યા મુજબ ભાજપ એ RSSની રાજકીય પાંખ છે અને દેશભરમાં આ રીતે સંઘ અને ભાજપ વચ્ચે નિયમિત રીતે બેઠકો યોજાતી રહે છે. તે વચ્ચે વર્ષમાં બે વખત ગુજરાતમાં પણ બેઠકો યોજાઈ હતી. જોકે સૌપ્રથમ વખત ભાજપમાં મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ બંને RSSનું બેકગ્રાઉન્ડ ધરાવતા નથી, જેથી એ મુદ્દો પણ મહત્વનો છે. આમ છતા પણ RSS દ્વારા રાજ્યમાં રાજકીય, સામાજિક સહિતના મુદ્દાઓ પર ભાજપને માર્ગદર્શન અને સરકારને પણ સૂચનો આપવામાં આવે છે અને તેનો અમલ પણ થાય છે. આ સ્થિતિ દેશભરમાં સંઘ અને ભાજપ વચ્ચે એક સમન્વય તરીકે જોવામાં આવે છે.

બી.એલ.સંતોષની ગુજરાત મુલાકાત, રૂપાણીનું રાજીનામુ
સુત્રોના જણાવ્યા મુજબ, સંઘના પદાધિકારીઓને નાગપુરમાંથી પણ સતત માર્ગદર્શન મળી રહે છે. ગુજરાતમાં પણ સંઘના પદાધિકારીઓ સત્તા પક્ષ ભાજપને માર્ગદર્શન અને સૂચન કરે છે. આ સંજોગોમાં સંઘ અને ભાજપ વચ્ચેની આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ પણ હાજર રહ્યા હતા. તે સૌથી મહત્વનું હતું, છેલ્લે જ્યારે બી.એલ.સંતોષ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થયું હતું અને મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામુ લેવામાં આવ્યું હતું

ચૂંટણીની રણનીતિ માટે કાર્યકરોની ફોજ તૈયાર થશે
થોડા દિવસ પહેલા ગુજરાત આવેલા ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે સરકાર અને સંગઠનના ટોચના આગેવાનો સાથે બેઠકો કરી 2017ની વિધાનસભા અને 2019ની લોકસભા ચૂંટણીની સમીક્ષા કરી અન્ય રાજ્યોની ચૂંટણીની રણનીતિ ગુજરાતમાં પણ લાગુ કરવા ચુનંદા કાર્યકરોની ફોજ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં સીએમની કામગીરીનું કાર્ડ મુકાયું
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના કામગીરીનું કાર્ડ મુકવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત યુવાન મહિલા ગરીબો માટેની યોજના અંગેની જાણકારી આપવામાં આવી હતી. દરેક મંત્રીને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, માત્ર પોતાના મતવિસ્તારની નહીં, પરંતુ આસપાસના વિધાનસભા વિસ્તારને પણ ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવે અને આગામી 18 સપ્તાહનો સમય તમારી પાસે છે તેમાં સરકારી યોજના લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે આયોજનબદ્ધ રીતે આગળ વધવા તાકીદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...