તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
14મી વિધાનસભાના 8માં સત્રનો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી અને વિધાનગૃહના નેતા વિજય રૂપાણીએ 14મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખને રજૂ કરીને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકી તેમજ સ્વ. કેશુભાઇ પટેલ સહિતના ચાર પૂર્વ દિવંગત રાજ્યમંત્રીઓ અને સાત પૂર્વ દિવંગત વિધાયકોને ભાવસભર અંજલિ આપી હતી. જ્યારે જામનગર(ગ્રામ્ય)ના ધારાસભ્ય રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, કેશુભાઈએ મને ટીકિટ અપાવી હતી અને એમની જ સરકાર મેં ઉથલાવી હતી. મને આજે પણ આ વાતનો રંજ છે કે હું એ વખતે એમની સરકાર પાડવામાં હતો. કદાચ એના કારણે જ પછી મને ડાયાબિટીસ અને બી.પી.ના રોગ થયા હતા.
મેં પાપ કર્યું અને એ પાપની મને સજા પણ મળીઃ રાઘવજી પટેલ
આ અંગે રાઘવજી પટેલે જણાવ્યું કે, મેં એ સમયે જે ભૂલ કરી હતી જેનો મને કાયમ માટે રંજ હતો. એ રંજ વ્યક્ત કરવા માટેનો આજે મને શ્રેષ્ઠ મોકો લાગ્યો અને કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપતી વખતે મારા મનમાં પડેલી વાત બહાર આવી ગઈ. કેશુભાઈને કરેલો અન્યાય કબૂલ કર્યો અને મેં એમપણ કીધું એ ભૂલ કરીને મેં પાપ કર્યું અને એ પાપની મને સજા પણ મળી છે.
મુખ્યમંત્રીએ પૂર્વ ધારાસભ્યોના નિધન પર શોક વ્યક્ત કર્યો
આ ઉપરાંત મુખ્યમંત્રીએ પૂર્વ રાજ્યમંત્રીઓ દિવંગત સુંદરસિંહ ચૌહાણ, બાબરભાઇ તડવી, રજનીકાંત રજવાડી અને રોહિતભાઇ પટેલના દુ:ખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી સદગત સભ્યોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમણે વિધાન સભાના પૂર્વ દિવંગત વિધાયકો સ્વ. દિનકરભાઇ દેસાઇ, શ્રીમતી ચંદ્રાબહેન શ્રીમાળી, ધારશીભાઇ ખાનપુરા, જોધાજી ઠાકોર, નરેશ કનોડિયા, મેઘજીભાઇ કણઝારીયા અને ભૂપેન્દ્રસિંહ ખાંટના નિધન અંગે પણ દુ:ખ વ્યક્ત કરી આ સભ્યોને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા.
માધવસિંહે વિકાસને નવી દિશા આપીઃ મુખ્યમંત્રી
ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી રૂપાણીએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમ્યાન ઉદ્યોગ, વીજળી, શિક્ષણ, સામાજિક કલ્યાણ તેમજ સાહિત્ય અને સંસ્કૃતિના ઉત્થાન દ્વારા વિકાસને નવી દિશા આપી હોવાનું સ્મરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરનારા સ્વ.માધવસિંહ સોલંકીએ કુશળ પ્રશાસક, દીર્ધદૃષ્ટા અને ગ્રામજગતના ઉત્થાન માટે વિચક્ષણ રાજપુરુષ તરીકે આપેલું યોગદાન સદાકાળ સ્મરણીય રહેશે.
કચ્છના ભૂકંપ વખતે કેશુભાઈએ ઉત્કૃષ્ટ કામગીરી કરીઃ રૂપાણી
મુખ્યમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલને લોકનેતા તરીકેની ભાવસભર અંજિલ આપતા કહ્યું કે, ગોકુળગ્રામ યોજનાથી સર્વાંગી ગ્રામીણ વિકાસના પ્રણેતા સ્વ.કેશુભાઇ પટેલે કિસાન પુત્ર તરીકે ખેડૂતોના હિતો પ્રત્યે પણ સદાય સંવેદના દર્શાવી હતી. વિજય રૂપાણીએ પૂર્વમુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલે મચ્છુ હોનારત વેળાએ તેમજ 2001માં કચ્છના ભૂકંપ વખતે કરેલી ઉત્કૃષ્ટ કામગીરીનું પણ સાદર સ્મરણ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે દીર્ધકાલિન સેવાઓ આપનારા સ્વ.કેશુભાઇ પટેલે પોતાનું સમગ્ર જીવન ખેડૂત, ગામડા, સામાજિક ઉત્કર્ષ અને રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે ખપાવી દીધું હતું.
‘કેશુભાઈ પટેલના અવસાનથી ન પૂરાય એવી ખોટ પડી’
મુખ્યમંત્રીએ દિવંગત સ્વ.કેશુભાઈ પટેલના અવસાનથી રાજ્યના રાજકીય-સામાજિક જીવનમાં ન પૂરાય તેવી ખોટ પડી છે અને આપણે મૂઠી ઉંચેરા સંવેદનશીલ નેતા ગુમાવ્યા છે તેમ પણ ભાવસભર શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું. ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રીએ આ સૌ દિવંગત સભ્યોને સભાગૃહ વત્તી શ્રદ્ધાસુમન પાઠવતાં જનપ્રતિનિધી તરીકેની તેમની સેવાઓ અને લોકપ્રશ્રોને ગૃહમાં વાચા આપવાના દાયિત્વની પ્રશંસા કરી હતી.
નાયબ મુખ્યમંત્રી-વિપક્ષના નેતાએ શોક પ્રસ્તાવમાં ભાગ લીધો
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, સત્તાપક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ પણ આ દિવંગત સભ્યોને આદરાંજલિ પાઠવતા શોક પ્રસ્તાવમાં ભાગ લીધો હતો. સમગ્ર સભાગૃહે બે મિનીટનું મૌન પાળીને સૌ પૂર્વ દિવંગત સભ્યોને અંજલિ આપી હતી અને શોકસંતપ્ત પરિવારો પ્રત્યે દિલસોજીની લાગણી વ્યક્ત કરી હતી.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.